Surat News : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18 (લિંબાયત-પરવત કુંભારિયા)માં કોંગ્રેસ માટે મોટો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધર રામાનંદીએ અંતિમ ક્ષણે પોતાની ઉમેદવારી(Candidature) પરત ખેંચતા પાર્ટી અને સ્થાનિક કાર્યકરોમાં ભારે નારાજગી ફેલાઈ છે.
આ નિર્ણયથી ખાસ કરીને મહિલા ઉમેદવાર પ્રકૃતિ નરેશ રાઠોડ અને તેમના પરિવારને ભારે આઘાત પહોંચ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પ્રકૃતિ રાઠોડની માતા ભાવુક બની સંજય રામાનંદી પર ગંભીર આક્ષેપો(Allegations) લગાવતા જોવા મળે છે.

શું છે સમગ્ર મામલો?
કોંગ્રેસે વોર્ડ નંબર 18 માટે સંજય રામાનંદીને ટિકિટ આપી હતી, પરંતુ ચૂંટણીના અગત્યના તબક્કે તેમણે ઉમેદવારી(Candidature) પરત ખેંચી લીધી. આ પગલાથી પાર્ટીના કાર્યકરો અને સહ-ઉમેદવારોમાં નિરાશા ફેલાઈ છે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે આ નિર્ણય પાછળ રાજકીય દબાણ અથવા આંતરિક ગોઠવણ હોઈ શકે છે, જોકે સત્તાવાર રીતે કંઈ સ્પષ્ટ થયું નથી.
‘અમે સાથ આપ્યો, પણ તેમણે દગો(Fraud) કર્યો’
વાયરલ વીડિયોમાં પ્રકૃતિ રાઠોડની માતા પોતાની પીડા વ્યક્ત કરતાં કહે છે કે તેમણે વર્ષોથી કોંગ્રેસ અને સંજય રામાનંદીનો સાથ આપ્યો હતો, પરંતુ જરૂરી સમયે તેમણે વિશ્વાસઘાત કર્યો. દીકરીને રડતી જોઈ માતા ભાવુક બની જાય છે અને કહે છે કે આ નિર્ણયથી તેમના પરિવારની લાગણીઓને ભારે ઠેસ પહોંચી છે.
‘મારી દીકરી ભલે હારે, પણ પૈસાની લોભી નથી’
માતાએ આક્ષેપ કર્યો કે સંજય રામાનંદી પૈસાના લોભમાં આવી ગયા છે અને એક મહેનતુ મધ્યમવર્ગીય દીકરીના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે. તેમણે ગર્વથી કહ્યું:
“મારી દીકરી જીતે કે ન જીતે, પણ તે પૈસાની લોભી નથી. તેને પોતાની આબરૂ વધુ પ્રિય છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે તેમની દીકરી સિદ્ધાંતો માટે લડી રહી છે અને પૈસા માટે મેદાન છોડવું એ સાચા કાર્યકરો સાથે અન્યાય છે.
સોદાબાજીના આક્ષેપો
માતાએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં પૈસાની ભૂમિકા હોઈ શકે છે. તેમણે કહ્યું કે પૈસાવાળાઓના દબાણ હેઠળ આ નિર્ણય લેવાયો છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની દીકરી આવા કોઈ સોદામાં સામેલ નથી અને તેણે પરિવારની આબરૂ જાળવી છે.
આ સમગ્ર ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે અને પક્ષની આંતરિક સ્થિતિ અંગે પણ સવાલો ઉભા કર્યા છે.
