Gandhinagar News : વિધાનસભા ગૃહમાં સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું જે છેલ્લા એક વર્ષમાં દાહોદ જિલ્લાની આદિજાતિ વિસ્તારની ૩ બજાર સમિતિઓને રાજ્ય સરકાર દ્વારા સહાય મંજૂર કરવામાં આવી છે.દિવસે વીજળીને લઈ ગૃહમાં ઉર્જામંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, દિવસે વીજળી માટે માત્ર 3 ટકા કનેક્શનો બાકી, ‘3થી 4 મહિનામાં બાકી કનેક્શનને વીજળી મળી શકશે’
બજાર સમિતિઓની વિગતવાર માહિતી આપતા મંત્રીએ કહ્યું કે બજાર સમિતિઓની છેલ્લા ૩ વર્ષની વાર્ષિક આવકના આધારે ‘અ’, ‘બ’, ‘ક’ અને ‘ડ’ એમ 4 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. આ અંતર્ગત જે બજાર સમિતીની છેલ્લા 3 વર્ષની વાર્ષિક આવક રૂ. 1 કરોડથી ઉપર હોય તે બજાર સમિતિને ‘અ’ વર્ગમાં,રૂ. 75 લાખથી રૂ. 1 કરોડ સુધી હોય તેમને ‘બ’ વર્ગમાં રૂ. 50 લાખ થી રૂ. 75 લાખ સુધી હોય તેમને ‘ક’ વર્ગમાં અને જે બજાર સમિતિની છેલ્લા ૩ વર્ષની વાર્ષિક આવક રૂ. 50 લાખથી ઓછી હોય તે બજાર સમિતિને ‘ડ’ વર્ગમાં વર્ગીકૃત કરવમાં આવે છે.
મંત્રીએ જણાવ્યું કે બજાર સમિતિઓને તેમના વર્ગના આધારે વિવિધ યોજનાઓમાં સહાય ચુકવવામાં આવે છે. કિસાન કલ્પવૃક્ષ યોજનામાં આદિજાતી વિસ્તારની ‘અ’ અને ‘બ’ વર્ગની બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના 50 % મુજબ તેમજ ‘ક’ અને ‘ડ’ વર્ગની બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના 75 % મુજબ સહાય ચુકવવામાં આવે છે. આ ઉપરાંત બજાર સમિતિઓને આધુનિક સગવડો ઉભી કરવા માટે તમામ વર્ગની બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના 100 % મુજબ રૂ. 50 લાખની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે.
વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે રાજ્યની બજાર સમિતિઓ તેમજ તાલુકા-જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોમાં મોટા કદના વેરહાઉસ ગોડાઉનની સુવિધા ઉભી કરવા માટે તમામ વર્ગની બજાર સમિતિઓને 5000 મે.ટન સુધીના ગોડાઉન બનાવવા માટે રૂ. 6,500 પ્રતિ મેટ્રિક ટન મુજબ પ્રોજેક્ટ કોસ્ટના 50 % સહાય ચુકવવામાં આવે છે.
રાજ્યની બજાર સમિતિઓમાં પ્રોસેસિંગ યુનિટ માટે સહાય આપવાની યોજના અંતર્ગત ‘અ’ અને ‘બ’ વર્ગની બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના 25 % લેખે મહત્તમ રૂ. 1.50 કરોડની મર્યાદામાં તેમજ ‘ક’ અને ‘ડ’ વર્ગની બજાર સમિતીઓને પ્રોજેક્ટ કોસ્ટના 50 % લેખે મહત્તમ રૂ. 1.50 કરોડની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યની બજાર સમિતિઓમાં રીટેઇલ આઉટલેટ-કૃષિ મોલ બાંધકામ માટે ‘અ’ અને ‘બ’ વર્ગની બજાર સમિતીઓને પ્રોજેક્ટ કોસ્ટના 50 % લેખે મહત્તમ રૂ. 2.00 કરોડની મર્યાદામાં તેમજ ‘ક’ અને ‘ડ’ વર્ગ માટે પ્રોજેક્ટ કોસ્ટના 90 % લેખે મહત્તમ રૂ. 2 કરોડની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ‘રાજ્યના વીજગ્રાહકોને કુલ 2004 કરોડ રૂપિયાની રાહત વર્ષ-2024 દરમિયાન અપાઈ’; ઊર્જામંત્રી કનુ દેસાઈ