Ahmedabad News: અમદાવાદના 88 વર્ષીય ડૉક્ટરને ED અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ડિજિટલ અરેસ્ટ (Ahmedabad Digital Arrest)ના નામે ₹8.05 કરોડથી વધુની ઠગાઈ કરવાના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. આ કેસમાં એક વર્ષથી ફરાર આરોપી અલ્તાફ ઉર્ફે અલ્તાફ મેમણ હબીબભાઈ પીઠડીયાને સુરતના ઉધના દરવાજા નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી માટે આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.
Ahmedabad Digital Arrest: EDના અધિકારી બની વૃદ્ધ ડૉક્ટરને ડરાવ્યા
મળતી માહિતી મુજબ, ઓગસ્ટ 2025 દરમિયાન અમદાવાદના ડૉ. હેમંત ભાસ્કરરાવ ઠાકોરને અજાણ્યા નંબર પરથી WhatsApp કોલ આવ્યા હતા. ફોન કરનારા શખસોએ પોતાની ઓળખ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના મુંબઈ સ્થિત અધિકારી તરીકે આપી હતી.
આરોપીઓએ જેટ એરવેઝના નરેશ ગોયલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસનો ઉલ્લેખ કરીને ડૉક્ટરના કેનરા બેંક ખાતામાં ₹5 લાખ જમા થયા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત, કોર્ટના નામે બનાવટી પત્રો અને સરકારી સીલવાળા દસ્તાવેજો મોકલી તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. (Ahmedabad Doctor Fraud)
વીડિયો કોલ દ્વારા નજર રાખીને ₹8.05 કરોડની ઠગાઈ કરી
આરોપીઓએ ડૉક્ટરને ગંભીર કેસમાં ફસાવવાની અને કોઈને જાણ કરશે તો જેલમાં જવું પડશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ વીડિયો કોલ દ્વારા તેમના પર સતત નજર રાખવામાં આવતી હોવાનો આક્ષેપ છે.
પોલીસના જણાવ્યા મુજબ, ડૉક્ટરના ડિમેટ ખાતામાં રહેલા શેર વેચાવીને અને બેંક ખાતામાંથી RTGS મારફતે કુલ સાત ટ્રાન્ઝેક્શનમાં ₹8.05 કરોડ (₹8 Crore Fraud) મેળવી લેવામાં આવ્યા હતા.
સુરતમાંથી એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
સુરત શહેર પોલીસની સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે ઉધના દરવાજા ચાર રસ્તા નજીકથી 37 વર્ષીય અલ્તાફ ઉર્ફે અલ્તાફ મેમણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ભાવનગરના તળાજા તાલુકાના સેળાવદર ગામનો મૂળ વતની છે અને હાલમાં સુરતના ઉન વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
આરોપીને આગળની તપાસ માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.
ગુરુગ્રામમાં પણ ડિજિટલ અરેસ્ટનો કેસ
પોલીસ તપાસમાં આરોપી સામે હરિયાણાના ગુરુગ્રામ સાયબર ક્રાઈમ (Cyber Crime India) વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પણ એક વૃદ્ધ ડૉક્ટર સાથે ₹3.03 કરોડની ડિજિટલ અરેસ્ટ ઠગાઈનો કેસ નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે.
ડિજિટલ અરેસ્ટથી સાવચેત રહો
પોલીસની અપીલ મુજબ, કોઈપણ સરકારી એજન્સી WhatsApp કે વીડિયો કોલ પર વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરતી નથી કે તપાસના નામે નાણાં ટ્રાન્સફર કરવાનું કહેતી નથી. આવી રીતે કોઈ વ્યક્તિ પોલીસ કે સરકારી અધિકારી બનીને પૈસા માગે તો તેની વાતમાં ન આવવું અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.
સાયબર નાણાકીય છેતરપિંડી થાય તો ‘1930 સાયબર હેલ્પલાઇન’ પર સંપર્ક કરી શકાય છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં 81 વર્ષના વૃદ્ધને CBIના નામે ધમકી, ડિજિટલ અરેસ્ટ કરી લાખોની ઠગાઈ
આ પણ વાંચો: રાજકોટમાં નિવૃત્ત મહિલા ડોક્ટરનું ‘ડિજિટલ અરેસ્ટ’! 4 દિવસ ઘરમાં કેદ રાખી લાખો પડાવ્યા
આ પણ વાંચો: સુરતમાં દંપતી 5 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’માં: CBI-ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકાવી શેર વેચાવ્યા, ₹13 લાખની છેતરપિંડી
