Not Set/ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008 : 23 બ્લાસ્ટ, 56 મોત, 14 વર્ષ, 49 આરોપી દોષિત

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ એક એવી ઘટના કે જેણે ધમધમતા અમદાવાદને હચમચાવી મુક્યું હતું. એક સાથે 23 સિરિયલ બ્લાસ્ટ જેમાં 19 સાયકલ, બે કાર અને એક બસમાં બ્લાસ્ટ થયો હતો અને 56 લોકોના મોત નીપજ્યા હતા.

Mantavya Exclusive
Ahmedabad Serial Blast 2008

આખરે એ દિવસ આવી ગયો કે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008ના આરોપીઓને સ્પેશિયલ કોર્ટ સજા શુક્રવારે સજા સંભાળવશે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ એક એવી ઘટના કે જેણે ધમધમતા અમદાવાદને હચમચાવી મુક્યું હતું. એક સાથે 23 સિરિયલ બ્લાસ્ટ જેમાં 19 સાયકલ, બે કાર અને એક બસમાં બ્લાસ્ટ થયો હતો અને 56 લોકોના મોત નીપજ્યા હતા. આતંકવાદીઓ એટલા ક્રૂર હતા કે ઈજાગ્રસ્તોને સારવાર લઇ જનારી જગ્યા એટલે સિવિલ ટ્રોમા સેન્ટરની બહાર પણ તેમણે બ્લાસ્ટ કરી સમગ્ર અમદાવાદને હચમચાવી મુક્યું હતું. જેના પડઘા આજે પણ શહેરમાં સંભળાય છે. તમામ દોષિતોની સજા મુદ્દે 14મી ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુદ્દે સરકાર તરફથી વકીલો સહિત બચાવ પક્ષની દલીલો પણ કોર્ટે સાંભળ્યા બાદ 49 આરોપીને સજાની સુનાવણી કરી હતી જે મુદ્દે આજે કોર્ટ 49 દોષિતોને સજા સંભાળવવામાં આવશે.

શું છે સમગ્ર ઘટના?

26મી જુલાઈ,2008 ના રોજ સાંજે સાડા છ વાગે દેશની તમામ અગ્રણી  ટેલિવિઝન ચેનલને એક 14 પાનાનો ઈમેઈલ મળે છે. આ ઈમેઈલનું શીર્ષક વાંચીને લોકોના રૂંવાડા ઉભા કરી દેનારું હતું અને જેમાં લખ્યું હતું કે, ” રોક શકો તો રોક લો”. અને આ ઈમેઈલ કર્યો હતો ઇન્ડિયન મુજાહીદ્દીન નામના આતંકી સંગઠને. પોલીસને આ સમગ્ર ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી અને દોડતી થઇ ગઈ હતી.

ઇન્ડિયન મુજાહીદ્દીન નામના આતંકી સંગઠને 22 જાન્યુઆરી,2002ના રોજ કલકત્તા ખાતે અમેરિકન કલ્ચર સેન્ટર ખાતે હુમલો કર્યો હતો ત્યારથી તે ચર્ચામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા દેશભરમાં આતંકનો માહોલ સર્જી દેવામાં આવ્યો હતો.  અમદાવાદ વર્ષ 2006માં તેમણે રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કર્યો હતો અને અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ પછી પણ તેઓએ દેશની શાંતિ ડહોળવાનું બંધ નહોતું કર્યું, તેમણે 25 ઓગસ્ટે પણ હૈદરાબાદ ખાતે બ્લાસ્ટ કર્યો હતો અને દેશભરની પોલીસને પડકારી હતી.

મૂળ વાત પર પાછા આવીએ તો, અમદાવાદ પોલીસને આ જાણ થાય અને સમજે તે પહેલા પળભરમાં અમદાવાદના વિવિધ વિસ્તારમાં બ્લાસ્ટ એક પછી એક થવાના શરુ થઇ ગયા હતા. મણિનગર, ઇસનપુર, રાયપુર, બાપુનગર, ઠક્કરબાપાનગર, નારોલ,ગોવિંદવાડી,કાળુપુર,વટવા જેવા અનેક વિસ્તારોમાં 23 બ્લાસ્ટ થયા હતા જેમાંથી બે કારમાં અને એક બસમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ દરમિયાન 150 લોકો ઈજાગ્રસ્ત અને 56 લોકોના મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટના ખૂબ જ ગંભીર હતી. ચારેય તરફ અમદાવાદ શહેરના રસ્તાઓ પર પોલીસની સાયરનો અને એમ્બ્યુલન્સ પણ દોડતી નજરે પડી રહી હતી. અમદાવાદના લોકો ગભરાઈ ગયા હતા. વર્ષ 2002માં થયેલા કોમી રમખાણોનો બદલો લેવાના પગલે આ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ સા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઇ ગાંધીનગરથી સીધા જ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને બંધ બારણે સિનીયર પોલીસ અધિકારીઓ સાથે બેઠકોનો દોર શરુ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ કોઈપણ ભોગે ઘટનાના મૂળ સુધી અને આતંકવાદીઓને પકડી જેલના હવાલે પહોચાડવા સુધી તમામ જરૂરી મદદ આપવાની ખાતરી આપી હતી.  રાજ્ય સરકારે આતંકવાદીઓને પકડવા માટે 50 લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના મોદી સરકાર માટે એક આબરૂનો વિષય બની ગઈ હતી. જે વિસ્તારમાં બોમ્બ ફૂટ્યા તે વિસ્તારમાં ફરિયાદ નોંધીને તાત્કાલિક અસરથી ફોરેન્સિક લેબના અધિકારીઓને સાથે રાખી તપાસ શરુ કરી દીધી હતી.  આ સમગ્ર ઘટનાની તપાસ સ્થાનિક પોલીસે કરી હતી પરંતુ તેમના ગજા બહારનું કામ લાગતું હતું અને તેથી સીધી જ તપાસ હવે સ્થાનિક પોલીસના બદલે ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવી હતી.

તે વખતે તત્કાલિન ક્રાઈમ બ્રાંચના વડા તરીકે અત્યારે હાલના DGP આશિષ ભાટિયા ફરજ બજાવતા હતા. આશિષ ભાટિયા એ એક એવા બાહોશ અધિકારી છે કે તે માત્ર અમદાવાદ, ગુજરાત અને ભારત જ નહિ પરંતુ વિશ્વમાં બનનારી તમામ આતંકી ઘટનાઓને ટ્રેક કરે છે અને તેની વિસ્તૃત જાણકારી રાખે છે. તેમણે આ આ ઘટના સામાન્ય પોલીસથી નહિ પરંતુ સ્પેશિયલ પોલીસ ઓફિસરની જરૂર પડશે અને આ અંગેની રજૂઆત તેમણે ગૃહ વિભાગને કરતાં એક પણ સેકેન્ડનો વિલંબ કર્યા વગર તેમણે લીલી ઝંડી મળી ગઈ અને પોતાને જરૂર હતા તેવા પોલીસ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા. આ અધિકારીઓમાં આઈબીના એસપી ગીરીશ સિંઘલ, હિંમતનગરમાં એસપી હિમાંશુ શુક્લ, DYSPમાં મયુર ચાવડા, ઉષા રાડા, વી.આર.ટોળિયા, રાજેન્દ્ર અસારી અને એક પોલીસ કોન્સ્ટેબલ દિલીપ ઠાકોરને સામેલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ટીમ બનાવી હવે સિરિયલ બ્લાસ્ટને ક્રેક કરવાની શરૂઆત કરી હતી.

ઈમેઈલ ટ્રેક કરવામાં આવ્યા

સૌથી પહેલી તપાસ મળેલા ઈમેઈલને ટ્રેક કરી લોકેશન જાણવાની હતી. ક્રાઈમ બ્રાંચને ખબર હતી કે આ ઈમેઈલ કોઈક બનાવટી હશે અને આતંકીઓ આ અંગે કાચું કાપશે તેવી ભૂલ કરશે નહી. આશિષ ભાટિયા પાસે જે અધિકારીઓ હતા તેમણે ટાર્ગેટ સોંપીને વી.આર.ટોળિયા અને ઉષા રાડાને મુંબઈ ખાતે રવાના કરી દેવામાં આવ્યા હતા. મુંબઈથી ત્રણ ઈમેઈલ અલગ અલગ જગ્યાએ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. એક ઈમેઈલ નવી મુંબઈના સાનાપાડા, માંટુગા અને ચેમ્બુર વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો. જોકે આ અંગે તપાસમાં પોલીસને કોઈ સફળતા પ્રાપ્ત થઇ નહોતી.

કરોડો મોબાઈલ ફોન નંબર ટ્રેક કરવામાં આવ્યા

હવે વારો હવે મોબાઈલ ફોનના નંબરોને ટ્રેક કરવાનો. આ મુદ્દે મહેસાણાના દિલીપ ઠાકોર નામના કોન્સ્ટેબલની મદદ લેવામાં આવી હતી જેની મોબાઈલ ફોનના નંબર ટ્રેક કરવાની માસ્ટરી હતી. કામ શરુ કરતા તેને ખ્યાલ આવ્યો કે આધુનિક કોમ્પ્યુટર અને સોફ્ટવેરની જરૂર પડશે અને તે માટે રોકડા તેના હાથમાં 2.50 લાખ રૂપિયા આપ્યા હતા અને ખરીદી કરી વસ્તુઓ લાવી રાત દિવસ જોયા વગર કરોડો યુઝર્સના ફોન ટ્રેક કરવાની શરૂઆત કરી હતી. સમગ્ર ટેકનિકલ સર્વેલન્સની જવાબદારી હિમાંશુ શુક્લ અને તેમની ટીમને આપવામાં આવી હતી.

અચાનક આવેલો ફોન

દિવસો વિતી જતા પરંતુ કોઈ નીચોડ આવતો ન હતો. અચાનક એક દિવસ ડીસીપી અભય ચુડાસમાને તેમના ભરૂચના જુના કોન્સ્ટેબલ યાકુબઅલી પટેલનો ફોન આવે છે અને તે કહે છે કે, કે સમાચાર પત્ર વાંચતો હતો ત્યારે ફોટો સ્ટોરીમાં એક કાર જોઈ હતી. અને આ કાર મે થોડા દિવસ પહેલા ગુલામ ભાઈના ઘરે જોઈ હતી. ઘટનાની જાણ માટે અભય ચુડાસમાએ કેટલીક સૂચનાઓ સાથે યાકુબને તેમના ઘરે પેપરનો ફોટો લઈને મોકલ્યો હતો અને ગુલામભાઈ પણ સમગ્ર ઘટના સાંભળી ચોંકી જાય અને કહે છે કે, આ લોકો થોડા દિવસ પહેલા મારા ઘરે આ કાર લઈને આવ્યા હતા અને ભાડે ઘર માટે આવ્યા હતા.

કેસ ક્રેકની હોડ

નોંધનીય છે કે, સમગ્ર ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કરી હતી પરંતુ અંદર ખાને ગુજરાત પોલીસના સમગ્ર મોટા અધિકારીઓ કેસ ક્રેક કરી ક્રેડીટ લેવાની હોડ શરુ કરી દીધી હતી જેમાં રાકેશ અસ્થાના અને સુભાષ ત્રિવેદીનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર ઘટનાની જાણ તત્કાલિન ગૃહરાજ્ય મંત્રી અને અત્યારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને થઇ હતી તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સિવાય બાકીની તમામ એજન્સીઓને તપાસ નહિ કરવાની કડક સૂચના આપી દીધી હતી. જોકે આ સૂચના બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની જવાબદારી પણ વધી ગઈ હતી.

સમગ્ર તપાસ દરમિયાન અમુક અધિકારીઓને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા અને તેમને પરત ફરવા માટે અચાનક આશિષ ભાટિયાએ સંદેશો પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આપણે અમુક લોકોની અટકાયત કરી છે અને પૂછપરછ કરી છે. તેમની ધરપકડ કરો. આશિષ ભાટિયા અને અભય ચુડાસમા સમાંતર તપાસ કરી રહ્યા હતા અને તેમની મહેનતના કારણે બ્લાસ્ટના આતંકવાદીઓને પકડી ધરપકડ કરવાનો સિલસિલો શરુ થયો હતો.

આરોપીનું કબૂલાતનામું

ધરપકડના આરોપીઓમાં એક મહત્વનું કબૂલાતનામું બહાર આવે છે અને તે હોય છે અબુ બશર નામના વ્યક્તિનું. તે વ્યક્તિ ઉત્તર પ્રદેશના લખનૌની આસપાસનું હોવાનું જાણવામાં મળ્યું હતું. કબૂલાત બાદ આરોપી ભાગી જાય તે પહેલા આશિષ ભાટિયાએ ખાસ ચાર્ટડ પ્લેન દ્વારા હિમાંશુ શુક્લ અને મયુર ચાવડાને મોકલી ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને અબુ બશરને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે પણ સહકાર આપ્યો હતો.

પોલીસની ત્રણ ટીમ

હવે દેશના વિવિધ રાજ્યોમાં પોલીસની ત્રણ ટીમ બનાવી મોકલી દેવામાં આવી હતી જેમાં એક પછી એક આરોપીઓને પકડી ધરપકડ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. આરોપીઓની ધરપકડનો આંકડો 100 ની પર પહોચ્યો હતો. અત્રે ખાસ નોંધવું જરૂરી છે કે, દેશની એકપણ એજન્સી જે કામ નહોતી કરી શકતી એ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહેનતથી પાર પાડી 80 લોકોની ધરપકડ કરી હતી અને 20 મોસ્ટ વોન્ટેડ લોકોને પકડવાના બાકી હતા.  આ કામ દરમિયાન અધિકારીઓ પોતાનું કામ સમજીને સવારે નવ વાગે ઓફિસે આવી જાય અને વહેલી સવાર ત્રણ ચાર વાગ્યા સુધી કામ કરીને ઘરે જાય તેવું ખંતથી કામ કરતા હતા.

ઇનામની ફાઈલ અભરાઈ પર

આ મુદ્દે ગુજરાત સરકાર દ્વારા 50 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ 11 વર્ષ બાદ પણ તેનો ઉકેલ ન આવ્યો હતો કારણકે એક પછી એક ઇનામની હોડ જામી હતી અને અનેક ઇનામને લઇ દાવા કરવામાં આવ્યા હતા. વડોદરા પોલીસ કમિશ્નર  રાકેશ અસ્થાના કહે પહેલો આરોપી મે ઝડપ્યો, અમદાવાદ પોલીસ કહે, અમે ઓપરેશન પાર પાડ્યું અને સુરત પોલીસ કમિશ્નર બ્રારે પણ મૌખિક રીતે ઇનામની માંગણી કરી હતી. જોકે સમગ્ર ઘટના મુદ્દે એજન્સીઓ વધતી જતા સરકારે તે ઇનામની ફાઈલને અભરાઈ પર ચઢાવી મૂકી છે. હવે જોવાનું એ છે કે, શુક્રવારે એટલે કે આજે આરોપીઓને સજા મળ્યા બાદ ફરીથી અભરાઈ પર મળેલી ફાઈલ ઓપન થાય છે અને કોને ઇનામ મળે છે તે જોવાનું રહ્યું ?

સ્પેશિયલ કોર્ટ તમામ આરોપીઓને આજીવન કેદની સજા કે ફાંસીની સજા આપે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.