Vadodara News: સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં વસતા 1000 આદિવાસી પરિવારો હવે રસોઈ ગેસ માટે આત્મનિર્ભર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસે કરેલી જાહેરાત મુજબ, ગરુડેશ્વર તાલુકામાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી તેજ બની છે. અત્યાર સુધીમાં 665 ઘરોમાં ગોબર ગેસ પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે, જે LPG અને લાકડા પરની નિર્ભરતા ઘટાડી સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણનું જતન કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન બાકીના 335 ગોબર ગેસ પ્લાન્ટ વહેલી તકે પૂર્ણ કરવા સજ્જ છે.

એકતાનગરના ગરુડેશ્વર તાલુકામાં ઊર્જા ક્રાંતિના મંડાણ થયા છે. 89 ગામોમાં અમલી આ યોજના હેઠળ 665 આદિવાસી પરિવારોના રસોડાં ધુમાડા મુક્ત બન્યાં છે. વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરતા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પરંપરાગત ઈંધણનો ત્યાગ કરી ગ્રીન એનર્જી અપનાવવાનો છે.

લઘુત્તમ ત્રણ પશુ ધરાવતા પરિવારોને બે ઘન મીટર ક્ષમતાના પ્લાન્ટ ફાળવવામાં આવ્યા છે. દરરોજ 50 કિલો છાણના ઉપયોગથી ઉત્પન્ન થતો ગેસ સિલિન્ડરના ખર્ચમાંથી મુક્તિ અપાવે છે. આ પહેલથી લાકડા વીણવાની મહેનત ઘટી છે અને ધુમાડાથી થતા આંખોના રોગોમાં પણ રાહત મળી છે. વધુમાં, પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં રાસાયણિક ખાતરનો શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ બની છે.

સરકાર દ્વારા પ્રતિ પ્લાન્ટ 30 હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે. નર્મદા જિલ્લા પંચાયત અને DRDA દ્વારા બાકી રહેલા ૩૩૫ યુનિટ્સ સ્થાપવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. આ પહેલથી સ્થાનિક આદિવાસી પરિવારો આર્થિક રીતે સધ્ધર બનવાની સાથે પર્યાવરણ સુરક્ષામાં પણ મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે.
