Ahmedabad News: ગુજરાતમાં દારૂબંધી વચ્ચે અમદાવાદ અને બાવળા પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ઝોન-2 DCPની ટીમે ગોડાઉન પર દરોડો પાડી 377 પેટી વિદેશી દારૂ ઝડપી (Ahmedabad Liquor Seizure) પાડ્યો છે, જ્યારે બાવળા નજીક બગોદરા પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી 7,164 દારૂની બોટલો કબજે કરી છે.
Ahmedabad Liquor Seizure: સાબરમતીમાં ગોડાઉનમાંથી 377 પેટી વિદેશી દારૂ ઝડપાયો
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ઝોન-2 DCPની ટીમે બાતમીના આધારે એક ગોડાઉન પર કાર્યવાહી (Sabarmati Liquor Raid) કરી હતી. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી 377 પેટી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂ ઉપરાંત આઈસર ટ્રક, ટેમ્પો અને અન્ય સામાન સહિત કુલ રૂ.28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

માત્ર બે દિવસ પહેલાં જ ભાડે લેવાયું હતું ગોડાઉન
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો જથ્થો મળી આવ્યો તે ગોડાઉન માત્ર બે દિવસ પહેલાં જ ભાડે લેવામાં આવ્યું હતું. જેથી ગોડાઉનનો ઉપયોગ ખાસ દારૂના જથ્થાના સંગ્રહ માટે કરવામાં આવ્યો હતો કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે આ દારૂનો જથ્થો અમદાવાદમાં ઉતારીને સ્થાનિક સ્તરે સપ્લાય કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી.
બે મોબાઈલ કબજે, સપ્લાય ચેઇનની તપાસ શરૂ
આ કાર્યવાહીમાં પોલીસે બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. મોબાઈલ અને અન્ય પુરાવાના આધારે દારૂનો જથ્થો કોણે મોકલ્યો, કોને પહોંચાડવાનો હતો અને અમદાવાદમાં કોની મારફતે તેનો સપ્લાય થવાનો હતો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂ આપનાર અને લેનાર સહિત સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.

બગોદરા ટોલટેક્સ નજીક દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
બીજી તરફ અમદાવાદ જિલ્લાના બાવળા નજીક બગોદરા ટોલટેક્સ પાસે પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી (Bagodara Liquor Truck) મોટી કાર્યવાહી કરી છે. ટ્રકની તપાસ દરમિયાન 7,164 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે રૂ.26.81 લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો છે. પ્રાથમિક તપાસ મુજબ દારૂનો આ જથ્થો દમણથી જેતપુર લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે ટ્રક રોકી તપાસ કરતાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે ટ્રક સહિત કુલ રૂ.41.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ટ્રક ચાલકની અટકાયત, અન્ય આરોપીઓની શોધખોળ
બગોદરા પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ દારૂની હેરાફેરીમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસકર્મી જ બુટલેગર! વસ્ત્રાપુરમાં 313 દારૂની બોટલ સાથે કંટ્રોલ રૂમના કર્મચારીની ધરપકડ
આ પણ વાંચો: સુરતના ડુમસમાં ફાર્મ હાઉસ પર પોલીસ દરોડો, 8 મહિલા સહિત 22 લોકો કસ્ટડીમાં, રૂ.1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: રાજ્યમાં ભેળસેળિયાઓ પર તંત્રનો મોટો પ્રહાર! સુરત-ડીસામાંથી રૂ.35 લાખથી વધુનો શંકાસ્પદ ઘી-તેલનો જથ્થો જપ્ત
