Ahmedabad Maninagar Railway Accident: અમદાવાદના મણિનગર વિસ્તારમાં રેલવે પાટા ઓળંગતી વખતે એક યુવકનું ટ્રેનની અડફેટે આવી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. સાંજના સમયે બનેલી આ ઘટનાને પગલે રેલવે ફાટક પર હાજર લોકોમાં ભારે ગભરાટ અને અરેરાટી ફેલાઈ ગઈ હતી.
Ahmedabad : ચેતવણી છતાં યુવકે જોખમ ખેડ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, મણિનગર રેલવે ફાટક નંબર 308 પર સાંજે અંદાજે પોણા સાત વાગ્યાના અરસામાં ફાટક બંધ હતું. વડોદરાથી અમદાવાદ તરફ ટ્રેન પૂરઝડપે આવી રહી હોવાથી સિગ્નલ ડાઉન હતું. આ સમયે એક અંદાજે 40 વર્ષીય યુવક ઉતાવળે પાટા ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ફાટકની બંને બાજુ ઉભેલા લોકોએ યુવકને ટ્રેન આવતી જોઈ બૂમો પાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકે કોઈની વાત સાંભળી નહીં.
ટ્રેનની ઝડપ પારખવામાં થાપ ખાઈ ગયો
કમનસીબે, યુવક ટ્રેનની સ્પીડ પારખી શક્યો નહીં અને જેવો તે પાટા પર પહોંચ્યો કે તરત જ ટ્રેનની ઝપેટમાં આવી ગયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ રેલવે ફાટક પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.
CCTVના આધારે તપાસ તેજ
આ સમગ્ર ઘટના રેલવે ફાટક નંબર 308 પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાની શક્યતા છે. રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. રેલવે પ્રશાસન દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે ફાટક બંધ હોય ત્યારે જીવના જોખમે પાટા ઓળંગવા નહીં, છતાં આવી બેદરકારીને કારણે આજે એક પરિવારે પોતાનો કમાતો સભ્ય ગુમાવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી 59 લાખ રૂપિયાના સોનાની દાણચોરી કરતો પકડ્યો મુસાફર
આ પણ વાંચો: અમદાવાદની ધારા ફાર્મા ગ્રુપ સામે ₹20.68 કરોડની GST કરચોરી, 11 સંસ્થાઓની સંડોવણી, 2ની ધરપકડ
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી, 24 કેરેટના 374.900 ગ્રામ વજનનો સોનાનો બાર મળ્યો
