New Delhi News/ અરવલ્લી હિલ્સ પર CJI સૂર્યકાંતના આકરા પ્રહાર, સમિતિને 2 મહિનામાં રિપોર્ટનો આદેશ

અરવલ્લી હિલ્સ (Aravalli Hills)ની વ્યાખ્યા અને તેના સંરક્ષણને લઈને ચાલી રહેલા મહત્વના કેસમાં સુપ્રીમ કોર્ટે અરવલ્લી હાઈ પાવર્ડ કમિટીની સમયમર્યાદા વધારવાની માગને ફગાવી દીધી છે.

Top Stories India
અરવલ્લી હિલ્સ (Aravalli Hills)ની વ્યાખ્યા અને તેના સંરક્ષણને લઈને ચાલી રહેલા મહત્વના કેસમાં સુપ્રીમ કોર્ટે અરવલ્લી હાઈ પાવર્ડ કમિટીની સમયમર્યાદા વધારવાની માગને ફગાવી દીધી છે

New Delhi News : અરવલ્લી હિલ્સ (Aravalli Hills)ની વ્યાખ્યા અને તેના સંરક્ષણને લઈને ચાલી રહેલા મહત્વના કેસમાં સુપ્રીમ કોર્ટે અરવલ્લી હાઈ પાવર્ડ કમિટીની સમયમર્યાદા વધારવાની માગને ફગાવી દીધી છે. સમિતિએ પોતાનો અંતિમ રિપોર્ટ રજૂ કરવા માટે 28 ફેબ્રુઆરી 2027 સુધીનો સમય માગ્યો હતો. જોકે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આ માગ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ટિપ્પણી કરી કે સમિતિએ એવી તારીખ માગી છે, જે તેમની નિવૃત્તિ પછીની છે.

Aravalli Hills મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સમિતિને વધુ સમય આપવાનો ઇનકાર કર્યો છે. બેન્ચે સ્પષ્ટ કર્યું કે સમિતિએ હવે ઝડપથી કામગીરી પૂર્ણ કરીને 30 નવેમ્બર 2026 સુધીમાં પોતાનો અંતિમ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

સુપ્રીમ કોર્ટે સમિતિને ‘દિવસ-રાત કામ’ કરવાની સૂચના આપી છે. સાથે જ કોર્ટે ચેતવણી આપી કે જો સમિતિ નિર્ધારિત સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં સક્ષમ નહીં હોય તો તેનું પુનર્ગઠન કરવામાં આવી શકે છે.

‘મારી નિવૃત્તિ પછીની તારીખ કેમ માગી?’

સુનાવણી દરમિયાન સમિતિ દ્વારા 28 ફેબ્રુઆરી 2027 સુધી સમય માગવામાં આવતા CJI સૂર્યકાંતે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે સમિતિએ એવી તારીખ માગી છે જે તેમની નિવૃત્તિ બાદ આવે છે. જો સમિતિ નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ કરવામાં સક્ષમ નહીં હોય તો બીજી સમિતિ રચવાની અથવા હાલની સમિતિનું પુનર્ગઠન કરવાની શક્યતા પણ કોર્ટે વ્યક્ત કરી.

Aravalli Committee પાસેથી હવે 30 નવેમ્બર સુધી રિપોર્ટ

અરવલ્લી હિલ્સની વ્યાખ્યા માત્ર ભૌગોલિક મુદ્દો નથી, પરંતુ પર્યાવરણ, ખનન, વિકાસ અને સ્થાનિક સમુદાયોના હિત સાથે સીધી રીતે જોડાયેલો મામલો છે. આ કારણે સુપ્રીમ કોર્ટે સમિતિને વિવિધ હિતધારકો સાથે ચર્ચા કરીને વ્યાપક અભ્યાસ કરવા કહ્યું છે.

સમિતિએ રાજસ્થાન અને ગુજરાતના આદિવાસી સમુદાયો સહિત સંબંધિત તમામ હિતધારકોના મંતવ્યો સાંભળવાના રહેશે. જરૂર જણાય તો ચોક્કસ મુદ્દાઓ અંગે વચગાળાનો રિપોર્ટ પણ રજૂ કરી શકાય છે.

વિવાદ શું છે?

અરવલ્લી પર્વતમાળા (Aravalli Hills)ની કાયદેસર વ્યાખ્યાને લઈને અગાઉ 100 મીટરની ઊંચાઈના માપદંડને લઈને વિવાદ સર્જાયો હતો. પર્યાવરણ નિષ્ણાતો અને અન્ય પક્ષોએ દલીલ કરી હતી કે માત્ર ઊંચાઈના માપદંડથી અરવલ્લીના સમગ્ર ઇકોલોજિકલ લેન્ડસ્કેપનું યોગ્ય રીતે રક્ષણ થઈ શકે નહીં.

હાલની હાઈ પાવર્ડ કમિટી અરવલ્લીને એક સમગ્ર ઇકોલોજિકલ લેન્ડસ્કેપ તરીકે જોવાની દિશામાં અભ્યાસ કરી રહી છે. તેમાં પર્વતો ઉપરાંત જંગલો, પાણીના સ્ત્રોતો, ભૂગર્ભજળ રિચાર્જ વિસ્તાર, વન્યજીવ હેબિટેટ અને સ્થાનિક વસાહતો જેવા પરિબળોનો સમાવેશ થાય છે.

અરવલ્લી કેસની આગામી સુનાવણી 2 ડિસેમ્બરે

સુપ્રીમ કોર્ટે હવે સમિતિ માટે 30 નવેમ્બર 2026ની અંતિમ સમયમર્યાદા નક્કી કરી છે. આ કેસની આગામી સુનાવણી 2 ડિસેમ્બર 2026ના રોજ થશે. તે સમયે સમિતિનો રિપોર્ટ અને અરવલ્લી હિલ્સની વ્યાખ્યા અંગે આગળની કાર્યવાહી અંગે ચર્ચા થઈ શકે છે.

CJI સૂર્યકાંત ક્યારે નિવૃત્ત થશે?

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાત 9 ફેબ્રુઆરી 2027ના રોજ નિવૃત્ત થવાના છે. તેમણે 24 નવેમ્બર 2025ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદભાર સંભાળ્યો હતો. તેથી સમિતિ દ્વારા માગવામાં આવેલી 28 ફેબ્રુઆરી 2027ની સમયમર્યાદા તેમની નિવૃત્તિ બાદની હતી.

અરવલ્લી હિલ્સ અંગે સુપ્રીમ કોર્ટનો આગામી નિર્ણય પર્યાવરણ સંરક્ષણ, ખનન પ્રવૃત્તિ અને અરવલ્લી વિસ્તાર સાથે જોડાયેલા સ્થાનિક સમુદાયોના હિત માટે મહત્વપૂર્ણ બની શકે છે.


આ પણ વાંચો : અરવલ્લી પર્વતમાળા છે રાજસ્થાનનું ‘જુરાસિક પાર્ક’! જ્યાં હજારો વર્ષ પહેલાં ફરતા હતા ડાયનાસોર, જાણો

આ પણ વાંચો : અરવલ્લી પર્વતમાળા અંગે સુપ્રીમ કોર્ટનો આદેશ

આ પણ વાંચો : અરવલ્લી ફક્ત પર્વતમાળા નહીં ભારતની પ્રાકૃતિક સંરક્ષણ દીવાલ