Ahmedabad News/ લગ્ન માટે AMC હોલ બુકિંગમાં મોટો બદલાવ! કંકોત્રીની શરત હટશે, 3 પેકેજ લાગુ થશે

AMC Marriage Hall Booking: અમદાવાદમાં AMC હોલ બુકિંગના નિયમોમાં ફેરફારની તૈયારી શરૂ થઈ છે. લગ્ન માટે 12 મહિના અગાઉ બુકિંગ, કંકોત્રી વિના અરજી અને ડેકોરેશન માટે A-B-C પેકેજ સિસ્ટમ લાવવાની વિચારણા ચાલી રહી છે.

Gujarat Top Stories Ahmedabad
AMC Marriage Hall Booking: કંકોત્રી વિના હોલ બુકિંગ, ડેકોરેશન માટે A-B-C પેકેજ

Ahmedabad AMC News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલ બુકિંગ (AMC Marriage Hall Booking) નિયમોમાં મોટા ફેરફારની તૈયારી શરૂ થઈ છે. લગ્ન પ્રસંગ માટે AMC હોલનું બુકિંગ હવે 6 મહિનાના બદલે 12 મહિના અગાઉથી કરી શકાય તેવી નવી વ્યવસ્થા પર વિચારણા ચાલી રહી છે. સાથે જ હોલ બુકિંગ માટે લગ્નની કંકોત્રી રજૂ કરવાની ફરજિયાત શરત પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ હોલ ડેકોરેશન અને અન્ય વ્યવસ્થાઓ માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને ફરી જવાબદારી સોંપવાની નવી પોલિસી પણ ઘડવામાં આવી રહી છે.

AMC Marriage Hall Booking: કંકોત્રી વિના પણ થઈ શકશે હોલનું બુકિંગ

હાલમાં લગ્ન પ્રસંગ માટે AMC હોલ બુક (AMC Hall Booking) કરાવતી વખતે આધાર કાર્ડ સાથે લગ્નની આમંત્રણ પત્રિકા એટલે કે કંકોત્રી રજૂ કરવાની શરત રાખવામાં આવી હતી. જોકે, હોલ નક્કી થયા પહેલાં જ કંકોત્રી છપાવવી પડે તે મુદ્દે નાગરિકો દ્વારા મુશ્કેલી વ્યક્ત કરવામાં આવી હતી. મણિનગરના એક નાગરિકે ગોતા વિસ્તારમાં આવેલો હોલ બુક કરાવતી વખતે કંકોત્રી રજૂ કરવા જણાવવામાં આવતા આ મુદ્દો સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પહોંચ્યો હતો. ત્યારબાદ હવે કંકોત્રી વિના પણ હોલ બુકિંગ થઈ શકે તેવી નવી વ્યવસ્થા ગોઠવવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

6 મહિનાના બદલે 1 વર્ષ પહેલાં બુકિંગની તૈયારી

લગ્નની સીઝનમાં AMCના હોલ મેળવવામાં નાગરિકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે બુકિંગ વિન્ડો વધુ લાંબી કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. હાલ 6 મહિના અગાઉ બુકિંગની સુવિધા છે, જ્યારે નવી વ્યવસ્થા હેઠળ તેને વધારીને 12 મહિના અગાઉથી બુકિંગ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. આ નિર્ણય અમલમાં આવશે તો લગ્નનું આયોજન કરતા પરિવારોને પોતાની પસંદગીનો હોલ સમયસર બુક કરાવવામાં વધુ સરળતા મળી શકે છે.

ડેકોરેશન માટે A, B અને C પેકેજ સિસ્ટમ

AMC હોલમાં ડેકોરેશન (AMC Decoration Package) અને અન્ય સુવિધાઓ માટે નવી પેકેજ સિસ્ટમ લાવવાની પણ તૈયારી શરૂ થઈ છે. નવી પોલિસી (AMC New Policy) હેઠળ A, B અને C એમ ત્રણ કેટેગરીના પેકેજ નક્કી કરવામાં આવશે. દરેક પેકેજ માટે નિશ્ચિત ભાવ નક્કી કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટર દ્વારા નક્કી કરાયેલી રકમ કરતાં વધુ ચાર્જ ન વસૂલી શકાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. હોલના મુખ્ય પ્રવેશદ્વાર પર પેકેજના ભાવ અને ફરિયાદ માટેનો હેલ્પલાઇન નંબર દર્શાવતું બોર્ડ લગાવવાની પણ યોજના છે.

AMC Marriage Hall Booking: કંકોત્રી વિના હોલ બુકિંગ, ડેકોરેશન માટે A-B-C પેકેજ
AMC Marriage Hall Booking: કંકોત્રી વિના હોલ બુકિંગ, ડેકોરેશન માટે A-B-C પેકેજ

સફાઈ અને મેન્ટેનન્સના ખર્ચને લઈને નવી પોલિસી

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા મુજબ, ભૂતકાળમાં હોલ ડેકોરેશનના કોન્ટ્રાક્ટથી AMCને વાર્ષિક અંદાજે રૂ.10 કરોડની આવક થતી હતી. જ્યારે હાલ હોલની સફાઈ અને મેન્ટેનન્સ પાછળ વાર્ષિક અંદાજે રૂ.40 કરોડનો ખર્ચ થતો હોવાનું જણાવવામાં આવ્યું છે. આમ, આવક અને ખર્ચના તફાવતને ધ્યાનમાં રાખીને નવી પોલિસી હેઠળ સફાઈ, મેન્ટેનન્સ અને અન્ય વ્યવસ્થાઓ ફરી ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપવાની દિશામાં વિચારણા શરૂ કરવામાં આવી છે.

2018માં બંધ કરાયેલી કોન્ટ્રાક્ટ વ્યવસ્થા ફરી આવશે?

વર્ષ 2018 પહેલાં AMC હોલના ડેકોરેશન માટે કોન્ટ્રાક્ટરોની વ્યવસ્થા અમલમાં હતી. તે સમયે કોન્ટ્રાક્ટરો દ્વારા મનસ્વી ભાવ વસૂલાતા હોવાની ફરિયાદો અને જનઆક્રોશ બાદ બહારના ડેકોરેટરને લાવવાની છૂટ આપવામાં આવી હતી.

હવે નવી પોલિસીના નામે ફરી કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાની તૈયારી સામે કેટલાક નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે, AMC તરફથી ફિક્સ પેકેજ અને ભાવની જાહેર વ્યવસ્થા દ્વારા વધુ ચાર્જ વસૂલાતો અટકાવવાનો દાવો કરવામાં આવ્યો છે.

નાગરિકોને શું મળશે લાભ?

નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ લગ્ન માટે હોલ બુકિંગ વધુ સરળ બનવાની શક્યતા છે. ખાસ કરીને કંકોત્રી વગર બુકિંગ અને 12 મહિના અગાઉથી બુકિંગ શરૂ થવાથી લગ્ન આયોજન કરતા પરિવારોને રાહત મળી શકે છે.

બીજી તરફ ડેકોરેશન માટે ફિક્સ પેકેજ સિસ્ટમ લાગુ થતાં નાગરિકોને પહેલેથી જ ખર્ચની માહિતી મળી શકશે. જોકે, ખાનગી કોન્ટ્રાક્ટરોની ફરી એન્ટ્રી બાદ આ નવી પોલિસી ખરેખર નાગરિકો માટે ફાયદાકારક સાબિત થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો: AMCના નામે સેટલમેન્ટનો કાળો ખેલ! પતિ-પત્ની રૂ.3.15 લાખ સાથે ACBના જાળમાં

આ પણ વાંચો: અમદાવાદમાં 7 લાખની કોપર ચોરીનો ભેદ ઉકેલાયો, AMCના નામે ફરતી ગેંગ ઝડપાઈ

આ પણ વાંચો: અમદાવાદની બે શાળાઓ વિવાદમાં: આનંદ નિકેતન એક્શનમાં, નારોલ AMC શાળામાં ગંભીર આક્ષેપો