અપીલ/ અમૂલ-મધર ડેરી બાદ હવે પારલે-ડાબરની સરકારને અપીલ : પ્લાસ્ટિક સ્ટ્રોનો પ્રતિબંધનો હમણાં મોકૂફ રાખો

જ્યાં સુધી સ્થાનિક સ્તરે કાગળના સ્ટ્રોના ઉત્પાદન માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત ન થાય ત્યાં સુધી પ્રતિબંધના અમલીકરણની તારીખ લંબાવવામાં આવે એવી માગ થઇ રહી છે.

Top Stories Business
પેપર

દેશમાં 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગશે. સરકારના આ નિર્ણયથી પેકેજ્ડ જ્યુસ, સોફ્ટ ડ્રિંક્સ અને ડેરી પ્રોડક્ટ્સની કંપનીઓને મોટો ફટકો પડ્યો છે. આ પ્રતિબંધ લાગુ થયા બાદ પીણાં બનાવતી કંપનીઓ પ્લાસ્ટિક સ્ટ્રો સાથે તેમની પ્રોડક્ટ્સ વેચી શકશે નહીં. આવી સ્થિતિમાં હવે પારલે એગ્રો, ડાબર અને મધર ડેરી જેવી ડેરી પ્રોડક્ટ બનાવતી કંપનીઓ આયાતી પેપર સ્ટ્રો તરફ વળી રહી છે.

પ્લાસ્ટિકની સ્ટ્રો કરતાં કાગળના સ્ટ્રોની કિંમત વધુ છે, પરંતુ કંપનીઓ ઉત્પાદનોનું વેચાણ ચાલુ રાખવા માટે તેનો સહારો લઈ રહી છે. કેટલીક કંપનીઓએ સરકારને થોડા દિવસો બાદ પ્રતિબંધ લાગુ કરવા વિનંતી કરી છે. કંપનીઓ ઈચ્છે છે કે જ્યાં સુધી કાગળના સ્ટ્રોના ઉત્પાદન માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત ન થાય ત્યાં સુધી સરકાર પ્રતિબંધનો અમલ ન કરે. પેપર સ્ટ્રોની આયાત કંપનીઓ પર વધારાનો આર્થિક બોજ વધારી રહી છે.

આ બાબતે પારલે એગ્રોના સીઈઓ શૌના ચૌહાણે જણાવ્યું હતું કે, ભારતમાં હાલમાં જરૂરિયાત મુજબ પેપર સ્ટ્રોનું ઉત્પાદન કરવા માટે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. પ્રતિબંધ લાગુ થયા પહેલા અમે પેપર સ્ટ્રોની આયાત કરવાનું શરૂ કરી દીધું છે. જો કે, આયાત એ કાયમી વિકલ્પ નથી. પોલિલેક્ટિક એસિડ (PLA) અને પેપર સ્ટ્રોની આયાતની કિંમત અનુક્રમે 259 ટકા અને 278 ટકા વધે છે. આ કારણે તે રૂ.10ના ઉત્પાદન સાથે બંધબેસતું નથી. કંપની પ્લાસ્ટિકની સ્ટ્રોનો ઉપયોગ કરીને નાના પેકમાં ફ્રુટી અને એપ્પી જેવા લોકપ્રિય ફળોના રસ અને ડેરી પીણાં વેચે છે.

ડાબર ઈન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, કેટલાક રાજ્યના નિયમનકારોએ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક સ્ટ્રો અને પેપર સ્ટ્રોના ઉપયોગને મંજૂરી આપી છે, પરંતુ આ સ્ટ્રોના મોટા પાયે ઉત્પાદન માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આજે ભારતમાં અસ્તિત્વમાં નથી. તેથી, અમે સરકારને વિનંતી કરીશું કે જ્યાં સુધી સ્થાનિક સ્તરે કાગળના સ્ટ્રોના ઉત્પાદન માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત ન થાય ત્યાં સુધી પ્રતિબંધના અમલીકરણની તારીખ લંબાવવામાં આવે. ડાબર ઈન્ડિયાએ નવા નિયમોનું પાલન કરવા માટે પેપર સ્ટ્રોની પણ આયાત કરી છે. શાહરૂખ ખાને કહ્યું કે અત્યાર સુધી અમે આયાતી પેપર સ્ટ્રો વડે અમારી જરૂરિયાતના માત્ર 10-15 ટકા જ કવર કરી શકીશું, કારણ કે વૈશ્વિક માંગ અને પુરવઠામાં મોટો તફાવત છે. અમે પ્લાસ્ટિક સ્ટ્રોને બદલવા માટે સ્થાનિક ઉકેલો અને વિકલ્પો શોધવા પર પણ કામ કરી રહ્યા છીએ.

મધર ડેરી ફ્રુટ એન્ડ વેજીટેબલ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મનીષ બંદલીશે જણાવ્યું કે અમે આ પેપર સ્ટ્રોની આયાત કરીશું. હાલના પ્લાસ્ટિક સ્ટ્રો કરતાં પેપર સ્ટ્રો ચાર ગણી મોંઘી છે. જો કે, અત્યારે અમે વધેલી કિંમત સહન કરીશું અને અમારા ઉત્પાદનોની MRP વધારવાની યોજના બનાવી રહ્યા નથી. મધર ડેરી લાંબા સમયથી પ્લાસ્ટિકના ઉપયોગને મર્યાદિત કરવા માટે કામ કરી રહી છે. છેલ્લા 3 વર્ષથી અમારી સિસ્ટમમાં પ્લાસ્ટિકના ચમચી અને છૂટક સ્ટ્રો નથી.

તાજેતરમાં, ડેરી સહકારી અમૂલે આ મહિનાની શરૂઆતમાં પર્યાવરણ મંત્રાલયને પત્ર લખીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કાગળના સ્ટ્રોની પર્યાપ્ત ઉપલબ્ધતાના અભાવે પ્લાસ્ટિક સ્ટ્રો પરના પ્રતિબંધને એક વર્ષ માટે મોકૂફ કરવાની માંગ કરી હતી. ઊલ્લેખનીય છે કે પ્લાસ્ટિક સ્ટ્રો સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સરકારનો પ્રતિબંધ 1 જુલાઈ, 2022થી લાગુ થવા જઈ રહ્યો છે. અગાઉ, પારલે એગ્રોએ પણ સરકારને પ્લાસ્ટિક સ્ટ્રો પર પ્રતિબંધ મૂકવાની સમયમર્યાદા છ મહિના સુધી લંબાવવા વિનંતી કરી હતી.

પ્લાસ્ટિક સ્ટ્રો પરના પ્રતિબંધને ધ્યાનમાં રાખીને, પેકેજિંગ અગ્રણી યુફ્લેક્સ તેના સાણંદ, ગુજરાત ખાતેના પેકેજિંગ પ્લાન્ટમાં સ્થાનિક સ્તરે U-આકારના કાગળના સ્ટ્રોનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે. અશ્વિની શર્મા, સીઈઓ, પેકેજિંગ બિઝનેસ, Uflex, જણાવ્યું હતું કે, “અમે પીણા ઉદ્યોગની વિશાળ માંગને પહોંચી વળવા કાગળના સ્ટ્રોનું ઉત્પાદન શરૂ કરીશું. પ્રથમ તબક્કામાં અમારું રોકાણ રૂ. 100 કરોડ જેટલું હશે. કંપની ઓગસ્ટ-સપ્ટેમ્બર 2022 સુધીમાં દર મહિને લગભગ 1.2 બિલિયન સ્ટ્રોનું ઉત્પાદન શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

આ પણ વાંચો : NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને Z+ સુરક્ષા આપવામાં આવી