Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં આજે બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવતા શહેરીજનો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઉનાળાની શરૂઆત પહેલા જ જાણે ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ સર્જાતા શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

Ahmedabad Rain: પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી
શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી હતી, જ્યાં ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદને કારણે એસ.જી. હાઈવે અને ગોતા જેવા વિસ્તારોમાં વાતાવરણ એકાએક આહલાદક બની ગયું હતું. ખાસ કરીને માનસી સર્કલ, બોડકદેવ, જજીસ બંગલો, ઈસ્કોન, શિવરંજની અને શ્યામલ ચાર રસ્તા તેમજ ગોતામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જોકે, કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ ખૂબ જ વધારે હોવાથી વાહનચાલકોની અવરજવર ધીમી પડી હતી અને રસ્તા પર સાવચેતી રાખવાની ફરજ પડી હતી.
બેવડી ઋતુને કારણે આરોગ્ય પર ખતરો
બપોર સુધીની ગરમી અને અચાનક આવેલા વરસાદને કારણે શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પલટાયેલા હવામાનની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી શકે છે. શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓ વધવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાસ કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી સાચી પડી
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે અગાઉથી જ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. અમદાવાદમાં આજનો વરસાદ તે આગાહીને સાચી સાબિત કરે છે. આગામી દિવસોમાં પણ વાતાવરણમાં આવા પલટા ચાલુ રહેવાની શક્યતા છે, જેને જોતા ખેડૂતો અને જનતાને સાવચેત રહેવા જણાવાયું છે.
આ પણ વાંચો:રાતોરાત બદલાશે હવામાન, રાજ્યના અનેક વિસ્તારો માટે IMDની ચેતવણી
આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડી વધશે કે ગરમી? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ફરી બદલાશે હવામાન!
આ પણ વાંચો:દાહોદ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી, સરકાર પાસે સહાયની રજૂઆત
