Gandhinagar News: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે મોટા જિલ્લાઓમાં વધતા વહીવટી ભારણને ઘટાડવા માટે શરૂ કરવામાં આવેલી નવી જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓમાં ઇન્ચાર્જ અધિકારીઓની નિમણૂક કરી છે. આ નિર્ણયથી પેન્ડિંગ ફાઇલોનો ઝડપથી નિકાલ થશે, શાળા સંચાલકોને વધુ સુવિધા મળશે અને હાલની DEO કચેરીઓ પરનું કામનું ભારણ પણ ઘટશે.
કયાં (DEO)અધિકારીને સોંપાયો વધારાનો ચાર્જ?

શિક્ષણ વિભાગના આદેશ મુજબ અમદાવાદ પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ગાંધીનગર ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ગાંધીનગર શહેરના જિલ્લા શિક્ષણાધિકારી ભગવાન પ્રજાપતિને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
વડોદરા ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી તરીકે વડોદરા શહેરના જિલ્લા શિક્ષણાધિકારી મુકેશકુમાર પાંડેને નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરત ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી તરીકે સુરત શહેરના જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
કચ્છના અંજાર જિલ્લા શિક્ષણાધિકારી તરીકે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી તરીકે રાજકોટ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગે ગત ડિસેમ્બરમાં નવી DEO કચેરીઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી
શિક્ષણ વિભાગે ગત ડિસેમ્બર મહિનામાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને કચ્છમાં નવી DEO કચેરીઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત અમદાવાદ શહેરને પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે અલગ-અલગ DEO કચેરીઓ બનાવવામાં આવી છે. જ્યારે કચ્છમાં અંજાર (પૂર્વ) અને ભુજ (પશ્ચિમ) એમ બે વહીવટી વિભાગો બનાવવામાં આવ્યા છે.
ખાનગી શાળાઓની સતત વધતી સંખ્યાને કારણે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ પર કામનું ભારણ નોંધપાત્ર રીતે વધી ગયું હતું. પરિણામે ફાઇલોનો નિકાલ અને વહીવટી કામગીરીમાં વિલંબ થતો હતો. નવી કચેરીઓ કાર્યરત થતાં શાળા સંચાલકોને પણ કામગીરી માટે દૂર સુધી જવું નહીં પડે અને વહીવટી સેવાઓ વધુ ઝડપથી મળી શકશે.
અમદાવાદ શહેર પૂર્વ DEO કચેરી હેઠળ 1,242 શાળાઓ અને પશ્ચિમ DEO કચેરી હેઠળ 650 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરતમાં કુલ 1,779 શાળાઓમાંથી 378 શાળાઓ ગ્રામ્ય/પૂર્વ DEO કચેરી અને 1,401 શાળાઓ શહેર/પશ્ચિમ DEO કચેરી હેઠળ રહેશે. રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને કચ્છમાં પણ વિસ્તારવાર શાળાઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયને કારણે જિલ્લાકક્ષાની વહીવટી કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે, પેન્ડિંગ અરજીઓ અને ફાઇલોનો ઝડપથી નિકાલ થશે તેમજ શાળાઓ અને શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોના ઉકેલમાં પણ ઝડપ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:‘હિસાબ આપો નહીંતર ગ્રાન્ટ બંધ, અમદાવાદની 153 ગ્રાન્ટેડ શાળાઓને DEOની નોટિસ
આ પણ વાંચો:અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, 7.31 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મામલે DEOની કડક નોટિસ
આ પણ વાંચો:અમદાવાદમા સ્વેટરને લઈ દબાણ મુદ્દે 9 શાળાઓને DEOની નોટિસ
