Ahmedabad News: અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર નકલી એકાઉન્ટ બનાવી ઓનલાઇન ખરીદી કરનારા ગ્રાહકો સાથે છેતરપિંડી (Ahmedabad Instagram Fraud) કરવાનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે ન્યૂ ક્લોથ માર્કેટમાં આવેલી એક દુકાનનું સરનામું પોતાના ફેક એકાઉન્ટ પર મૂકીને ગ્રાહકો પાસેથી ઓનલાઇન રૂપિયા મેળવ્યા હતા. જોકે, પૈસા લીધા બાદ ગ્રાહકોને સામાન મોકલવામાં આવતો ન હતો. આ મામલે કાગડાપીઠ પોલીસે (Kagadapith Police) અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Ahmedabad Instagram Fraud: દુકાનના સરનામાનો ઉપયોગ કરી બનાવ્યું ફેક એકાઉન્ટ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોમતીપુરની નાગોરીની ચાલીમાં રહેતા અને ન્યૂ ક્લોથ માર્કેટ (New Cloth Market Ahmedabad) સ્થિત એલ.બી. ગ્રુપમાં મેનેજર તરીકે કામ કરતા 30 વર્ષીય પ્રશાંતભાઈ અરવિંદભાઈ વાઘેલાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, અજાણ્યા શખ્સે ઇન્સ્ટાગ્રામ પર “classic_collection_stor_02” નામનું એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટની પ્રોફાઇલ અને પોસ્ટમાં ન્યૂ ક્લોથ માર્કેટમાં આવેલી દુકાનનું સરનામું મૂકવામાં આવ્યું હતું. જોકે, દુકાનના સંચાલકોની પરવાનગી વિના સરનામાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
ઓનલાઇન રૂપિયા લીધા, પરંતુ સામાન મોકલ્યો નહીં
આ નકલી એકાઉન્ટ દ્વારા કપડાં અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે ગ્રાહકો પાસેથી ઓનલાઇન (Online Shopping Fraud) નાણાં લેવામાં આવતા હતા. જોકે, પૈસા ચૂકવ્યા બાદ પણ ગ્રાહકોને સામાન મળતો ન હતો.
એકાઉન્ટમાં દુકાનનું સરનામું હોવાથી છેતરાયેલા ગ્રાહકો ન્યૂ ક્લોથ માર્કેટમાં આવેલી દુકાને પહોંચવા લાગ્યા હતા. ત્યાં તેઓ પોતાના પૈસા પાછા આપવા અથવા ખરીદેલો સામાન આપવા માગણી કરતા હતા. પરિણામે દુકાનના વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો
નકલી એકાઉન્ટ અને ખોટી પોસ્ટને કારણે ગ્રાહકો સાથે ગેરસમજ ઊભી થવાની અને દુકાન પર વિવાદ થવાની શક્યતા જોતાં મેનેજરે કાગડાપીઠ પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નકલી એકાઉન્ટ કોણ ચલાવતું હતું અને ઓનલાઇન ઠગાઈમાં અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દુબઈથી ગુજરાત સુધી સાયબર ઠગાઈનું નેટવર્ક! કડી-કલોલમાંથી 6.15 કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા
આ પણ વાંચો: બેંકની બેદરકારીથી ઠગાઈ થાય તો પૈસા પરત આપવા પડશે? સુપ્રીમ કોર્ટનો મોટો સવાલ
આ પણ વાંચો: કતારગામની હીરા પેઢી સાથે રૂ. 7.45 કરોડની ઠગાઈ, દલાલ હિરેન શેલડીયા સામે નોંધાઈ ફરિયાદ
