Ahmedabad Earthquake News: અમદાવાદ શહેરમાં ગુરુવારે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ના અહેવાલ મુજબ, 30 જુલાઈના રોજ સવારે 4:39 કલાકે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
ISRના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અમદાવાદ શહેરથી લગભગ 29 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં હતું. જ્યારે તેની ઊંડાઈ જમીનની સપાટીથી અંદાજે 20 કિલોમીટર નીચે નોંધાઈ હતી.
તીવ્રતા ઓછી હોવાના કારણે ભૂકંપની અસર મર્યાદિત રહી હતી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં કોઈ મોટી અસર જોવા મળી નથી. પ્રાથમિક માહિતી મુજબ, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા નથી. વહેલી સવારનો સમય અને શાંત વાતાવરણને કારણે કેટલાક વિસ્તારોમાં લોકોને હળવી ધ્રુજારીનો અનુભવ થયો હોવાનું જાણવા મળ્યું છે.
નિષ્ણાતોએ શું કહ્યું?
નિષ્ણાતોના મતે, 2.6ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય રીતે હળવી શ્રેણીમાં આવે છે અને તેનાથી મોટા પાયે નુકસાન થવાની શક્યતા ઓછી હોય છે. તેમ છતાં, કુદરતી આફતોને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
ISR દ્વારા અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભૂકંપની ગતિવિધિઓનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલ સ્થિતિ સામાન્ય હોવાનું જણાવાયું છે.
નાસિકમાં પણ ભૂકંપના આંચકા
અમદાવાદ ઉપરાંત મહારાષ્ટ્રના નાસિકમાં પણ ગુરુવારે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, નાસિકમાં નોંધાયેલા ભૂકંપની તીવ્રતા 3.8 રિક્ટર સ્કેલ રહી હતી. આ આંચકો સવારે 2:37 વાગ્યે અનુભવાયો હતો.
NCSના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ 20.448 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 73.708 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું, જ્યારે તેની ઊંડાઈ જમીનની સપાટીથી લગભગ 5 કિલોમીટર નીચે નોંધાઈ હતી.
આ પણ વાંચો: જાપાનમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 13નાં મોત; અનેક ઇમારતો ધરાશાયી
આ પણ વાંચો: ડાંગના સાપુતારા નજીક ભૂકંપનો હળવો આંચકો, 2.8ની તીવ્રતાનો ઝટકો
આ પણ વાંચો: મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ચિયાપાસમાં સુનામી એલર્ટ
