Breaking News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC Scam)માં વિકાસના કામોને લઈને વધુ એક ગંભીર ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે હાથ ધરાયેલા સ્ટોર્મ વોટર લાઇન પ્રોજેક્ટમાં નાણાકીય અનિયમિતતાઓ અને કથિત ભ્રષ્ટાચારના આરોપો બાદ AMC તંત્ર અને શાસક પક્ષ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે.
આ મામલે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. બેઠક દરમિયાન પ્રોજેક્ટમાં થયેલી ગેરરીતિઓ અંગે કડક વલણ અપનાવતા જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
પોલીસ ફરિયાદ અને સંપત્તિ તપાસના આદેશ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે (Kamlesh Patel) અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું કે કૌભાંડ (AMC Scam)માં સંડોવાયેલા તમામ જવાબદાર લોકો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. ઉપરાંત, સંડોવાયેલા અધિકારીઓની આવક કરતાં વધુ સંપત્તિ છે કે નહીં તેની પણ વિગતવાર તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.તપાસ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવાની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
AMC Scam: ₹1.60 કરોડની રિકવરી
પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવેલી વિગતોના આધારે અત્યાર સુધીમાં સંબંધિત અધિકારીઓ પાસેથી અંદાજે ₹1.60 કરોડની વસૂલાત કરવામાં આવી છે. જોકે માત્ર નાણાં પરત મેળવવાથી સંતોષ ન માનીને હવે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ કડક પગલાં ભરવાની તૈયારી ચાલી રહી છે. શાસક પક્ષનું માનવું છે કે આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી થશે તો ભવિષ્યમાં સરકારી પ્રોજેક્ટોમાં ગેરરીતિઓને રોકવામાં મદદ મળશે.
કાયદાકીય પ્રક્રિયા શરૂ
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે સ્ટેન્ડિંગ કમિટીના માર્ગદર્શન મુજબ સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે. તપાસના આધારે જવાબદાર લોકો સામે નિયમો મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. AMC (AMC Scam)ના સ્ટોર્મ વોટર લાઇન પ્રોજેક્ટમાં સામે આવેલા આ કૌભાંડથી શહેરના વિકાસ કાર્યોમાં પારદર્શિતા અને જવાબદારી અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે. હવે આગામી દિવસોમાં તપાસનો રિપોર્ટ અને પોલીસ કાર્યવાહી શું દિશા લે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:AMCમાં કૌભાંડ, 4 અધિકારીઓ સસ્પેન્ડ
આ પણ વાંચો:પ્રજાના વિકાસ મુદ્દા ભુલાયા, AMC સંકલન સમિતિ બેઠકમાં મોટા ભાગના ધારાસભ્યો ગેરહાજર
