મંતવ્ય વિશેષ/ પૂર્ણ બજેટને બદલે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે, સરકારના પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે?

જાન્યુઆરી પૂરો થવામાં છે, ત્યારે મોટાભાગના પરિવારોએ આવતા મહિનાની આવક અને ખર્ચની ગણતરી શરૂ કરી દીધી છે. દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આવી જ ગણતરી કરી રહ્યાં હશે,

Top Stories India
Mantavya Vishesh

જાન્યુઆરી પૂરો થવામાં છે, ત્યારે મોટાભાગના પરિવારોએ આવતા મહિનાની આવક અને ખર્ચની ગણતરી શરૂ કરી દીધી છે. દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આવી જ ગણતરી કરી રહ્યાં હશે, જો કે, તેમની ગણતરી સમગ્ર દેશની આવક અને ખર્ચની છે. દર વર્ષે થતી આ કવાયતને બજેટ કહેવાય છે. દેશના બજેટનો અર્થ છે દેશના સમગ્ર નાણાકીય વર્ષનો હિસાબ. નાણાકીય વર્ષ એટલે કે આવતા વર્ષે 1લી એપ્રિલથી 31મી માર્ચ સુધીનો 12 મહિનાનો સમયગાળો. અર્થાત્, નાણામંત્રી દેશને પૈસા ક્યાંથી મળશે અને સરકાર ક્યાં ખર્ચ કરશે તેનો હિસાબ તૈયાર કરશે. સરકારી કાગળોમાં તેને વાર્ષિક નાણાકીય નિવેદન કહેવામાં આવે છે.ત્યારે હવે સવાલ થાય કે દરેક પ્રકારના હિસાબ-કિતાબનું નામ બજેટ કેવી રીતે પડ્યું? તો આ પરંપરા બ્રિટિશ સંસદમાં શરૂ થઈ હતી. તે સમયે ત્યાંના નાણામંત્રી આ તમામ ખાતાઓને ચામડાની બેગમાં ભરીને લાવતા હતા. ચામડાની થેલીને ફ્રેન્ચમાં બુગેટ કહેવામાં આવતું હતું. અંગ્રેજીમાં તેને બજેટ કહેવામાં આવે છે. આ કારણોસર, સમગ્ર વિશ્વમાં, પછી તે દેશ હોય કે ઘર, ખર્ચ અને આવકના હિસાબને બજેટ કહેવામાં આવે છે.

તો 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી આખા વર્ષનું બજેટ રજૂ નહિ કરે, પરંતુ કામકાજના હિસાબો રજૂ કરશે. જેને વચગાળાનું બજેટ કહેવામાં આવે છે. ત્યારે હવે સવાલ એ થાય કે નાણામંત્રી આ વખતે કેમ કામચલાઉ બજેટ રજૂ કરી રહ્યા છે, તો પછી યોગ્ય રીતે હિસાબ-કિતાબ કેવી રીતે થશે? તો ધારી લો કે તમારે 3 મહિના પછી બીજી જોબ જોઇન કરવાની છે, અને આ સમયગાળા દરમિયાન હાલની કંપની તમારો પગાર રોકી શકે છે. આ સ્થિતિમાં તમે માત્ર 3 મહિનાનું બજેટ બનાવશો, જેમાં ફક્ત જરૂરી ખર્ચનો સમાવેશ કરવાનો પ્રયાસ કરશો… પ્રોપર્ટીમાં રોકાણ, કાર ખરીદવા વગેરે જેવા મોટા નિર્ણયો મુલતવી રાખીશો, અને 3 મહિના પછી, જ્યારે નવી કંપનીમાં જોડાશો ત્યારે આખા વર્ષનું બજેટ ફરીથી તૈયાર કરીશો.

આજ પ્રકારે દેશમાં આ વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે. વર્તમાન સરકાર માત્ર 5 મહિના જ કામ કરશે, ચૂંટણી પછી નવી સરકાર આવશે. આવી સ્થિતિમાં નાણામંત્રી આખા વર્ષનું બજેટ બનાવી શકતા નથી. આ કામ નવી સરકાર કરશે. તેથી, તે થોડા મહિનાઓ માટે કાર્યકારી બજેટ રજૂ કરાશે. તેને વચગાળાનું બજેટ કહેવામાં આવે છે, અને નવી સરકાર બન્યા બાદ જૂન-જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. અગાઉ 2019માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે તત્કાલીન પ્રભારી નાણામંત્રી પીયૂષ ગોયલે પણ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. ચૂંટણી જીત્યા બાદ સીતારમણ નાણામંત્રી બન્યાં, અને તેમણે 5 જુલાઈ 2019ના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કર્યું.

અંતરિમ બજેટ અને પૂર્ણ બજેટ શું ફર્ક હોય છે તો અંતરિમ બજેટ એક અસ્થાયી વ્યવસ્થા છે, જેમાં નવી સરકારનો કાર્યભાર સંભાળવા સુધી સરકારી આવક અને જાવકનું કવર હોય છે, તે ચૂંટણીના વર્ષમાં લગભગ 2થી 4 મહિનાની અવધિ માટે હોય છે. સરકાર કોઈ મોટી નીતિગત ઘોષણા અને ટેક્સમાં મોટા બદલાવથી બચે છે,અને સરકાર વોટ ઓન એકાઉન્ટમાં માત્ર ખર્ચ માટે સંસદથી મંજૂરી માગે છે. તો પૂર્ણ બજેટ એક વ્યાપક આર્થિક યોજના છે, જેમાં સરકારી આવક, જાવક, ફાળવણી અને નીતિગત જાહેરાતોના દરેક પાસાં સામેલ હોય છે. આખા નાણાકીય વર્ષ એટલે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી હોય છે, સરકાર નવી નીતિઓ અને મોટી-મોટી યોજનાઓ જાહેર કરે છે, અને તે લોકસભામાં વિસ્તૃત ચર્ચા પછી પસાર થાય છે.

આ બજેટને વચગાળાનું બજેટ કેમ કહેવાય છે, આની પણ એક કહાની છે. વાસ્તવમાં, સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ નાણામંત્રી આરકે ષણમુગમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. આમાં નવા નિયમો અને નવા ટેક્સનો અમલ કરવામાં આવ્યો નહોતો. બાદમાં 95 દિવસ પછી 1948-49નું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું. તે બજેટ રજૂ કરતી વખતે ષણમુગમે કહ્યું હતું કે આ પહેલાં રજૂ કરાયેલું બજેટ વચગાળાનું હતું. આ પછી ‘વચગાળાનું બજેટ’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. ત્યારથી, ટૂંકા ગાળા માટે રજૂ કરાયેલ બજેટને વચગાળાનું બજેટ કહેવામાં આવ્યું. ભારતના બંધારણમાં તેનો અલગથી કોઈ ઉલ્લેખ નથી.

વચગાળાના બજેટમાં સરકાર શું કરશે તેના પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ સામાન્ય રીતે સરકાર કોઈ મોટી જાહેરાત કરતી નથી. જો કે, ચૂંટણીપંચની આચારસંહિતા હેઠળ મતદારો પર કોઈ અયોગ્ય પ્રભાવ ન પડે તે માટે ચૂંટણીપંચ દ્વારા વચગાળાના બજેટ પર કેટલીક મર્યાદાઓ લાદવામાં આવી છે. સરકાર વચગાળાના બજેટમાં કોઈ મોટી નીતિગત જાહેરાત ન કરે એવી પરંપરા છે. જો કે, 2019માં જ, સરકારે ટેક્સ મુક્તિ મર્યાદા પ્રતિ વર્ષ 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી હતી. આ વખતે નાણામંત્રી પહેલેથી જ કહી ચૂક્યાં છે કે વચગાળાના બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં.

ત્યારે હવે આપને જણાવી એ કે સંસદમાં બજેટ શા માટે રજૂ કરવામાં આવે છે? તો દેશને ટેક્સ, રેવન્યુ, લોન વગેરે સહિતની વિવિધ રીતોથી આવક મળે છે. આ બધી કમાણી કોમન ફંડમાં જમા થાય છે. આને દેશનું ‘સંચિત ભંડોળ’ અથવા ‘સંકલિત ભંડોળ’ કહેવામાં આવે છે. બંધારણની કલમ 266(1)માં આનો ઉલ્લેખ છે. હવે આપણે ખર્ચ વિશે વાત કરીએ. તો આપણા ઘરોમાં પણ એક નિયમ હોય છે કે જો સંયુક્ત ખાતામાંથી ખર્ચ માટે એક રૂપિયો પણ ઉપાડવો હોય તો તમામની પરવાનગી લેવામાં આવશે. કારણ કે તમામ લોકો ખાતાના માલિક છે.. એ જ રીતે દેશના સંકલિત ભંડોળની માલિક સંસદ છે. જેમાંથી એક પૈસો પણ ઉપાડવા માટે લોકસભાની મંજૂરી જરૂરી છે.

આપણે જનતા લોકસભામાં સાંસદોને સીધો મત આપીને ચૂંટીએ છીએ. કોન્સોલિડેટેડ ફંડમાં જમા કરાયેલા પૈસા માત્ર જનતાના છે. તેથી, ભારતના બંધારણમાં એવી જોગવાઈ છે કે કોન્સોલિડેટેડ ફંડમાં જમા કરાયેલાં નાણાંનો નિર્ણય લોકસભા દ્વારા લેવામાં આવે. એટલે કે જાહેર પરવાનગી આડકતરી રીતે લેવામાં આવે છે. રાજ્યસભાના સાંસદો સીધા જનતા દ્વારા ચૂંટાતા નથી. તેથી રાજ્યસભામાં માત્ર બજેટ પર જ ચર્ચા થઈ શકે છે. રાજ્યસભાને બજેટમાં ફેરફાર કરવાનો કે મત આપવાનો અધિકાર નથી.

હવે સવાલ થાય કે દેશનું બજેટ કેવી રીતે બને છે? તો બજેટ બનાવવાની તૈયારી લગભગ 6 મહિના અગાઉથી શરૂ થાય છે, એટલે કે સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં. જે ખાસ 6 તબક્કામાં થાય છે… સપ્ટેમ્બરમાં, મંત્રાલયો, વિભાગો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પરિપત્ર જારી કરવામાં આવે છે જેમાં તેમને આવતા વર્ષ માટે જરૂરી ભંડોળના ડેટા પ્રદાન કરવા કહેવામાં આવે છે. આ ડેટાના આધારે બાદમાં અલગ-અલગ મંત્રાલયોને ફંડ આપવામાં આવે છે.
બજેટ બનાવવાની પ્રક્રિયા શરૂ થયા બાદ દરરોજ નાણામંત્રી, નાણા સચિવ, મહેસૂલ સચિવ અને ખર્ચ સચિવની બેઠક થાય છે.

ઓક્ટોબર-નવેમ્બરથી, નાણા મંત્રાલય અન્ય મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજે છે અને નક્કી કરે છે કે કયા મંત્રાલય અથવા વિભાગને કેટલું ભંડોળ આપવું જોઈએ. બજેટ બનાવતી ટીમ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વડાપ્રધાન, નાણામંત્રી અને નીતિ આયોગ તરફથી સતત ઇનપુટ્સ મેળવે છે. તો બજેટ ટીમમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. બજેટ બનાવતા અને રજૂ કરતા પહેલાં નાણામંત્રી અનેક ઉદ્યોગો, સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો સાથે ચર્ચા પણ કરે છે. બજેટને લગતી તમામ બાબતોને આખરી ઓપ આપ્યા બાદ બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે. બજેટ અંગે બધું નક્કી થયા બાદ બજેટ દસ્તાવેજ છાપવામાં આવે છે. અને બજેટ દસ્તાવેજ ગુપ્ત છે કારણ કે તેના વિશે કોઈ માહિતી બહાર આવવી જોઈએ નહીં. બજેટ દસ્તાવેજ નાણા મંત્રાલયના પસંદગીના અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. બજેટ દસ્તાવેજોને લીક થવાથી રોકવા માટે, તેમાં ઉપયોગમાં લેવાતા તમામ કોમ્પ્યુટરને અન્ય નેટવર્કથી ડી-લિંક કરવામાં આવે છે.

બજેટ પર કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને બે થી ત્રણ અઠવાડિયા સુધી નોર્થ બ્લોકની ઓફિસોમાં રહેવું પડે છે. આ સમય દરમિયાન તેમને બહાર જવાની પરવાનગી નથી. જ્યારે બજેટ બને છે ત્યારે નાણામંત્રી હલવો પણ ખવડાવે છે

બજેટની આખી પ્રક્રિયાના નિયમો પણ જણાવી દઈએ..બે જગ્યાએ નિયમોનો ઉલ્લેખ છે. પ્રથમ- બંધારણની કલમ 112 હેઠળ, સરકારે દર વર્ષે લોકસભામાં તેની કમાણી અને ખર્ચનો સંપૂર્ણ હિસાબ રજૂ કરવાનો રહેશે. બીજું- બંધારણની કલમ 114 હેઠળ વિનિયોગ બિલની જોગવાઈ છે. આ બિલ દ્વારા સરકાર લોકસભાની પરવાનગી માંગે છે. જેથી સંચિત ફંડમાંથી પૈસા ઉપાડી શકાય. જ્યાં સુધી વિનિયોગ બિલ અમલમાં ન આવે ત્યાં સુધી સરકાર ભારતના કોન્સોલિડેટેડ ફંડમાંથી પૈસા ઉપાડી શકતી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી

આ પણ વાંચો:પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો