Amreli Train Derailment Attempt : અમરેલી જિલ્લામાં રેલવેને લઈને અત્યંત ચોંકાવનારા અને ભયાનક સમાચાર સામે આવ્યા છે. ચિતલ અને ખીજડિયા વચ્ચે અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેન ઉથલાવવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, ટ્રેન પાયલોટની સતર્કતાને કારણે હજારો મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, અમરેલી (Amreli) ના ચિતલ અને ખીજડિયા રેલવે સ્ટેશન વચ્ચેના ટ્રેક પર અજાણ્યા અસામાજિક તત્વોએ મોટા પથ્થરો અને ફેન્સિંગના થાંભલા (પોલ) આડા મૂકી દીધા હતા. ટ્રેન જ્યારે આ ટ્રેક પરથી પસાર થઈ રહી હતી ત્યારે લોકો પાયલોટની નજર આ અવરોધો પર પડી હતી. પાયલોટે સમયસૂચકતા વાપરીને ટ્રેન ઉભી રાખી દીધી હતી અને ટ્રેક પરથી પથ્થરો અને પોલ હટાવ્યા હતા.

તપાસ એજન્સીઓનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ રેલવે વિભાગ અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ટ્રેન ઉથલાવવાના આ ગંભીર પ્રયાસને ધ્યાને રાખીને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેમાં Amreli રેલવે પોલીસ (GRP) અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં સેન્ટ્રલ આઈબી (IB) અને ડોગ સ્ક્વોડની મદદથી ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ ઘટના કોઈ આતંકી કાવતરું છે કે સ્થાનિક અસામાજિક તત્વોનું કૃત્ય, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.
મોટી જાનહાનિ ટળી
જો ટ્રેન પાયલોટે સમયસર પથ્થરો ન જોયા હોત અને ટ્રેન તેની સાથે અથડાઈ હોત, તો ટ્રેન પાટા પરથી ઉતરી જવાની અને મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. હાલમાં આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને રેલવે ટ્રેક પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન
આ પણ વાંચો: આજથી ટ્રેન મુસાફરી મોંઘી, રેલવે મંત્રાલયે જાહેર કર્યા નવા ભાડા
