World News: અમેરિકાએ ઈરાનમાં સૈન્ય કાર્યવાહી વધુ તેજ કરતાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચાબહાર બંદર પર હુમલો કર્યો હોવાના અહેવાલો બાદ ભારતની ચિંતા વધી છે. ભારત માટે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પાકિસ્તાનને બાયપાસ કરીને પહોંચવાનો મહત્વપૂર્ણ વેપાર અને વ્યૂહાત્મક માર્ગ છે. આ હુમલાથી ભારતના લાંબા ગાળાના રોકાણ, વેપાર માર્ગો અને પ્રાદેશિક વ્યૂહરચના પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચાબહાર બંદર (Chabahar Port)પર હુમલાથી ભારતની ચિંતા વધી
અમેરિકાએ ઈરાન (Iran)માં સૈન્ય કાર્યવાહી દરમિયાન ચાબહાર બંદર વિસ્તારને નિશાન બનાવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા બાદ ભારતની વ્યૂહાત્મક ચિંતાઓ વધી છે.
ચાબહાર બંદર ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું છે અને તે પાકિસ્તાનના ગ્વાદર બંદરથી આશરે 170 કિલોમીટર દૂર આવેલું છે. ભારતે છેલ્લા ઘણા વર્ષોથી આ બંદરને દક્ષિણ એશિયા, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાને જોડતા મહત્વપૂર્ણ વેપાર માર્ગ તરીકે વિકસાવવાનો પ્રયાસ કર્યો છે.
ભારત માટે ચાબહાર કેમ મહત્વપૂર્ણ?

ચાબહાર બંદર ભારત (India)ને પાકિસ્તાનની ભૂમિનો ઉપયોગ કર્યા વગર અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સીધો વેપારી માર્ગ આપે છે. આ બંદર આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (INSTC)નો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ભારત માટે આ પ્રોજેક્ટ માત્ર વેપાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે વ્યૂહાત્મક અને ભૂરાજકીય દૃષ્ટિએ પણ અત્યંત મહત્વનો છે. આ બંદર દ્વારા ભારત પોતાની પ્રાદેશિક હાજરી મજબૂત કરવા માંગે છે.
રોકાણ અને સંચાલન પર પડી શકે અસર
ભારતે ચાબહાર બંદરના વિકાસ માટે કરોડો ડોલરનું રોકાણ કર્યું છે. વર્ષ 2024માં ભારત અને ઈરાન વચ્ચે શાહિદ બેહેશ્તી ટર્મિનલના સંચાલન માટે 10 વર્ષનો કરાર પણ કરવામાં આવ્યો હતો. જોકે અમેરિકાના પ્રતિબંધો અને હાલની તંગ પરિસ્થિતિને કારણે ભારતે કેટલાક સંચાલકીય હિતો સ્થાનિક ઈરાની કંપનીને સોંપ્યા છે. નવા હુમલાઓને કારણે ભવિષ્યમાં બંદર સંબંધિત કામગીરી અને રોકાણ પર અનિશ્ચિતતા વધી શકે છે.
અમેરિકાના હુમલાથી શું બદલાયું?
નિષ્ણાતોના મતે તાજેતરના હુમલાથી ભારતને તાત્કાલિક ઓપરેશનલ નુકસાન કરતાં વધુ વ્યૂહાત્મક નુકસાન થવાની શક્યતા છે. ચાબહાર પ્રોજેક્ટ લાંબા સમય સુધી ભૂરાજકીય અનિશ્ચિતતામાં ફસાઈ શકે છે, જેના કારણે ભારતના વેપાર માર્ગો અને પ્રાદેશિક યોજનાઓ પર અસર પડી શકે છે. આ ઉપરાંત, રોકાણકારો માટે પણ જોખમનું સ્તર વધી શકે છે.
પાકિસ્તાન કેમ ખુશ છે?
ચાબહાર બંદરનો વિકાસ થવાથી પાકિસ્તાન (Pakistan)ના ગ્વાદર બંદરનું વ્યૂહાત્મક મહત્વ ઘટી શકે તેમ હતું. ગ્વાદર બંદર ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)નો મહત્વપૂર્ણ ભાગ છે. જો ચાબહાર સંપૂર્ણ રીતે વિકસે તો ભારતને વૈકલ્પિક વેપાર માર્ગ મળવાથી પાકિસ્તાન (Pakistan)અને ચીન (Chaina)ના પ્રાદેશિક પ્રભાવને પડકાર મળી શકે. હાલની પરિસ્થિતિમાં ચાબહાર પ્રોજેક્ટ ધીમો પડવાની શક્યતા હોવાથી પાકિસ્તાન માટે તેને વ્યૂહાત્મક લાભ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આગળ ભારત માટે શું પડકાર?
ભારત માટે હવે સૌથી મોટો પડકાર ચાબહાર પ્રોજેક્ટમાં લાંબા ગાળાના હિતો જાળવી રાખવાનો રહેશે. જો ઈરાનમાં તણાવ લાંબો સમય ચાલુ રહે અથવા પ્રતિબંધો વધુ કડક બને તો ભારતને વેપાર અને કનેક્ટિવિટીના નવા વિકલ્પો શોધવા પડી શકે છે. સાથે જ ભારતને પોતાના રોકાણની સુરક્ષા, વેપાર માર્ગોની સ્થિરતા અને ભૂરાજકીય સંતુલન જાળવવા માટે રાજદ્વારી સ્તરે વધુ સક્રિય બનવું પડશે. ચાબહાર ભારતની ‘કનેક્ટ સેન્ટ્રલ એશિયા’ નીતિનો મહત્વપૂર્ણ ભાગ હોવાથી તેની સ્થિરતા ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની રહેશે.
આ પણ વાંચો:અમેરિકાએ ચાબહાર બંદર સહિત 90 સ્થળો પર બોમ્બમારો કર્યો, 3 લોકોના મોત; ઈરાને બદલો લીધો
આ પણ વાંચો:અમેરિકાએ ઈરાન પર કર્યા હવાઈ હુમલા, ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની પુષ્ટિ કરી
આ પણ વાંચો:યુદ્ધવિરામ વચ્ચે ફરી ભડક્યું અમેરિકા-ઈરાન તણાવ, અમેરિકાના હવાઈ હુમલા બાદ ઈરાને લીધો જવાબી એક્શન
