Ahmedabad Vadaj Suicide News: લગ્નના 15 વર્ષ વીતી ગયા હોવા છતાં પતિ દ્વારા આપવામાં આવતા સતત માનસિક ત્રાસ અને ડિવોર્સની ધમકીઓથી કંટાળીને એક પરિણીતાએ પોતાના પિયરમાં છઠ્ઠા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હોવાની હચમચાવી દેતી ઘટના અમદાવાદના વાડજ વિસ્તારમાં સામે આવી છે. 15 વર્ષનો સંસાર અને એક સંતાન હોવા છતાં, પતિના અમાનવીય વર્તનથી થાકીને આખરે પરિણીતાએ મોતને વહાલું કર્યું છે. સમગ્ર મામલે વાડજ પોલીસે પતિ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad : પિયરમાં છઠ્ઠા માળેથી મોતની છલાંગ
નવા વાડજની મંગલા ગૌરી રેસિડેન્સીમાં રહેતા દીપક શર્માએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની બહેન આશાના લગ્ન 15 વર્ષ અગાઉ ચિત્તોડગઢ (રાજસ્થાન) ના વિપુલ શર્મા સાથે થયા હતા. બંનેને એક બાળક પણ છે. ગત 20 માર્ચના રોજ જ્યારે દીપક પોતાના કામ પર હતો, ત્યારે તેની પત્નીનો ગભરાયેલો ફોન આવ્યો કે, “આશા છઠ્ઠા માળેથી કૂદી ગઈ છે, જલ્દી ઘરે આવો.” દીપક દોડીને રાણીપની ત્રિશા હોસ્પિટલ પહોંચ્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. સારવાર દરમિયાન જ આશાએ અંતિમ શ્વાસ લીધા હતા.
લગ્નના થોડા દિવસો બાદ જ શરૂ થયું હતું ટોર્ચર
ફરિયાદમાં કરવામાં આવેલા ચોંકાવનારા આક્ષેપો મુજબ, લગ્નના ચાર-પાંચ દિવસ બાદથી જ વિપુલે આશાને માનસિક રીતે ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું હતું. નવેમ્બર 2025 માં આશાના સાસુએ આશાની માતાને ફોન કરીને તેને પિયર લઈ જવાનું કહેતા, માતા તેને અમદાવાદ લઈ આવ્યા હતા. પતિના સતત ત્રાસના કારણે આશાની માનસિક સ્થિતિ અત્યંત કથળી ગઈ હતી, જેના પગલે વસ્ત્રાપુરમાં તેની માનસિક સારવાર પણ ચાલી રહી હતી. આમ છતાં, વિપુલ તેને ફોન કરીને સતત ત્રાસ આપતો અને ડિવોર્સની ધમકીઓ આપતો હતો.

‘1 વર્ષ રાખીશ, ગમશે તો જ સાથે રાખીશ’
13 ફેબ્રુઆરીના રોજ જ્યારે વિપુલ અમદાવાદ આવ્યો ત્યારે તેણે અત્યંત ગુસ્સામાં આશા અને તેના પરિવારને ધમકી આપતા કહ્યું હતું કે, “હું આશાને એક જ શરતે લઈ જઈશ. હું તેને મારી સાથે એક વર્ષ સુધી રાખીશ અને મને યોગ્ય લાગશે તો જ સાથે રાખીશ, નહીંતર ડિવોર્સ આપી દઈશ.”
આટલું જ નહીં, આશાના આપઘાતના બરાબર એક દિવસ પહેલા પણ વિપુલે તેને ફોન કરીને માનસિક ત્રાસ આપ્યો હતો અને ડિવોર્સની ધમકી આપી હતી. પતિના આ રોજના ત્રાસ અને અમાનવીય વર્તનથી ભાંગી પડેલી આશાએ આખરે કંટાળીને મંગલા ગૌરી રેસિડેન્સીના છઠ્ઠા માળેથી કૂદીને મોતને ભેટી લીધું.
પતિ સામે ગુનો નોંધાયો
એક મહિલાને મરવા માટે મજબૂર કરવાના આ ગંભીર કિસ્સામાં, અમદાવાદની વાડજ પોલીસે મૃતક આશાના ભાઈ દીપક શર્માની ફરિયાદના આધારે આરોપી પતિ વિપુલ શર્મા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે
