marriage function/ રાજ્યમાં અંદાજે 900 રાત્રિ લગ્નસમારંભો અને 2100 રિસેપ્શનો અંગે અવઢવ : હજારો ધંધાર્થીઓના શ્વાસ અધ્ધરતાલ

અમદાવાદ બાદ કોરોના સંક્રમણની સ્થિતિ ગુજરાતના તમામ મહાનગરોમાં બેકાબૂ થવાની દહેશત જોવામાં આવી રહી હોય, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ગઈકાલે કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે આજે એટલે કે શનિવારે

Top Stories Gujarat
marrige રાજ્યમાં અંદાજે 900 રાત્રિ લગ્નસમારંભો અને 2100 રિસેપ્શનો અંગે અવઢવ : હજારો ધંધાર્થીઓના શ્વાસ અધ્ધરતાલ

@ભાવિની વસાણી, મંતવ્ય ન્યૂઝ – રોજકોટ

અમદાવાદ બાદ કોરોના સંક્રમણની સ્થિતિ ગુજરાતના તમામ મહાનગરોમાં બેકાબૂ થવાની દહેશત જોવામાં આવી રહી હોય, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ગઈકાલે કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે આજે એટલે કે શનિવારે રાત્રે 9 થી સવારે 6 સુધી રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિ કરફ્યુનું એલાન કરવામાં આવ્યું છે. જેના પગલે રાજકોટ સહિત ગુજરાતભરમાં રાત્રિના લગ્ન સમારંભો અને રિસેપ્શનના આયોજનો સામે પ્રશ્નાર્થ ખડો થયો છે.

ખાસ કરીને લાભ પાચમના શુભ મુહૂર્ત ઊઘડતા હોય, અને ત્યારબાદ 25 નવેમ્બર થી 14 ડિસેમ્બર સુધી રાજ્યભરમાં હજારો લગ્નના ભાવભીના આયોજનો અગાઉથી નિર્ધારિત છે. આમ તો સરકારની ગાઈડ લાઈન પ્રમાણે પોલીસની પરમિશન લઇ અને નિર્ધારિત લગ્ન સમારંભ યોજી શકાશે. પરંતુ શક્ય હોય તો રાત્રિના આયોજનો ટાળવા માટે પણ સરકાર દ્વારા અનુરોધ કરાયો છે. જેથી આ લગ્ન સમારંભ સાથે સંકળાયેલા ધંધાર્થીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.

આજે એટલે કે શનિવાર રાત્રિના 9:00 કલાકે રાજ્યનાં અન્ય મહાનગરો રાજકોટ, વડોદરા અને સુરતમાં કર્ફ્યુનો અમલ શરૂ થઈ જશે. સમગ્ર ગુજરાતમાં અમદાવાદમા 1800, રાજકોટમાં 650, વડોદરામાં4,75 સહિત અંદાજીત 3000 કરતા વધારે જેટલા લગ્ન સમારંભોના આયોજનો અગાઉથી નિર્ધારિત છે. જેમાંથી 20 થી 30 ટકા લગ્ન સમારંભોના આયોજનો રાત્રિના સમયે તેમજ તમામ લગ્ન સમારંભોમાં રિસેપ્શનોના આયોજનો પણ રાત્રિના હોય છે.  70 ટકા રિસેપ્શનોના આયોજન અંગે પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ શક્ય હોય તો રાત્રિના લગ્ન સમારંભ અગાઉથી નિર્ધારિત હોયતો પણ ટાળવા માટેની અપીલ કરી છે. જેના કારણે જાગૃત નાગરિકોમાં દ્વિધા જોવા મળી રહી છે કે રાત્રિના લગ્નસમારંભો તેમજ રિસેપ્શનના કાર્યક્રમો અગાઉના આયોજન મુજબ યોજવા કે નહીં ?

કોરોનાની સ્થિતિના પગલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત ગુજરાતભરના અનેક શહેરોમાં કંકોત્રી છપાવી લેવામાં આવી છે. મહેમાનોને અગાઉથી જાહેર કરવામાં આવેલી સરકારની ગાઈડલાઈન મુજબ 200ની મર્યાદામાં ભાવભીનાં આમંત્રણ પાઠવી દેવામાં આવ્યા છે. લગ્નસમારંભોની પરંપરા પ્રમાણે અગાઉ પંગતમાં જમણવાર યોજવાની પ્રથા હતી તેના સ્થાને હવે રાત્રિના બુફે જમણવાર તેમજ રિસેપ્શન યોજવામાં આવે છે. લગ્ન સમારંભોના આયોજનો થકી તેની સાથે જોડાયેલા મીઠાઈ, ફરસાણ તેમજ મંડપ સર્વિસ, ઇવેન્ટ મેનેજમેન્ટ, પાર્ટીપ્લોટ વગેરેના ધંધાર્થીઓ માટે નવેમ્બર અને ડિસેમ્બર અને જાન્યુઆરીનો લગ્નગાળો એ જ સાચી કમાણીનો સમયગાળો હોય છે. પરંતુ ગઈ કાલે થયેલી સરકારી જાહેરાત બાદ આ તમામ યજમાન પરિવારો ઉપરાંત અંદાજે 15,000 જેટલા ધંધાર્થીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.આ તમામને અગાઉથી બુકીંગ કરેલા ઓર્ડર કેન્સલ થવાની ભીતિ સતાવી રહી છે.

ગુજરાતમાં લગ્નસમારંભની પારંપરિક ઉજવણીનું ખૂબ જ મહત્વ રહેલું છે. પરંતુ કોરોના સંક્રમણની સ્થિતિ જે રીતે વકરી રહી છે, તેના કારણે લગ્નસમારંભમાં જાનપ્રસ્થાન વખતે જાહેરમાં ધામધૂમ પૂર્વક કાઢવામાં આવતા વરઘોડા, ફટાકડા ફોડવા કે સામૈયા સહિતના રીતિ-રિવાજોમાં કઈ રીતે સાદગીપૂર્વક ઉજવણી કરવી તે અંગે અસંખ્ય પરિવારોમાં અસમંજસ જોવા મળી રહી છે. પરંતુ હજુ સુધી અમદાવાદ સિવાયના શહેરોમાં કોઈએ વેપારી પાસે ઓર્ડર કેન્સલ કરાવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું નથી. તેથી એવું કહી શકાય કે લોકો લગ્ન સમારંભો નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે જ યોજશે અને સરકારની ગાઇડ લાઇનનું પાલન કરશે.

ગત માર્ચ મહિનાથી કોરોના મહામારીના કારણે લોકડાઉનની એક બાદ એક તબક્કાવાર જાહેરાતો બાદ લગ્ન સમારંભ સાદગીથી યોજવાનું કહેવામાં આવી રહ્યું હતું, ત્યારે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી જવાની શક્યતા હોય, લોકોએ લગ્ન સમારંભોના આયોજનો નવેમ્બર-ડિસેમ્બરમાં લાભ પાંચમ બાદ યોજવાનો નિર્ધારિત કર્યું હતું, પરંતુ ફરીથી કોરોનાની સ્થિતિ વકરતા લગ્ન સમારંભો સાદાઈથી યોજવા પડે તેવી સ્થિતિ ઉપસ્થિત થઈ છે. જેથી મોટાભાગના લોકોમાં દ્વિધા જોવા મળી રહી છે, જ્યારે કેટલાક લોકો કોરોનાને હરાવવા માટે સરકારને સાથ આપવા માગે છે. જ્યારે વેપારીઓ આઠ મહિનાથી સિઝનની રાહ જોઈ રહ્યા હોય, બધું સમયસર યોજાય તેવું ઇચ્છી રહ્યા છે. આગળ શું તે તો સમય જ બતાવશે, પરંતુ હાલ તો અસમંજસ હી અસમંજસ જોવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….