Ahmedabad/ રીક્ષા, ટેક્સી અને કેબ માટે નવું જાહેરનામું, નિયમોનું પાલન નહીં થાય તો…

પેસેન્જર વાહનોએ નિયમનું પાલન ફરજીયાત કરવું પડશે

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Police Commissioner notification for rickshaw taxi and cab રીક્ષા, ટેક્સી અને કેબ માટે નવું જાહેરનામું, નિયમોનું પાલન નહીં થાય તો…

અમદાવાદ શહેરમાં મુસાફરો સાથે વધી રહેલા ગુના અને તહેવારને ધ્યાને લઇ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે રીક્ષા, કેબ અને ટેક્ષીનાં માલિકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તાજેતરમાં સોલા વિસ્તારમાં રાત્રી દરમ્યાન ટેક્ષીમાં મુસાફરી કરી રહેલા રાહદારીને ધમકાવી લૂંટી લેવાનાં બનાવમાં 2 ટ્રાફિક પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે એક ટીઆરબી જવાનને બરતરફ કરાયો છે. આ ઉપરાંત રીક્ષા, કેબ અને ટેક્ષીમાં મુસાફરી કરતા નાગરીકો સાથે છેતરપીંડી, ખીસ્સા કાતરવા, મોબાઈલ ચોરી અન્ય કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, લૂંટ, મહિલાઓ, બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારનાં બનાવો બન્યા હતા.

આ બનાવમાં નાગરીકો વાહનનાં નંબર જાણતા ન હોવાથી ગુનાઓ ઉકેલાતા નથી જેને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરની હદ વિસ્તારમાં ચાલતી તમામ રીક્ષા,કેબ અને ટેક્ષીમાં મુસાફરી કરતા મુસાફરો સહેલાઈથી વાંચી શકે તે રીતે વાહન ચાલકની સીટનાં પાછળનાં ભાગે વાહન નંબર, વાહન માલિકનું નામ લખવું પડશે. આ સાથે પોલીસ હેલ્પલાઇન નંબર 100,મહિલા હેલ્પલાઇન નંબર 181 અને ટ્રાફિક હેલ્પલાઇન નંબર 1095 પણ ફરજીયાતપણે કાયમી ધોરણે લખાણ લખવું પડશે.

રીક્ષા, કેબ અને ટેક્ષીના ચાલકોએ 12 ઇંચ×10 ઇંચ ની સાઈઝની પ્લેટમાં તમામ વિગતો દર્શાવવાની રહેશે. એક વાર લખાણ લખ્યા બાદ ભૂંસાય નહિ તે રીતે લખાણ લખવા સૂચના આપવામાં આવી છે.