Ahmedabad News : અમદાવાદમાં જૂન મહિનામાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ અમેરિકન વકીલ અને એવિએશન તેમજ લીગલ એક્સપર્ટ માઈક એન્ડ્રુઝે ક્રેશ સાઈટની મુલાકાત લીધી છે કાયદાકીય પ્રક્રિયા શરૂ થયા બાદ વકીલ પ્રથમ વખત ઘટનાસ્થળની મુલાકાતે છે. તેમની સાથે એવિએશન અને લીગલ ટીમ પણ ક્રેશ સાઈટ પર પહોંચી હતી. પીડિત પરિવારોએ બોઈંગ કંપની સામે યુએસની ફેડરલ કોર્ટમાં અરજી પણ કરી છે, જેને લઈને આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. માઈક એન્ડ્રુઝે પ્લેન ક્રેશ સાઈટનું વિવિધ દ્રષ્ટિકોણથી નિરીક્ષણ કર્યું હતું.
આ સાથે તેઓ પ્લેશ ક્રેશમાં એકમાત્ર જીવિત વિશ્વાસને મળીને વિશેષ રિપોર્ટ તૈયાર કરશે.અમદાવાદ પ્લેન ક્રેશ મામલે બોઈંગ કંપની ઉપર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, જેના કારણે આ કેસ અમેરિકાની ફેડરલ કોર્ટમાં લઈ જવામાં આવ્યો છે.આ ઘટનામાં 80થી વધુ પરિવારો કાયદાકીય પ્રક્રિયામાં જોડાયા છે અને અમેરિકન એવિએશન એક્સપર્ટ માઈક એન્ડ્રુઝ આ કાયદાકીય લડાઈને આગળ લઈ જઈ રહ્યા છે. તેમણે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ વડોદરા, દીવ અને સુરતમાં પણ પીડિત પરિવારોની મુલાકાત લીધી છે. બોઈંગ વિમાનમાં થયેલી આ દુર્ઘટના અને અનેક લોકોના મૃત્યુને કારણે મૃત્યુ પામનાર લોકોના સ્વજનોને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે, જે કેસની મજબૂતાઈ નક્કી કરે છે.
પ્રાથમિક તપાસ અહેવાલમાં જણાવાયું હતું કે ઇંધણની સ્વીચ બંધ થવાને કારણે એન્જિન બંધ થઈ ગયા હતા અને પરિણામે વિમાન ઉડતાની સાથે જ ક્રેશ થયું હતું. કાયદાકીય લડાઈ આગળ વધી રહી છે ત્યારે માઈક એન્ડ્રુઝ, જેઓ એવિએશન એક્સપર્ટ અને કાયદાકીય જાણકાર છે, તેઓ કયા કયા મુદ્દાઓને લઈને કોર્ટમાં જવું અને શું શું ખામીઓ છે તે તૈયાર કરીને એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે. આ અહેવાલ તૈયાર કરવાની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, તેમણે ઘટનામાં જીવિત બચનાર એક વ્યક્તિને પણ મળીને વિશેષ રિપોર્ટ તૈયાર કરવાનું આયોજન કર્યું છે.માઈક એન્ડ્રુઝની ગુજરાત મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવે છે કારણ કે તે કેસને કોર્ટમાં મજબૂત બનાવશે.
તેમની આ મુલાકાત અને તેમના દ્વારા કરવામાં આવેલું નિરીક્ષણ આગામી કેસ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. પીડિત પરિવારોએ કરેલી અરજીને પણ આ મુલાકાતથી મોટું બળ મળી રહેશે. આ તમામ રિપોર્ટના આધારે સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચાડવામાં આવશે અને કાયદાકીય પ્રક્રિયા બાદની આ પહેલી મુલાકાત વિવિધ દ્રષ્ટિકોણથી ઘટનાને જોવા અને ફાઈન્ડિંગ્સ મેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોએ બોઇંગ કંપની સામે બાંયો ચડાવી છે. આ પરિવારોએ ભેગા થઇને દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર બોઇંગ સામે અમેરિકાની કોર્ટમાં કેસ કર્યો છે. આ માટે તેમણે અમેરિકાના નિષ્ણાત વકીલ માઇક એન્ડ્રુઝને રોકી પણ લીધા છે. આ પરિવારોએ દુર્ઘટનાની તપાસ સામે સવાલ ઉઠાવ્યો છે.
પીડિત પરિવારોની માગ છે કે કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો રો ડેટા તેમને આપવામાં આવે, જેથી તેઓ સ્વતંત્ર રીતે તપાસ કરાવી શકે.પીડિત પરિવારોએ કેસ લડવા માટે જે અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝને રોક્યા છે તેઓ ગંભીર ઇજા અને અકુદરતી મૃત્યુના કેસ લડવામાં નિષ્ણાત છે અને ખામીયુક્ત એરક્રાફ્ટ, ટ્રક અને કાર બનાવનારી કંપની સામે કેસ લડી ચૂક્યા છે, જેમાં ફોર્ડ અને વેક્સવેગન કંપની વિરુદ્ધના કેસો પણ સામેલ છે.અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના મૃતકોનાં પરિવારજનો તથા ઇજાગ્રસ્તોને મદદ કરવા ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે 18 જુલાઈ, 2025ના રોજ 500 કરોડ રૂપિયાના કલ્યાણ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. આ ટ્રસ્ટનું નામ ‘AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ’ રાખવામાં આવ્યું છે અને એ મુંબઈમાં નોંધાયેલું છે.
ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ બંનેએ આ ટ્રસ્ટમાં 250-250 કરોડનું યોગદાન આપશે. આ ફંડમાંથી મૃતકોના પરિવારોને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં, લાંબા સમય સુધી સહયોગ કરવામાં આવશે. આ સાથે અકસ્માતમાં નુકસાન પામેલા બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ(અતુલ્યમ)નું સમારકામ અને રિનોવેશન કરવામાં પણ મદદ કરશે.
આ પણ વાંચો:11Aનું રહસ્ય: થાઈ એરવેઝ અને એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરનો જીવ બચવો એ સંયોગ કે હકીકત?
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: ઝડપથી મૃતદેહો પરિવારને મળે તેવા પ્રયત્ન ચાલુ: હર્ષ સંઘવી
આ પણ વાંચો:એર ઈન્ડિયા પાસે બોઈંગનાં 26 વિમાન, ભારતમાં બોઈંગ 787-8 ડ્રીમલાઇનરની શું છે સ્થિતિ?
