આંચકો/ જીતુભાઈની જીભ લપસી, ભાજપની મુંજવણ વધી

મનિષ સિસોદિયાનો ગુજરાત પ્રવાસ ગોઠવી દીધો છે. હવે રસપ્રદ સ્પર્ધા ત્યાં શરૂ થઈ છે કે આ મુદ્દાને કોણ કેટલો વટાવી શકે છે કે ભટકાવી શકે છે.

Mantavya Exclusive
શિક્ષણ

@પ્રફુલ્લ ત્રિવેદી

શિક્ષણમંત્રી જીતુભાઈની જીભ લપસી અને વિપક્ષાના હાથમાં શિક્ષણનો મુદ્દો આવી ગયો. લોકોમાં પણ નિવેદનમાં વપરાયેલા શબ્દોના ગંભીર પ્રત્યાઘાત પડ્યા. હવે ભાજપના મેનેજરો ઝડપથી આ મુદ્દા પર ઠંડુ પાણી રેડાય જાય તેવા પ્રયાસો કરી રહેલ છે. જ્યારે આપ( આમ આદમી પાર્ટી)ના મેનેજરો તેને વટાવવાના સોગઠાં ગોઠવી રહ્યાં છે. આ દરમિયાનમાં ભાજપ સરકાર શિક્ષણક્ષેત્રે સુધારણાની માટી જાહેરાતો કરનાર હોવાનું જાણવા મળે છે.

શિક્ષણ

રાજ્યના શિક્ષણજગતમાં સવા શાંતિ હતી ત્યાં “જેમને ગુજરાતનાં શિક્ષણ સામે વાંધો હોય તેઓ સર્ટી. કઢાવી અન્ય રાજ્ય કે દેશમાં જતાં રહો.” જેવા આકરાં શબ્દોના પથ્થરો ફેંકી શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ગંભીર પ્રકારના વમળો સર્જ્યા છે. જીતુભાઈ પ્રવક્તા મંત્રી હોવાના નાતે તોળી તોળી બોલવા ટેવાયેલા હોવા છતાં કેવા સંજોગોમાં તેમની જીભ લપસી તેતો તેઓ જ જાણે. લાગે છે કે દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાએ ગુજરાત અને દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા પર જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો ત્યારથી તેઓ કદાચ અકળાયેલા હશે અને અકળામણ આ રીતે, ચૂંટણી નજીક છે ત્યારે, કસમયે સપાટી પર આવી ગઈ!

જો કે બીજે દિવસે ઉહાપોહ થતાં તેમણે સ્પષ્ટતા પણ કરી કે, જેઓ અહી રહીને બીજા દેશના ગુણગાન ગાય છે તેમના માટે આ શબ્દો ઉચ્ચારાયા હતા. જો કે વિપક્ષના હાથમાં બગાસું ખાતા પતાસું મોંમાં આવે તેવો ટિકાનો મુદ્દો સારી ગયો છે. મીડિયામાં પણ ક્યાં કેટલાં ઓરડાં ઘટે છે, કેટલાં શિક્ષકો ઘટે છે, કોલેજોમાં કેટલાં અધ્યાપકો ઘટે છે થી લઈને શિક્ષણનાં ઘટતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખણખોદ શરૂ થઈ ગઈ છે.

ભાજપની થિંક બેંક ઘણી એલર્ટ છે. ચગેલા આ મુદ્દાને ટૂંકમાં જ ભૂલાવી દેશે, વાઈટવોશ થઈ જશે. પણ આમ આદમી પાર્ટીના મેનેજરોને મુદ્દો હાથ લાગતા દિલ્હીનાં શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાનો ગુજરાત પ્રવાસ ગોઠવી દીધો છે. હવે રસપ્રદ સ્પર્ધા ત્યાં શરૂ થઈ છે કે આ મુદ્દાને કોણ કેટલો વટાવી શકે છે કે ભટકાવી શકે છે.

આ સ્થિતિમાં ભાજપ સરકાર ટૂંકમાં જ શિક્ષણક્ષેત્રમાં સુધારણાની ધમાકેદાર અનેક જાહેરાતો કરનાર હોવાનું પણ જાણવા મળે છે.

આ પણ વાંચો :14 એપ્રિલ કે 17 એપ્રિલ નહીં… રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ તારીખે લેશે ફેરા સાત

આ પણ વાંચો : પત્રકાર સાથે દુર્વ્યવહારના કેસમાં સલમાન ખાનને હાઈકોર્ટમાંથી રાહત, મેજિસ્ટ્રેટ કોર્ટના સમન્સ પર સ્ટે

આ પણ વાંચો :સોનાક્ષી સિંહા માલદીવના બીચ પર ગ્લેમરસ અંદાજમાં જોવા મળી, જાણો ચાહકોએ શું કહ્યું