લ્યે કર્ય વાત/ ધો.10માં પ્રશ્ન પૂછાયો “ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર”

તમામ પક્ષો અને સરકારો ભ્રષ્ટાચાર વિરોધી નારાઓ આપે છે, છતાં તેઓ સત્તામાં આવે ત્યારે તેને નાથી શકતા નથી. તે પ્રશ્ન ચિંતાનો અને ચિંતનનો છે

Mantavya Exclusive
ભ્રષ્ટાચાર

@પ્રફુલ્લ ત્રિવેદી

ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં અંગ્રેજી માધ્યમની સેકન્ડ લેંગ્વેજ ગુજરાતીના પેપરમાં ‘ભ્રષ્ટાચાર’ ઉપર નિબંધ પુછાતા વિવાદ શરૂ થયો છે. એમાં પણ ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચારનો મુદ્દો આવતા અનેક સવાલો ઊભા થયા છે. તમામ પક્ષો અને સરકારો ભ્રષ્ટાચાર વિરોધી નારાઓ આપે છે, છતાં તેઓ સત્તામાં આવે ત્યારે તેને નાથી શકતા નથી. આમ કેમ, તે પ્રશ્ન ચિંતાનો અને ચિંતનનો છે.

ભ્રષ્ટાચાર

રાજ્યના અને દેશના વહીવટીતંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારે દેશને ખોખલો બનાવી દીધો છે. ઉચ્ચ અધિકારીઓની નથી તો કોઈ ‘ચોક્કસ જવાબદારી’ નક્કી થતી કે નથી તેમના ભ્રષ્ટાચારની તટસ્થ ‘તપાસ’ થતી. હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતમાં કહ્યું હતું કે, ભ્રષ્ટાચારે દેશને કોરી ખાધો છે. અગાઉના વર્ષોમાં તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીએ કબૂલ્યું હતું કે, સરકાર એક રૂપિયો છોડે તો લાભાર્થી સુધી પહોંચતા 20 પૈસા થઈ જાય છે. આ શબ્દોમાં દેશની ચિંતા અને સિસ્ટમમાંથી ઉપજેલી ભારોભાર નિરાશા દેખાય છે. બીજી તરફ ‘આમાં કંઈ થઈ શકે જ નહીં’ તેવી હતાશામાંથી ભ્રષ્ટાચારની સર્વસ્વીકૃતિનો જન્મ થાય છે. આંચકાજનક બાબત તો એ છે કે, ધોરણ-10ની પરીક્ષામાં ભ્રષ્ટાચાર ઉપર નિબંધ પૂછાયો અને તે અંગે આપેલા મુદ્દાઓમાં જણાવ્યું,  ‘ભ્રષ્ટાચાર જાણે આજે શિષ્ટાચાર’.

ખરેખર ભ્રષ્ટાચાર અને શિષ્ટાચાર એકબીજાના વિરોધાર્થી શબ્દો છે. કોઈને ત્યાં લગ્નપ્રસંગે ચાંદલો કરો તો તે શિષ્ટાચાર છે અને ખોટાકામની ફાઈલને મંજૂર કરાવવા અધિકારીઓને અપાતી લાંચ એ ભ્રષ્ટાચાર છે. હવે જ્યારે પૂછવામાં આવ્યું કે ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર તો તેનો અર્થ એ થયો કે ભ્રષ્ટાચારને આપણે સહજ સ્વીકૃતિ આપી દીધી છે. ધોરણ 10ના વિદ્યાર્થીના કુમળા માનસમાં આની કેવી અસર થાય તે તો કોઈ શિક્ષણવિદ કે માનસશાસ્ત્રી જ કહી શકે.

ભારતીય જનતાપક્ષે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાનો નારો પહેલો આપ્યો હતો. બીજી વખત ભ્રષ્ટાચારના મુદ્દે ઝીરો ટોલરન્સની વાત કરી હતી. અન્ય નારા પણ આપ્યા. આમ છતાં પેધા પડી ગયેલાં અધિકારીઓ-કર્મચારીઓ પર તેની રતિભારેય અસર થઇ હોય તેમ લાગતું નથી. માત્ર સરકારી કે અર્ધસરકારી તંત્ર માં બેઠેલા કર્મચારીઓ જ ભ્રષ્ટ નથી હોતા. કેટલાંક રાજકારણીઓ પણ એ જ હરોળમાં બેઠા હોય છે. પૈસા આપીને ખોટા કામ કરાવતા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, શિક્ષણ સંસ્થાઓના સંચાલકો તેમજ અન્ય તમામ પણ એટલા જ જવાબદાર છે. અંગ્રેજો બાબુશાહીનો જે વારસો આપીને ગયા છે, તેમાં પણ તેના મૂળીયા પડેલા છે.

ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચારની વાત કરીએ તો આપણે શું કબૂલી લીધું છે કે ભ્રષ્ટાચાર આપણને કોઠે પડી ગયો છે. લગ્નમાં ચાંદલો કરવા જેવી સ્વાભાવિક ક્રિયા થઈ ગઈ છે. ખરેખર સરકાર બ્રેક મારવા ઈચ્છતી હોય તો બાબુશાહીની લગામ કસવી પડે. મંજુરીની પ્રક્રિયા ઝડપી બનાવવી જોઈએ, તમામ વિભાગોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ સાંભળવા એક અધિકારી રાખવા પડે. અધિકારીઓ પાસે આવેલી ફાઈલના નિકાલની સમયમર્યાદા નક્કી કરવી પડે. હેલ્પલાઇન નંબર જાહેર કરવો પડે. અરજદાર તેની ફાઇલ કોના ટેબલ પર પડી છે તે ઓનલાઈન જોઈ શકે તેવું સોફ્ટવેર વિકસાવવું પડે. અધિકારીને અહેસાસ કરાવવો પડે કે તમને પ્રજાના કાર્યો પતાવવાનો જ તગડો પગાર મળે છે અને પ્રજાના ટેક્સમાંથી જ તે પગાર ચૂકવાય છે.

અમદાવાદ મ્યુ. જેવા તંત્રમાં તો કોર્પોરેટરો પોતે, કાર્યકર પોતે કે કોર્પોરેટરના સગાઓ જ કોન્ટ્રાક્ટરો બની જાય છે. પછી અધિકારી કે એન્જિનિયરને બિક કોની? ગાંધી-વૈધનું સહીયારું થઈ જાય છે. આ જ બાબત બહિર્ગોળ લેન્સથી જોઈએ તો રાજ્ય અને કેન્દ્રને પણ લાગુ પડે છે. અધિકારી કે એન્જિનિયરની જવાબદારી જ ફિકસ ના હોય ત્યાં ઉચ્ચ અધિકારીઓ જવાબ પણ શું માગે?

આ પણ વાંચો :પત્રકાર સાથે દુર્વ્યવહારના કેસમાં સલમાન ખાનને હાઈકોર્ટમાંથી રાહત, મેજિસ્ટ્રેટ કોર્ટના સમન્સ પર સ્ટે

આ પણ વાંચો : સોનાક્ષી સિંહા માલદીવના બીચ પર ગ્લેમરસ અંદાજમાં જોવા મળી, જાણો ચાહકોએ શું કહ્યું