Business News/ એરલાઈન્સ કંપનીઓ ભાડું વધારવાની તૈયારીમાં, ફ્રી સીટ આપવાના સરકારના નિર્ણયનો વિરોધ

ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટે સરકારના 60% ફ્રી સીટના નિયમનો વિરોધ કર્યો છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (Airlines)નું કહેવું છે કે આનાથી હવાઈ ભાડું વધારવાની મજબૂરી ઉભી થશે.

Trending Business
Federation of Indian Airlines Protest

Federation of Indian Airlines Protest: જો તમે અવારનવાર ફ્લાઇટમાં મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા ખિસ્સા પર સીધી અસર કરી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા ફ્લાઇટની 60% સીટો પર કોઈ પણ વધારાનો ચાર્જ ન વસૂલવાના નિર્ણય બાદ એરલાઇન્સ કંપનીઓએ મોરચો માંડ્યો છે. ઈન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ જેવી મોટી કંપનીઓએ ચેતવણી આપી છે કે જો આ નિયમ લાગુ થશે, તો તેમને મજબૂરીમાં હવાઈ ભાડામાં ધરખમ વધારો કરવો પડશે.

Airlines : શું છે સમગ્ર વિવાદ?

તાજેતરમાં સિવિલ એવિએશન મંત્રાલયે મુસાફરોની સુવિધા માટે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ, હવે દરેક ડોમેસ્ટિક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% સીટો કોઈ પણ વધારાના ચાર્જ વિના બુક કરવી પડશે. અત્યાર સુધી માત્ર 20% સીટો જ ફ્રી મળતી હતી, જ્યારે બાકીની સીટો માટે એરલાઇન્સ 500 થી 3000 રૂપિયા સુધીનો ‘પ્રેફર્ડ સીટ’ ચાર્જ વસૂલતી હતી.

‘અમે નુકસાનમાં જઈશું’

ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) એ સરકારને આ નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરતા કેટલાક મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા છે. તેમના મતે, સીટ સિલેક્શન ચાર્જ એ એરલાઇન્સની કમાણીનો મહત્વનો ભાગ હોવાથી તેના પર રોક લાગવાથી તેમની નાણાકીય સ્થિતિ બગડશે. આ ઉપરાંત, ઇંધણ, મેન્ટેનન્સ અને એરપોર્ટ ચાર્જ સતત વધી રહ્યા હોવાથી વધારાની સેવાઓ વગર નફો કરવો પણ મુશ્કેલ છે. જો સીટ ચાર્જ બંધ થશે, તો કંપનીઓ તેની ભરપાઈ કરવા માટે બેઝિક ટિકિટના ભાવ વધારશે, જેના પરિણામે ગ્રાહકો પર સાર્વત્રિક બોજ વધશે અને જેમને સીટ પસંદ નથી કરવી તેમને પણ ફરજિયાતપણે મોંઘી ટિકિટ લેવી પડશે.

Federation of Indian Airlines Protest

નવા નિયમોથી મુસાફરોને શું ફાયદો?

સરકારના આ આદેશ પાછળનો મુખ્ય હેતુ મુસાફરોને થતી લૂંટ અટકાવવાનો છે. આ નિર્ણય અમલમાં આવતા વેબ ચેક-ઇન વખતે હવે 60% સીટો ફ્રી મળશે, જેથી મુસાફરો પાસે વધુ વિકલ્પો રહેશે. આ ઉપરાંત, એક જ PNR પર બુકિંગ કરાવનાર મુસાફરોને આસપાસની સીટો આપવી એરલાઇન્સ માટે ફરજિયાત બનશે, જેથી પરિવાર આસાનીથી સાથે બેસી શકશે. પાલતુ પ્રાણીઓ કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ જવા માટે પણ એરલાઇન્સે પારદર્શક નિયમો જાહેર કરવા પડશે. સાથે જ, જો ફ્લાઇટ મોડી પડે કે રદ થાય તો રિફંડ કે વેઇટિંગ રૂમ જેવી સુવિધાઓ અંગે મુસાફરોને તેમના અધિકારો વિશે વધુ સ્પષ્ટતા મળશે.

એરલાઇન્સ કંપનીઓનું કહેવું છે કે સરકારના આ હસ્તક્ષેપથી બજાર અનુસાર કિંમત નક્કી કરવાની તેમની સ્વતંત્રતા છીનવાઈ જશે. હવે જોવાનું એ રહેશે કે મંત્રાલય આ વિરોધ સામે ઝૂકે છે કે મુસાફરોના હિતમાં નિર્ણય પર અડગ રહે છે.


આ પણ વાંચો: IndiGo-એયર ઇન્ડિયા ડ્યુઓપોલીસી સામે નવી સ્પર્ધા, 2026માં ત્રણ નવી એરલાઇન્સ શરૂ થશે ફ્લાઇટ્સ

આ પણ વાંચો: હવાઈ મુસાફરો માટે લોટરી! હવે વિમાનમાં 60% સીટો મળશે ફ્રીમાં, એરલાઇન્સની મનમાનીનો આવ્યો અંત

આ પણ વાંચો: કોઈ મનસ્વી ભાડા નહીં, સરકારે એરલાઇન્સ પર ભાડાની મર્યાદા લાદી