New Delhi News : દેશભરમાં બેંકિંગ સેવાઓને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. આ નિર્ણય 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન પ્રસ્તાવિત ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ (Bank Strike)ને ધ્યાનમાં રાખીને લેવાયો છે. 27 સપ્ટેમ્બર 2026ના રવિવારે જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો સામાન્ય રીતે કાર્યરત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
રવિવારે બેંક શાખાઓમાં કામકાજ
નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગ્રાહકોની જરૂરી બેંકિંગ કામગીરીને લાંબા સમય સુધી અસર ન થાય તે માટે 27 સપ્ટેમ્બરે બેંકિંગ વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે. RBI તરફથી શાખાઓ, કચેરીઓ, ATM સાથે જોડાયેલી શાખાઓ અને કરન્સી ચેસ્ટ્સને કાર્યરત રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ હડતાળ (Bank Strike)પહેલાં ગ્રાહકોને તેમના જરૂરી બેંકિંગ કામ પૂર્ણ કરવાની તક આપવાનો છે.
28થી 30 સપ્ટેમ્બર હડતાળનું એલાન
યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 28, 29 અને 30 સપ્ટેમ્બરે ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. હડતાળનું મુખ્ય કારણ બેંકિંગ ક્ષેત્રમાં પાંચ દિવસનું કાર્ય (Five Day Banking)સપ્તાહ લાગુ કરવાની માંગ છે. UFBUનું કહેવું છે કે માર્ચ 2024ના કરાર બાદ પણ આ મુદ્દે અંતિમ અમલ થયો નથી.
તાજેતરની ચર્ચાઓમાં સરકાર અને બેંક મેનેજમેન્ટ તરફથી હડતાળ મુલતવી રાખવા અપીલ કરવામાં આવી હતી. જોકે, યુનિયનોએ નક્કર સમયમર્યાદા અથવા નિર્ણય ન મળ્યો હોવાનું જણાવી હડતાળ આગળ વધારવાનો નિર્ણય લીધો છે.
ગ્રાહકોના કયા કામમાં મુશ્કેલી આવી શકે?
હડતાળ દરમિયાન બેંક શાખાઓ સાથે સંકળાયેલી કેટલીક કામગીરી પ્રભાવિત થઈ શકે છે. ખાસ કરીને રોકડ જમા કરાવવી કે ઉપાડવી, ચેક ક્લિયરન્સ, દસ્તાવેજ આધારિત કામ અને શાખામાં રૂબરૂ થતી અન્ય સેવાઓમાં વિલંબ થઈ શકે છે.
બીજી તરફ, ATM, UPI, મોબાઇલ બેંકિંગ અને ઇન્ટરનેટ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ઉપલબ્ધ રહેવાની અપેક્ષા છે. તેથી ગ્રાહકોએ હડતાળ પહેલાં જરૂરી રોકડ વ્યવસ્થા, ચેક સંબંધિત કામ અને અન્ય શાખા આધારિત કામગીરી શક્ય હોય તેટલી વહેલી પૂર્ણ કરવી યોગ્ય રહેશે.
5-ડે બેંકિંગની માંગ શું છે?
હાલની વ્યવસ્થામાં મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે બેંકોમાં કામકાજ થાય છે, જ્યારે બીજા અને ચોથા શનિવારે રજા રહે છે. બેંક કર્મચારી સંગઠનો તમામ શનિવારે રજા રાખીને સોમવારથી શુક્રવાર સુધી પાંચ દિવસ કામ કરવાની વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે.
UFBUના જણાવ્યા મુજબ પાંચ દિવસનું બેંકિંગ અગાઉના વેતન કરાર સાથે જોડાયેલી ચર્ચાઓમાં સામેલ રહ્યું છે અને સરકાર સમક્ષ આ મુદ્દો હજુ વિચારાધીન છે.
ગ્રાહકો માટે તારીખવાર સમજવું જરૂરી
- 26 સપ્ટેમ્બર: શનિવારની બેંક રજા
- 27 સપ્ટેમ્બર: બેંકો સામાન્ય રીતે ખુલ્લી રહેશે
- 28 સપ્ટેમ્બર: હડતાળનો પ્રથમ દિવસ
- 29 સપ્ટેમ્બર: હડતાળનો બીજો દિવસ
- 30 સપ્ટેમ્બર: હડતાળનો ત્રીજો દિવસ
એટલે ગ્રાહકો માટે 27 સપ્ટેમ્બરનો રવિવાર ખાસ મહત્વનો બની ગયો છે. જો હડતાળ (Bank Strike)યથાવત્ રહે તો શાખા આધારિત કામકાજ માટે 27 સપ્ટેમ્બરે મળતી વધારાની તકનો ઉપયોગ કરી શકાય છે.
