AMC Dumper Stuck in Pothole : કહેવાય છે કે ‘ખાડો ખોદે તે પડે’, અને આ કહેવત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે આજે અક્ષરશઃ સાચી સાબિત થઈ છે. શહેરના વ્યસ્ત એવા CTM ચાર રસ્તા પાસે AMC દ્વારા જ ખોદવામાં આવેલા એક ખાડામાં કોર્પોરેશનનું જ ભારેભરખમ ડમ્પર ફસાઈ જતાં તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.
વિકાસના નામે માત્ર માટીનું પુરાણ?
અમદાવાદને ઓલિમ્પિક સિટી બનાવવાની વાતો વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ખોદકામ ચાલી રહ્યું છે. CTM ચાર રસ્તા પાસે પણ AMC દ્વારા રસ્તાનું કામ કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. નિયમ મુજબ કોઈપણ ખોદકામ બાદ ત્યાં યોગ્ય મટીરિયલ વાપરીને મજબૂત પુરાણ કરવાનું હોય છે, પરંતુ અહીં સંતોષ માનવા ખાતર માત્ર માટી નાખીને કામ પૂરું કરી દેવાયું હતું.

પોતાના જ ખાડામાં ફસાયું ડમ્પર
આજે જ્યારે AMCનું જ એક ડમ્પર આ રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે માટીવાળા પોચા પુરાણને કારણે ડમ્પરના ટાયર જમીનમાં ધસી ગયા હતા. ડમ્પર એવી રીતે ફસાયું હતું કે તેને બહાર કાઢવા માટે ભારે મથામણ કરવી પડી હતી. આ દ્રશ્ય જોઈને રાહદારીઓ અને સ્થાનિકોમાં હાસ્યની સાથે ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. લોકો કહી રહ્યા છે કે, “તંત્રએ જે ખાડો જનતા માટે ખોદ્યો હતો, આજે તેમાં પોતે જ ફસાયું છે.”
ભ્રષ્ટાચાર અને મિલીભગતની ગંધ
આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી માત્ર ઉપરછલ્લું કામ કરીને ભ્રષ્ટાચારને ડાટી દેવાનો પ્રયાસ થયો છે. સ્થાનિકો પ્રશ્ન કરી રહ્યા છે કે જો આ ખાડામાં કોઈ રાહદારી કે ટુ-વ્હીલર ચાલક ફસાયો હોત અને કોઈ ગંભીર અકસ્માત સર્જાયો હોત, તો તેની જવાબદારી કોણ લેત?
હાલમાં તો ડમ્પરને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ શું ભ્રષ્ટાચારના આ ખાડામાં જવાબદાર અધિકારીઓ સામે કોઈ એક્શન લેવાશે કે પછી ફરીથી માટી નાખીને આખા મામલાને રફાદફા કરી દેવામાં આવશે?
આ પણ વાંચો: અમદાવાદ મંડળમાં 484 એલાર્મ ચેન પુલિંગ કેસ, 408 ધરપકડ, ₹48,700 દંડ વસૂલ
આ પણ વાંચો: અમદાવાદમાં ST અને લક્ઝરી બસો બંધ કરવાનું આયોજન, મંત્રી દર્શના વાઘેલાનું મોટું નિવેદન
આ પણ વાંચો: અમદાવાદના જુહાપુરામાં ટ્રકની અડફેટે બાઈક સવારનું મોત
