Ahmedabad News: દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ અભ્યાસના ભારણમાં દબાઈ ન જાય અને પરિવાર સાથે તહેવારનો આનંદ માણી શકે તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શાળાઓને ખાસ સૂચના આપવામાં (School Homework Guidelines) આવી છે. શાળાઓને વેકેશન દરમિયાન વધુ પડતું હોમવર્ક ન આપવા અને લાંબા પ્રોજેક્ટ કે વારંવાર લખવું પડે તેવા કંટાળાજનક અભ્યાસકાર્યથી દૂર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત શહેરની આશરે 2,500 શાળાઓના 9 લાખ વિદ્યાર્થીઓ પાસે વીજળી અને પાણી બચાવવાના લેખિત સંકલ્પ લેવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
School Homework Guidelines: વેકેશનમાં હોમવર્ક મર્યાદિત રાખવા સૂચના
અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી (Rohit Chaudhary DEO) દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ, દિવાળી વેકેશન વિદ્યાર્થીઓ માટે આનંદ અને પરિવાર સાથે સમય વિતાવવાનો અવસર છે. જોકે, અગાઉ વેકેશન દરમિયાન વધુ પડતું હોમવર્ક મળવાને કારણે વિદ્યાર્થીઓનો મોટાભાગનો સમય અભ્યાસકાર્ય (Diwali Vacation 2026) પૂર્ણ કરવામાં જ પસાર થતો હોવાની બાબત ધ્યાને આવી હતી.
આથી શાળાઓને વિદ્યાર્થીઓને મર્યાદિત હોમવર્ક આપવા સૂચના આપવામાં આવી છે. લાંબા પ્રોજેક્ટ અને સતત લેખન કરવું પડે તેવા કાર્ય ટાળવા પણ જણાવાયું છે, જેથી બાળકો પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકે.
સાયબર ક્રાઇમ અંગે પણ વિદ્યાર્થીઓને કરાશે જાગૃત
ડિજિટલ માધ્યમોના વધતા ઉપયોગ અને સાયબર ગુનાઓના જોખમને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવાની પણ શાળાઓને સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન છેતરપિંડી અને અન્ય સાયબર ગુનાઓનો ભોગ ન બને તે માટે તેમને જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે.
વીજળી બચાવવા વિદ્યાર્થીઓ લેશે આ 5 સંકલ્પ
વેકેશન પહેલાં શાળાઓમાં વિદ્યાર્થીઓને ઊર્જા બચત અંગે સમજ આપવામાં આવશે અને લેખિત સંકલ્પ લેવડાવવામાં આવશે. તેમાં મુખ્યત્વે આ પાંચ બાબતોનો સમાવેશ થાય છે:
જરૂર ન હોય ત્યારે લાઇટ, પંખા, AC અને અન્ય વિદ્યુત ઉપકરણો બંધ રાખીશું.
કુદરતી પ્રકાશ અને હવાનો મહત્તમ ઉપયોગ કરીશું.
વીજળીનો ઉપયોગ જરૂરિયાત મુજબ અને કરકસરપૂર્વક કરીશું.
પરિવારના સભ્યોને પણ ઊર્જા બચત અંગે જાગૃત કરીશું.
સૌર ઊર્જા જેવા વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતો વિશે જાણકારી મેળવીશું.
પાણી બચાવવા પણ 5 પ્રતિજ્ઞા લેવડાવાશે
વીજળીની સાથે જળસંરક્ષણ અંગે પણ વિદ્યાર્થીઓને જવાબદારી સમજાવવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓ નીચે મુજબના પાંચ સંકલ્પ લેશે:
નળ ખુલ્લો રાખીને પાણીનો બગાડ નહીં કરીએ.
દૈનિક જીવનમાં જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરીશું.
પાણીનું લીકેજ જણાય તો જવાબદાર વ્યક્તિને જાણ કરીશું.
વરસાદી પાણીના સંગ્રહ અને જળસંચય અંગે જાગૃતિ ફેલાવીશું.
પરિવાર અને આસપાસના લોકોને પણ પાણી બચાવવા પ્રેરિત કરીશું.
2,500 શાળાઓમાં સંકલ્પ કાર્યક્રમનું આયોજન
DEO રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, શહેરની આશરે 2,500 શાળાઓમાં વિદ્યાર્થીઓને ઊર્જા બચત અને જળસંરક્ષણનું મહત્ત્વ સમજાવી લેખિત સંકલ્પ લેવડાવવામાં આવશે. વીજળી અને પાણી જીવનના મહત્ત્વના આધાર છે અને તેમની બચત માત્ર સરકાર કે તંત્રની નહીં, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે તેવો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.
આ આયોજનનો હેતુ માત્ર શાળાઓ પૂરતો મર્યાદિત નથી. વિદ્યાર્થીઓ પોતે વીજળી અને પાણીનો બગાડ અટકાવે તેમજ પરિવારના સભ્યોને પણ બચત માટે પ્રેરિત કરે તેવો પ્રયાસ કરવામાં આવશે. આમ, આ દિવાળીએ વિદ્યાર્થીઓને ઓછા હોમવર્ક સાથે તહેવારની મજા માણવાની તક મળશે અને સાથે જ સામાજિક જવાબદારીનો પાઠ પણ શીખવા મળશે.
આ પણ વાંચો: ગુજરાતની 17 હજારથી વધુ ખાનગી શાળાઓ બંધ કરવાની ચીમકી, 4 માંગ સાથે સ્વનિર્ભર શાળા મહામંડળ મેદાને
આ પણ વાંચો: અમદાવાદની બે શાળાઓ વિવાદમાં: આનંદ નિકેતન એક્શનમાં, નારોલ AMC શાળામાં ગંભીર આક્ષેપો
આ પણ વાંચો: સરકારી શાળાઓ કેમ ઘટી રહી છે? 10 વર્ષમાં સંખ્યા ઘટતા શિક્ષણ પર શું અસર
