Gujarat Weather forecast/ અંબાલાલ પટેલની આગાહી, માર્ચના અંતમાં ફરી ત્રાટકશે કમોસમી વરસાદ અને મે મહિનામાં ‘ખતરનાક’ વાવાઝોડું

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) માર્ચ અંતમાં કમોસમી વરસાદ અને મે મહિનામાં બંગાળની ખાડી તેમજ અરબી સમુદ્રમાં વાવાઝોડાની આગાહી કરી છે.

Top Stories Gujarat Others
Ambalal Patel Weather Forecast

Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં કુદરત જાણે રૂઠી હોય તેમ વાતાવરણમાં એક પછી એક પલટા આવી રહ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ત્રણ મહિના માટે કરેલી આગાહીએ ખેડૂતો અને સામાન્ય જનતાની ચિંતામાં વધારો કર્યો છે. માર્ચના અંતમાં કમોસમી વરસાદથી લઈને મે મહિનામાં દરિયાઈ ચક્રવાત સુધીની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

માર્ચના અંતમાં ફરી ‘માવઠા’નો મારો : Ambalal Patel

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ને કારણે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ ડહોળાશે. આગામી 24 અને 25 માર્ચના રોજ રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારબાદ 26 માર્ચથી પવનની ગતિમાં તોતિંગ વધારો થશે, જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં 55 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત, માર્ચના અંતમાં પશ્ચિમ વિક્ષેપના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની પણ પ્રબળ શક્યતા રહેલી છે.

એપ્રિલમાં ડબલ માર! ગરમી અને વરસાદ

એપ્રિલ મહિનો ગુજરાત માટે મિશ્ર ફળદાયી રહેશે, જેમાં એકબાજુ ગરમી વધશે તો બીજી તરફ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 7 એપ્રિલ સુધીમાં ગરમીનો પારો વધીને તાપમાન 40 થી 41 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા છે. ત્યારબાદ 4 થી 8 એપ્રિલ દરમિયાન ભારે પવન સાથે હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત, 10 થી 20 એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના પશ્ચિમ અને ઉત્તર ભાગોમાં વરસાદ પણ પડી શકે છે.

Ambalal Patel Weather Forecast

મે મહિનામાં ‘વાવાઝોડા’નું સંકટ

સૌથી વધુ ચિંતાજનક આગાહી મે અને જૂન મહિના માટે છે, જેમાં અંબાલાલ પટેલે સમુદ્રમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે. તેમની આગાહી મુજબ, 20 મે થી બંગાળની ખાડી સક્રિય થશે અને તેમાં ખતરનાક વાવાઝોડાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત, 20 મે થી 20 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં પણ સાયકલોન સર્જાઈ શકે છે. જોકે, જો આ ચક્રવાત ઓમાન તરફ ફંટાઈ જશે તો ભારતમાં વરસાદ ઓછો રહેશે, પરંતુ પવનની અસર ચોક્કસપણે વર્તાશે.

કેરી અને ઘઉંના પાકને જોખમ

આ કમોસમી ફેરફારોને કારણે કૃષિ પાકો પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. તેજ પવનને કારણે આંબા પર આવેલા ‘મોર’ ખરી જશે, જેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડશે. આ ઉપરાંત, વરસાદ અને પવનને કારણે ખેતરોમાં ઉભો ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ શકે છે. એપ્રિલ અને મે માસમાં પાકમાં ઇયળો અને અન્ય રોગો કે જીવાતનો ઉપદ્રવ વધવાની પણ શક્યતા છે. માત્ર ખેતી જ નહીં, પરંતુ વારંવાર બદલાતા આ વાતાવરણને કારણે જન આરોગ્ય પર પણ માઠી અસર પડશે અને લોકોમાં બીમારીઓ વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.

અંબાલાલ પટેલે ખેડૂતોને પોતાના પાકના રક્ષણ માટે અત્યારથી જ આગોતરા પગલાં લેવા અને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.


આ પણ વાંચો: માર્ચના અંતમાં માવઠાનું સંકટ! ગુજરાતમાં ફરી ફૂંકાશે વાવાઝોડા જેવો પવન, અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાનું સંકટ! અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતામાં,પલટાશે વાતાવરણ

આ પણ વાંચો: ઉત્તરાયણ પર પતંગ રસિકોને મોજ પડી જશે, પવન રહેશે એકદમ સાનુકૂળ: અંબાલાલ પટેલ