Gujarat Weather News: ગુજરાતમાં વરસાદનો (Gujarat Rain ) બીજો રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલે શ્રાવણ મહિનાની સમાપ્તિ સાથે જ વરસાદ સમગ્ર ગુજરાતમાં ત્રાટક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદના આગમનથી સુરત, ભરૂચ, નવસારી, તાપી, વલસાડ, ડાંગ જીલ્લો વરસાદમાં સંપૂર્ણ ભીંજાઈ ગયો હતો. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગામી 5 દિવસ ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. IMDના આંકડા મુજબ 2024માં સરેરાશ 39.27 ઈંચ વરસાદ વરસ્યો છે. આજથી 9 સપ્ટેમ્બર સુધી મેઘરાજાનો કહેર રહેશે.

હવામાન નિષ્ણાતોના અનુસાર રાજ્યમાં હાલ એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જીલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ડીપ ડિપ્રેશન, શિયર ટ્રફ, મોનસૂન ટ્રફ અને શિયર ઝોન સિસ્ટમ એક્ટિવ થતા ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યારે 10 નદીઓ અને 132 જળાશયોમાં પાણી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. 206 જળાશયો સંપૂર્ણ ભરાઈ ચુક્યા છે. ભરૂચ, નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદમાં ભારે વરસાદને લઈ ચેતવણી આપી છે.

દેશમાં બંગાળની ખાડી નજીક ડિપ્રેશન સર્જાતા પશ્ચિમ ભારતમાં વરસાદની વધુ શક્યતા રહેલી છે. ચાર સિસ્ટમને કારણે ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ અપાયું છે. ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, અમરેલી, રાજકોટમાં યલો એલર્ટ, 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારીમાં ઓરેન્જ એલર્ટ અને મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ અપાયું છે.

4 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 5સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું છે. 6 સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટશે જેથી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. 7 સપ્ટેમ્બરે નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું છે. ડિપ્રેશ ગુજરાત આવતા આજે સુરત, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે.
ગઈકાલે 24 કલાકમાં જાણો કેટલો વરસાદ નોંધાયો
| જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
| ભરૂચ | વાલિયા | 11.69 |
| તાપી | સોનગઢ | 10.00 |
| તાપી | વ્યારા | 8.98 |
| સુરત | માંગરોળ | 7.76 |
| ડાંગ | વાઘાઈ | 7.68 |
| ભરૂચ | ભરૂચ | 7.28 |
| નર્મદા | તિલકવાડા | 6.97 |
| તાપી | ઉચ્છલ | 6.93 |
| તાપી | ડોલવણ | 6.73 |
| ખેડા | નડિયાદ | 6.69 |
| નવસારી | વાંસડા | 6.54 |
| ડાંગ | સુબીર | 6.50 |
| મહીસાગર | લુણાવાડા | 5.47 |
| ખેડા | કપડવંજ | 4.96 |
| પંચમહાલ | મોરવા (હડફ) | 4.80 |
| વડોદરા | કરજણ | 4.76 |
| સાબરકાંઠા | પ્રાંતિજ | 4.57 |
| નર્મદા | નાંદોદ | 4.49 |
| ડાંગ | ડાંગ-આહવા | 4.45 |
| ખેડા | કાથલાલ | 4.45 |
આ પણ વાંચો:Gujarat Rain Live: રાજ્યમાં મેઘરાજાનો કહેર, વરસાદથી નહીં મળે રાહત!
આ પણ વાંચો:Gujarat Rain Live: સુરતમાં ઓલણ નદીમાં પૂર આવ્યું, દક્ષિણ ગુજરાત થઈ જાઓ સતર્ક
આ પણ વાંચો:અમદાવાદમાં 1 કલ્લાકમાં પડ્યો દોઢ ઇંચ વરસાદ
