Afghanistan-Pakistan tensions: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાની હવાઈ સૈન્યે કાબુલની એક હોસ્પિટલ પર હુમલો કર્યો, જેમાં 400 લોકોના જીવ ગયા અને 250 કરતા વધારે ઘાયલ થયા છે. તાલિબાન સરકારે સોમવારે પાકિસ્તાનની સેના પર કાબુલમાં ડ્રગ વ્યસનીઓની સારવાર કરતી એક હોસ્પિટલને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. આ હુમલો અફઘાન અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે સરહદ પર ગોળીબાર થયા બાદ અફઘાનિસ્તાનમાં ચાર લોકો માર્યા ગયા છે તેના કલાકો બાદ થયો હતો.
તેમજ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મુશર્રફ ઝૈદીએ અફઘાનિસ્તાનના આરોપોને સંપૂર્ણપણે નિરાધાર ગણાવ્યા છે. પાકિસ્તાનના માહિતી મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું કે હવાઈ હુમલાઓ ખૂબ જ સચોટ હતા અને ફક્ત લશ્કરી સ્થાપનો અને આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યા, કોઇ નાગરિક વિસ્તારોને નહિ.

બે બાળકોના મોતનો આરોપ: અફઘાનિસ્તાન (Afghanistan)
બંને દેશો વચ્ચેનો આ તણાવ સરહદ પર પણ વધી રહ્યો છે. અફઘાન અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ અફઘાનિસ્તાનમાં સરહદ પર અનેક સ્થળોએ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં ઓછામાં ઓછા બે બાળકો માર્યા ગયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા. યુદ્ધવિરામ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે હાકલ છતાં બંને પક્ષો વચ્ચે સતત ત્રીજા અઠવાડિયા સુધી લડાઈ ચાલુ રહી.

તેમજ અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતના ગવર્નરના પ્રવક્તા મુસ્તગફર ગુરબાઝે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલા મોર્ટાર શેલ ગામડાઓમાં પડ્યા હતા, જેમાં 10 લોકો ઘાયલ થયા હતા અને અનેક ઘરોને નુકસાન થયું હતું.
હુમલા અંગે ક્રિકેટર રાશિદ ખાનનું નિવેદન
અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને પણ પાકિસ્તાની હુમલાઓ અંગે નિવેદન જારી કર્યું છે. રાશિદ ખાને કાબુલમાં ડ્રગ્સ પુનર્વસન કેન્દ્ર પર પાકિસ્તાનના હવાઈ હુમલાની પણ સખત નિંદા કરી અને નાગરિકોના મોત પર ચિંતા વ્યક્ત કરી. રાશિદ ખાને જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને નિશાન બનાવવી એ યુદ્ધ અપરાધ છે. તેમણે ઉમેર્યું, “રમઝાનના પવિત્ર મહિનામાં લોકોના કિંમતી જીવનનો અનાદર કરવો હૃદયદ્રાવક છે. આવા ગુનાઓ ફક્ત લોકોમાં વિભાજન અને નફરતને વેગ આપે છે.
