Ahmedabad News : અમદાવાદમાં રિક્ષાચાલક (Auto Rickshaw)યુનિયનો દ્વારા ‘રોજીરોટી બચાવો’ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન એપ્લિકેશન મારફતે રિક્ષાચાલકોને સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાડા કરતાં ઓછું ભાડું મળતું હોવાનો આક્ષેપ કરી યુનિયનોએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે. આ ઉપરાંત સફેદ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલરનો વ્યવસાયિક ઉપયોગ બંધ કરવાની પણ માંગ કરવામાં આવી છે.
27 ઓગસ્ટથી આંદોલનની શરૂઆત
અમદાવાદ રીક્ષા (Auto Rickshaw) ચાલક એકતા સહિત વિવિધ યુનિયનોની બેઠક બાદ પાંચ દિવસ સુધી અલગ-અલગ કાર્યક્રમો યોજવાનો નિર્ણય લેવાયો છે. યુનિયનના જણાવ્યા મુજબ, 27 ઓગસ્ટથી ટ્રાન્સપોર્ટ કમિશનરને આવેદનપત્ર આપી આંદોલનની શરૂઆત કરવામાં આવશે.
રિક્ષાચાલકોનું કહેવું છે કે ઓનલાઈન એપ્લિકેશન કંપનીઓ દ્વારા તેમના માટે યોગ્ય ભાડું નક્કી કરવામાં આવતું નથી. આ મુદ્દે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા હવે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.
સરકારનું ભાડું ₹20, એપ પર માત્ર ₹10થી ₹12નો આક્ષેપ
રિક્ષાચાલક યુનિયનોના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા રિક્ષા માટે પ્રતિ કિલોમીટર ₹20 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જોકે, ઓનલાઈન એપ્લિકેશન મારફતે બુકિંગ મળતી વખતે રિક્ષાચાલકોને પ્રતિ કિલોમીટર આશરે ₹10થી ₹12 જેટલું જ ભાડું મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
યુનિયનોનું કહેવું છે કે સીએનજીના વધતા ભાવ (CNG Price)અને અન્ય ખર્ચને કારણે રિક્ષા ચલાવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાડા પ્રમાણે ચુકવણી થવી જરૂરી છે.
Ola, Uber, Rapido અને Bharat Taxi સામે રોષ
રિક્ષાચાલક સંગઠનોએ Ola, Uber, Rapido અને Bharat Taxi જેવી ઓનલાઈન એપ આધારિત સેવાઓ પર રિક્ષાચાલકોને ઓછું ભાડું મળતું હોવાનો આક્ષેપ કર્યો છે.
યુનિયનના આગેવાનોના જણાવ્યા મુજબ પેસેન્જર સરકાર દ્વારા નક્કી કરેલું ભાડું ચૂકવવા તૈયાર હોય છે, પરંતુ એપ કંપનીઓ દ્વારા રિક્ષાચાલકોને મળતી રકમ ઓછી હોવાથી ડ્રાઈવરોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
ગેરકાયદે ટુ-વ્હીલર સામે પણ કાર્યવાહી કરવાની માંગ
આંદોલનનું બીજું મુખ્ય કારણ સફેદ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલરનો વ્યવસાયિક ઉપયોગ હોવાનું યુનિયનોએ જણાવ્યું છે. રિક્ષાચાલકોના જણાવ્યા મુજબ આવા વાહનો સામે નિયમો હોવા છતાં તેઓ મુસાફરોને સેવા આપી રહ્યા છે.
યુનિયનોની માંગ છે કે નિયમોનું ઉલ્લંઘન કરતા આવા ટુ-વ્હીલર સામે કાર્યવાહી કરવામાં આવે અને રિક્ષાચાલકોને નિયમ મુજબ વ્યવસાય કરવાની તક આપવામાં આવે.
અમદાવાદથી ગાંધીનગર સુધી રેલી
રિક્ષાચાલક યુનિયન દ્વારા આગામી 11 સપ્ટેમ્બરે અમદાવાદથી ગાંધીનગર સુધી રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ રેલી દરમિયાન સરકાર સમક્ષ રિક્ષાચાલકોની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવશે.
આ ઉપરાંત ઓનલાઈન એપ્લિકેશનના બહિષ્કાર અંગેના પોસ્ટરો પણ રિક્ષાઓ પર લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ત્રણ દિવસની ભૂખ હડતાલની જાહેરાત
યુનિયનના જણાવ્યા પ્રમાણે 15, 16 અને 17 સપ્ટેમ્બરે ત્રણ દિવસ સુધી ભૂખ હડતાલ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સરકાર અને સંબંધિત વિભાગો સમક્ષ પોતાની માંગણીઓ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવશે.
રિક્ષાચાલક સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે આંદોલન દરમિયાન લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરવામાં આવશે.
માંગ નહીં સ્વીકારાય તો 21 સપ્ટેમ્બરથી બંધ
યુનિયનના જણાવ્યા પ્રમાણે જો સરકાર દ્વારા તેમની માંગણીઓનો ઉકેલ નહીં લાવવામાં આવે તો 21 સપ્ટેમ્બરથી રિક્ષા બંધનું (Rickshaw Strike)એલાન આપવામાં આવી શકે છે.
રિક્ષાચાલકોની મુખ્ય માંગ છે કે ઓનલાઈન એપ્લિકેશન પર પણ સરકાર દ્વારા નક્કી કરાયેલ ₹20 પ્રતિ કિલોમીટરનું ભાડું અમલમાં મૂકવામાં આવે અને ગેરકાયદેસર રીતે ચાલતા ટુ-વ્હીલર સામે કાર્યવાહી કરવામાં આવે.
