World News/ યુદ્ધવિરામ વચ્ચે ફરી ભડક્યું અમેરિકા-ઈરાન તણાવ, અમેરિકાના હવાઈ હુમલા બાદ ઈરાને લીધો જવાબી એક્શન

અમેરિકાએ ઈરાન (America-Iran) ના મિસાઇલ-ડ્રોન ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી, જવાબમાં ઈરાને અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવ્યાનો દાવો કરતાં મધ્ય પૂર્વમાં ફરી તણાવ ચરમસીમાએ પહોંચ્યો.

Top Stories World
America-Iran

America-Iran Tensions:  મધ્ય પૂર્વમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાએ શુક્રવારે ઈરાનના મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ સ્થળો તેમજ તટીય રડાર ચોકીઓ પર હવાઈ હુમલા કર્યા હોવાનું જાહેર કર્યું છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જણાવ્યું કે, આ કાર્યવાહી હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલા એક વ્યાવસાયિક માલવાહક જહાજ પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે. અમેરિકાનો આરોપ છે કે ઈરાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને વાણિજ્યિક જહાજને નિશાન બનાવ્યું હતું.

બીજી તરફ, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)એ દાવો કર્યો છે કે અમેરિકાના તાજા હુમલાના જવાબમાં વિસ્તારમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે, કયા સૈન્ય મથકો પર હુમલો કરવામાં આવ્યો તેની વિગત જાહેર કરવામાં આવી નથી.

ઈરાનની સમાચાર એજન્સી ISNA દ્વારા અગાઉ જણાવાયું હતું કે અમેરિકાના હુમલાનો જવાબ “ઝડપી અને નિર્ણાયક” હશે, પરંતુ બાદમાં તે નિવેદન વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવ્યું હતું.

આ દરમિયાન ઈરાનના સરકારી ટેલિવિઝને દક્ષિણ બંદર શહેર સિરિકના તાહેરુયેહ ઘાટ વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે જોરદાર વિસ્ફોટ થયો હોવાની માહિતી આપી છે. સ્થાનિક અહેવાલો મુજબ, સમગ્ર વિસ્તારમાં ભારે ધડાકાનો અવાજ સંભળાયો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મધ્ય પૂર્વમાં રાજદ્વારી સ્તરે તણાવ ઘટાડવા અને યુદ્ધને કાબૂમાં લેવા પ્રયાસો ચાલી રહ્યા છે. જોકે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષને કારણે સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા વધુ ઊંડી બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ઈરાનની ધમકી બાદ ખાડી દેશોમાં યુદ્ધનો માહોલ; જહાજ પર હુમલો થતાં ક્રૂડ ઓઇલ બજારમાં ચિંતા

આ પણ વાંચો : યુદ્ધવિરામ માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા જેડી વેન્સ, બેઠક પહેલાં જ ઈરાને હોર્મુઝ બંધ કરવાનો દાવો

આ પણ વાંચો : અમેરિકા-ઈરાન કરાર બાદ હોર્મુઝ જળમાર્ગ શરૂ, પણ 48 કલાક પહેલાં પરવાનગી લેવી ફરજિયાત