Kulbhushan Jadhav case/ પાકિસ્તાન જેલમાં ભારતીય કુલભૂષણ જાધવને 10 વર્ષ પૂરા, ઈરાનની ભૂમિકા પર ઉઠ્યા ગંભીર સવાલ

3 માર્ચ 2026ના રોજ કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav) ને પાકિસ્તાનની જેલમાં 10 વર્ષ પૂરા થયા. ઈરાનથી અપહરણ અને પાકિસ્તાનના ષડયંત્રની સંપૂર્ણ કહાની વાંચો.

Top Stories World
Kulbhushan Jadhav 10 Years in Jail

Kulbhushan Jadhav 10 Years in Pakistan Jail: આજે 3 માર્ચ 2026ના રોજ ભારતના પનોતા પુત્ર કુલભૂષણ જાધવને પાકિસ્તાનની જેલમાં કેદ થયાને પૂરા 10 વર્ષ થયા છે. એક તરફ દુનિયા ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ અને અફઘાનિસ્તાન-પાકિસ્તાન સંઘર્ષ જોઈ રહી છે, ત્યારે બીજી તરફ એક નિર્દોષ ભારતીય એક દાયકાથી પાકિસ્તાનની જેલમાં યાતનાઓ સહન કરી રહ્યો છે.

3 માર્ચ 2016ના રોજ કુલભૂષણ જાધવનું ઈરાનથી અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ કેસમાં પાકિસ્તાનની નાપાક હરકત કરતા પણ વધુ ચર્ચાસ્પદ બાબત ‘ઈરાનની ભૂમિકા’ રહી છે. આવો જાણીએ કે આખરે ઈરાન પર કેમ સવાલો ઉઠી રહ્યા છે?

ઈરાનની ભૂમિકા શંકાસ્પદ કેમ?

કુલભૂષણ જાધવ જ્યારે ઈરાનમાં બિઝનેસના કામ અર્થે હતા, ત્યારે ત્યાંથી પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન ‘જૈશ અલ અદલ’ દ્વારા તેમનું અપહરણ કરીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ને સોંપી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈ દેશની ધરતી પરથી વિદેશી નાગરિકનું અપહરણ થાય અને તે દેશની સરકારને તેની જાણ પણ ન થાય, તે માનવું અત્યંત મુશ્કેલ છે.

કુલભૂષણ વર્ષોથી ઈરાનમાં બિઝનેસ કરતા હોવા છતાં, તેમના અપહરણ બાદ ઈરાને ક્યારેય પાકિસ્તાન પાસે ખુલાસો માંગ્યો નહીં કે તેમની મુક્તિ માટે કોઈ દબાણ કર્યું નહીં; ઈરાનનું આ મૌન અને તટસ્થતા ભારત માટે હંમેશા એક ગંભીર પ્રશ્ન સમાન રહી છે.

કોણ છે Kulbhushan Jadhav ?

કુલભૂષણ જાધવનો જન્મ 1970માં મહારાષ્ટ્રના સાંગલી ખાતે થયો હતો. તેમણે નાની વયે જ દેશસેવાનો માર્ગ અપનાવતા 1987માં માત્ર 17વર્ષની ઉંમરે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)માં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારબાદ 1991માં તેઓ ભારતીય નૌકાદળ (Indian Navy)માં જોડાયા હતા. નેવીમાંથી નિવૃત્તિ બાદ તેમણે ઈરાનમાં જઈને ત્યાં પોતાનો કાર્ગોનો વ્યવસાય શરૂ કર્યો હતો.

Kulbhushan Jadhav 10 Years in Jail

પાકિસ્તાનનું જૂઠ અને ભારતની લડત

પાકિસ્તાન (Pakistan) દાવો કરતું આવ્યું છે કે જાધવ ભારતીય જાસૂસ છે અને બલૂચિસ્તાનમાંથી પકડાયા હતા. પરંતુ સત્ય એ છે કે તેમનું ઈરાનથી અપહરણ થયું હતું. પાકિસ્તાને એક બનાવટી વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં ઘણા બધા કટ અને એડિટિંગ હતા. ભારત આ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) માં ગયું હતું, જ્યાં પાકિસ્તાનની દલીલોની પોલ ખૂલી ગઈ હતી અને ફાંસી પર રોક લગાવવામાં આવી હતી.

જાણો કેસની ટાઈમલાઈન (ઘટનાક્રમ)

3 માર્ચ, 2016ના રોજ આતંકી સંગઠન જૈશ અલ અદલે ઈરાનથી કુલભૂષણ જાધવનું અપહરણ કર્યું હતું. જેના થોડા દિવસો બાદ, 25 માર્ચ 2016ના રોજ પાકિસ્તાને જાધવની ધરપકડની જાહેરાત કરતા ખોટો દાવો કર્યો હતો કે તેમને બલૂચિસ્તાનથી પકડવામાં આવ્યા છે. ત્યારબાદ 10 એપ્રિલ, 2017ના રોજ પાકિસ્તાની સૈન્ય અદાલતે તેમને ફાંસીની સજા ફટકારી હતી.

આ અન્યાય સામે ભારત 8 મે, 2017ના રોજ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) માં ગયું હતું, જેના પરિણામે 18 મે, 2017ના રોજ ICJ એ ફાંસી પર રોક લગાવી હતી. અંતે 17 જુલાઈ, 2019ના રોજ આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને સજા પર પુનર્વિચાર કરવા અને ભારતને કોન્સ્યુલર એક્સેસ આપવા આદેશ કર્યો હતો. આજની વાસ્તવિકતા એ છે કે છેલ્લા 10 વર્ષથી કુલભૂષણ જાધવ પાકિસ્તાનની જેલમાં છે અને ભારત સરકાર તેમને વતન પરત લાવવા માટે સતત પ્રયત્નશીલ છે.


આ પણ વાંચો:કુલભૂષણ જાધવનું કર્યું હતું અપહરણ, હવે પાકિસ્તાનમાં જોરદાર બોમ્બમારો; જાણો ઈરાનની સર્જિકલ સ્ટ્રાઈકની સંપૂર્ણ કહાની

આ પણ વાંચો:કુલભૂષણ જાધવ કેસમાં પાકે. ભારતની માંગ સ્વીકારી, કોન્સ્યુલર એક્સેસ મળશે

આ પણ વાંચો:કુલભૂષણ જાધવ મામલે ભારત કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે : વિદેશ મંત્રાલય