Surat News : સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી શાલીગ્રામ સ્ટેટ્સ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રસાદના બહાને ઝેર(Poison) આપી પરિવારને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આ કેસમાં પડોશી મહિલા જ આરોપી હોવાનું બહાર આવ્યું છે.
પ્રસાદ (Prasad)સમજીને ઘરમાં લઈ ગયા હતા
ઘટના 10 એપ્રિલની છે. ગોરધનભાઈ ડોંડા જ્યારે બપોરે ઘરે પરત ફર્યા ત્યારે તેમના ફ્લેટના દરવાજા પાસે એક થેલી મળી આવી હતી. થેલીમાં બુંદીના લાડુ હતા, જેને તેમણે પ્રસાદ (Prasad)સમજીને ઘરમાં લઈ ગયા હતા. ગોરધનભાઈ અને તેમની પુત્રવધુએ લાડુ ખાધા બાદ થોડા જ સમયમાં તેમને ચક્કર, ઉલ્ટી અને બેભાન થવા જેવી ગંભીર અસર થઈ હતી.
પરિસ્થિતિ ગંભીર બનતા બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તબીબોને શંકા જતા બચેલા લાડુની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં લાડુની અંદર અનાજમાં વપરાતી ઝેરની ગોળીઓ મળી આવતા હકીકત બહાર આવી હતી. ઝેરની અસરને કારણે ગોરધનભાઈની સ્થિતિ નાજુક બની ગઈ હતી અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

ઘટનાને લઈને પરિવારજનોએ શરૂઆતથી જ પડોશી મહિલા પર શંકા વ્યક્ત કરી હતી, જે તપાસમાં સાચી નીકળી. પોલીસે ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી સામે BNS કલમ 123 હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રાથમિક તપાસ મુજબ આરોપી મહિલાને શંકા હતી કે તેની દીકરી ઘરેથી ભાગી જવામાં આ પરિવારનો હાથ હતો. આ વેરઝેરને કારણે તેણે પ્રસાદ(Prasad)માં ઝેર ભેળવી આખા પરિવારને નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર રચ્યું હતું.
હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ વિસ્તારના રહેવાસીઓમાં ભય અને અવિશ્વાસનું વાતાવરણ ઉભું કર્યું છે.