Ahmedabad Airport High Alert Republic Day Advisory: આગામી 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Airport) પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. એરપોર્ટને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે, જેની અસર મુસાફરોના પ્રવાસ આયોજન પર પડી શકે તેમ છે.

31 જાન્યુઆરી સુધી કડક સુરક્ષા તપાસ
પ્રજાસત્તાક દિવસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એલર્ટ 26 જાન્યુઆરીથી શરૂ થઈને 31 જાન્યુઆરી સુધી અમલી રહેશે. એરપોર્ટ (Airport) સત્તાધીશો અને વિવિધ એરલાઇન્સ દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ફ્લાઇટના નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછા 3 કલાક વહેલા એરપોર્ટ પહોંચી જાય. સુરક્ષાના ભાગરૂપે મુસાફરોના બેગેજની બે વખત સઘન ચકાસણી કરવામાં આવશે, જેના લીધે ચેક-ઇન પ્રક્રિયામાં વધુ સમય લાગી શકે છે.

એરલાઇન્સ દ્વારા મહત્વની એડવાઇઝરી
વિવિધ એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે, જે મુજબ ફ્લાઇટ ઉપડવાના 60 મિનિટ પહેલાં ચેક-ઇન કાઉન્ટર અને 25 મિનિટ પહેલાં બોર્ડિંગ ગેટ બંધ કરી દેવામાં આવશે. મુસાફરો ચેક-ઇન બેગ સિવાય માત્ર 7 કિલો વજનની એક જ હેન્ડબેગ પોતાની સાથે રાખી શકશે. વધુમાં, દિલ્હીમાં ગણતંત્ર દિવસના રિહર્સલને કારણે ત્યાંની ફ્લાઇટ્સના શેડ્યૂલમાં ફેરફાર કે વિલંબ થવાની શક્યતા હોવાથી મુસાફરોને અગાઉથી જાણકારી મેળવી લેવા સૂચના અપાઈ છે.

ખરાબ હવામાનને કારણે 10 ફ્લાઇટ્સ મોડી
આજે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ અને લો-વિઝિબિલિટીને કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર પડી છે. અંદાજે 10 જેટલી ફ્લાઇટ્સ નિર્ધારિત સમય કરતાં મોડી પડતાં મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. એરપોર્ટ પ્રશાસને મુસાફરોને પોતાની એરલાઇન સાથે સંપર્કમાં રહીને ફ્લાઇટના સ્ટેટસ જાણી લેવા અપીલ કરી છે.
