Ahmedabad McDonalds Non Veg Burger: અમદાવાદ શહેરના પોશ અને વિકસિત ગણાતા બોપલ વિસ્તારમાંથી શાકાહારી નાગરિકોની ધાર્મિક લાગણી દુભાવતો અને ફૂડ સેફ્ટી (Food Safety) સામે ગંભીર સવાલો ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોપલ ખાતે આવેલી વિશ્વ વિખ્યાત આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઈન ‘મેકડોનાલ્ડ્સ’ (McDonald’s) ના આઉટલેટ દ્વારા એક ગ્રાહકને ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગર પધરાવી દેવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. ચાલુ પવિત્ર દિવસોમાં શુદ્ધ શાકાહારી ભોજનની અપેક્ષા રાખતા ગ્રાહક સાથે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઓનલાઈન મંગાવ્યું હતું વેજ, ઘરે પહોંચ્યું ચિકન બર્ગર!
મળતી વિગતો અનુસાર, બોપલ વિસ્તારમાં રહેતા એક સ્થાનિક ગ્રાહકે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ મારફતે બોપલ મેકડોનાલ્ડ્સ આઉટલેટમાંથી પોતાના માટે શુદ્ધ વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર ઘરે પહોંચ્યા બાદ જ્યારે ગ્રાહકે વિશ્વાસ સાથે બર્ગર ખાવાનું શરૂ કર્યું, ત્યારે સ્વાદ અને કલર પરથી તેમને શંકા ગઈ હતી. બર્ગરને બરાબર ચેક કરતાં જ ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે વેજ પેટીની જગ્યાએ તેમાં ચિકન (Non-Veg) પેટી મૂકવામાં આવી હતી. પવિત્ર માસ અને દિવસો ચાલતા હોવાથી આ મોટી લાપરવાહીને કારણે ગ્રાહકની ધાર્મિક ભાવનાઓને ઊંડો આઘાત લાગ્યો હતો.

સ્ટોર મેનેજમેન્ટે ગ્રાહકનું કર્યું અપમાન
આ આખી ઘટનામાં સૌથી વધુ આશ્ચર્યજનક અને શરમજનક બાબત ત્યારે સામે આવી જ્યારે ગ્રાહકે એક જાગૃત નાગરિક તરીકે પુરાવા સાથે બોપલ સ્થિત મેકડોનાલ્ડ્સના સ્ટોર પર રૂબરૂ જઈને આ ગંભીર ભૂલ અંગે રજૂઆત કરી. ત્યાંના બેજવાબદાર સંચાલકો અને સ્ટાફે પોતાની આ આંતરરાષ્ટ્રીય કક્ષાની ભૂલ સ્વીકારવાને બદલે ગ્રાહક સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું, અસહકારી અને અપમાનજનક વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. સ્ટોર મેનેજમેન્ટે ગ્રાહકની લાગણી સમજવાના બદલે આ ગંભીર બેદરકારીને દબાવવા માટે ભારે આનાકાની કરી હતી અને યોગ્ય જવાબ આપ્યો ન હતો.
Ahmedabad મનપાનું ફૂડ ડિપાર્ટમેન્ટ એક્શન લેશે?
આંતરરાષ્ટ્રીય સ્તરની આટલી મોટી ફૂડ બ્રાન્ડ દ્વારા શાકાહારી અને માંસાહારી ખોરાકના કલર કોડિંગ અને કિચન સેગ્રિગેશનમાં આટલી મોટી ચૂક કેમ થઈ, તે હવે એક મોટો સવાલ છે. ગ્રાહકો સાથે થતા આવા ખીલવાડ અને સ્ટોરના અહંકારી વર્તનના કારણે સોશિયલ મીડિયા પર પણ મેકડોનાલ્ડ્સ વિરૂદ્ધ બાયકોટ (Boycott) ની માંગ ઉઠી રહી છે. જાગૃત નાગરિકો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ અને ફૂડ ડિપાર્ટમેન્ટને આ આઉટલેટ પર કડક કાનૂની કાર્યવાહી કરવા અને સેમ્પલ લઈને સીલ મારવાની માંગ કરી રહ્યા છે.
