પ્રેરણા/ સુરેન્દ્રનગરના વઢવાણમાં પુત્રના મૃત્યુ બાદ સાસુ-સસરાએ પુત્રવધુના માતા-પિતા બની નિકાહ કરાવ્યા

સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં રહેતા સાસુ-સસરાએ પુત્રવધૂના અને તેના સંતાનોના ભવિષ્ય માટે જાતે જ માતા-પિતા બની યુવક શોધીને તેના નિકાહ કરાવ્યા હતા. ત્યારે મૃતક યુવાનના માતા-પિતાએ પુત્રવધૂના નિકાહ કરાવી સમાજને એક નવી રાહ ચીંધી હતી

Top Stories Gujarat
8 9 સુરેન્દ્રનગરના વઢવાણમાં પુત્રના મૃત્યુ બાદ સાસુ-સસરાએ પુત્રવધુના માતા-પિતા બની નિકાહ કરાવ્યા

સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં રહેતા સાસુ-સસરાએ પુત્રવધૂના અને તેના સંતાનોના ભવિષ્ય માટે જાતે જ માતા-પિતા બની યુવક શોધીને તેના નિકાહ કરાવ્યા હતા. ત્યારે મૃતક યુવાનના માતા-પિતાએ પુત્રવધૂના નિકાહ કરાવી સમાજને એક નવી રાહ ચીંધી હતી.

આજના હળાહળ કળયુગમાં પતિના મોત બાદ અનેક પત્નીને બાકીનું જીવન સંઘર્ષમય બની જાય છે. તેમાં ખાસ કરીને જ્યારે સંતાનો હોય ત્યારે તેના માટે માતા-પિતાની ભૂમિકા ભજવીને અનેક નારીઓ પોતાનું જીવન પસાર કરે છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણમાં સાસુ-સસરાએ પુત્રવધૂના ભવિષ્ય માટે અનોખો નિર્ણય કરીને માતા-પિતાની ફરજ અદા કરી હોય તેવો કિસ્સો બહાર આવ્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વઢવાણ કસ્બાશેરી યુસુબબાપુના ખાચામાં રહેતા 65 વર્ષના ફરીદભાઈ ઇબ્રાહીમભાઈ મીરજા અને 60 વર્ષના જુલેખાબેનના દિકરા એજાઝના લગ્ન લીંબડી ખાતે 2012માં ફિરદોસબાનું સાથે થયા હતા.

લગ્નજીવનના ગાળા દરમિયાન આ દંપતીને 2 સંતાનમાં 8 વર્ષની ફાતીમાબેન અને 4 વર્ષનો અબુબકર છે. પરંતુ અંદાજે દોઢ વર્ષ પહેલા એજાઝભાઈનું વાહન અકસ્માતે મોત થતા મીરજા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. પરંતુ પુત્રના આકસ્મિક અવસાન બાદ નાની ઉમરની પુત્રવધૂને ઘરે રાખવાના બદલે સારા ભવિષ્ય માટે જાતે જ માતા-પિતા બની રાજકોટ-ગોંડલની વચ્ચે આવેલા મેંગરી ગામના યુવક સાથે પુન: નિકાહ કરાવ્યા હતા. આમ બે સંતાન ધરાવતી પુત્રવધૂના અન્ય જગ્યાએ પુન: નિકાહ કરાવી મુસ્લિમ સમાજને નવી રાહ ચીંધી હતી.

અકસ્માતે પુત્રનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ સાસરિયામાં ફિરદોશબાનુ લગ્નજીવન વિતાવી રહ્યા હતા. ત્યારે મુસ્લિમ પરિવારમાં એક ખ્યાલ આવ્યો કે, હા હવે અમારી પુત્રવધુ નથી હવે અમારી દીકરી ગણાય અને પુત્રના અવસાન બાદ આ ફીરદોશબાનુએ પોતાની દીકરી બનાવી અને સાસરીયે વાળવાનું કામ સાસુ-સસરા મટી અને માવતર બની અને આ કાર્ય કર્યું છે.

દરેક સમાજમાં આ કિસ્સો પ્રેરણાદાયી ગણાવાય છે ત્યારે ફરીદભાઈએ જણાવ્યું કે, દરેક સમાજે આ રીતે આગળ આવી અને આવી ઘટનાને દુર્ભાગ્ય ન ગણાવી જોઈએ અને એક દીકરીના જીવનનો ખ્યાલ કરી અને તેને ફરીવાર સુખી જીવન જીવવા માટેનું આ રીતે બોધપાઠ આપવો જોઈએ. અને દીકરીને ફરી વાર પરણાવી અને સાસુ સસરાનો નહીં પરંતુ માતાપિતાના અધિકાર આપવા જોઈએ.