Bharat Taxi Mobility Cooperative Gujarat: ભારતમાં જ્યારે પણ ‘સહકારિતા’ (Cooperative) શબ્દ સાંભળવા મળે ત્યારે સૌ પ્રથમ અમૂલની શ્વેત ક્રાંતિ નજર સમક્ષ આવી જાય છે. પરંતુ, હવે ગુજરાતની સડકો પર સહકારના સથવારે એક નવી ડિજિટલ ક્રાંતિ આકાર લઈ ચૂકી છે, જેનું નામ છે ‘ભારત ટેક્સી’. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરતું આ પ્લેટફોર્મ કોઈ ખાનગી કોર્પોરેટ કંપનીની ઍપ નથી, પરંતુ દેશના લાખો ડ્રાઈવરોના સ્વાભિમાનની ગાથા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરાયેલી આ ટેક્નોલોજીકલ પહેલ આજે વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ તરીકે ઊભરી આવી છે.

Bharat Taxi: ડ્રાઈવર્સ જ બન્યા સંસ્થાના સાચા માલિક
મોબિલિટી અને કેબ સેક્ટરમાં અત્યાર સુધી ખાનગી એગ્રીગેટર કંપનીઓ દ્વારા ડ્રાઇવરો પાસેથી ભારે કમિશન વસૂલવામાં આવતું હતું, જેનાથી તેમની કમાણી મર્યાદિત રહેતી હતી. જોકે, ‘ભારત ટેક્સી’એ આ પરંપરાગત કોર્પોરેટ મોડલને જ ધ્વસ્ત કરી નાખ્યું છે. આ પ્લેટફોર્મ ‘ડ્રાઇવર-ઓન્ડ મૉડલ’ (Driver-Owned Model) પર કામ કરે છે, જેમાં કોઈ વચેટિયા નથી.
ભારત ટેક્સીના ચૅરમૅન અને અમૂલના એમડી જયેન મહેતાએ જણાવ્યું હતું કે, આ મોડલમાં રાઇડની 100% કમાણી કોઈપણ પ્રકારની કપાત વિના સીધી ડ્રાઇવરોના ખાતામાં પહોંચે છે. આ પારદર્શક સિસ્ટમને કારણે આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા ડ્રાઇવર્સની માસિક આવકમાં 25% થી 30% નો ધરખમ વધારો નોંધાયો છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રેસિડેન્ટ અજય કુમાર ગુપ્તા અને ડ્રાઈવર પ્રવીણ ઠાકોરના જણાવ્યા મુજબ, માત્ર 12 કલાકની સરળ ડિજિટલ વેરિફિકેશન પ્રક્રિયા બાદ ડ્રાઈવરો આ આત્મનિર્ભર પરિવારનો હિસ્સો બની જાય છે.

મુસાફરોને સીધી 15% ની બચત
ખાનગી કેબ એપ્સમાં પીક અવર્સ દરમિયાન ડાયનેમિક પ્રાઇસિંગ (વધારે ભાડું) ને લીધે મુસાફરો ખિસ્સા કપાતા હોવાનો અનુભવ કરતા હોય છે. તેની સામે ભારત ટેક્સીએ ગ્રાહકો માટે એક સ્થિર, વાજબી અને સુચારુ ભાડાનું માળખું તૈયાર કર્યું છે. ગ્રાહકો પાસેથી અન્ય કંપનીઓના રૂ. 30 પ્રતિ કિલોમીટરની સરખામણીએ અહીં માત્ર રૂ. 17 થી 18 જેટલું વ્યાજબી ભાડું લેવામાં આવે છે. આ પારદર્શક વ્યવસ્થાને કારણે મુસાફરોને સરેરાશ 15% જેટલી આર્થિક બચત થઈ રહી છે. ચૂકવણી સીધી ડ્રાઈવરના ખાતામાં થતી હોવાથી ગ્રાહકો અને ચાલકો વચ્ચે કોઈ વિવાદ પણ રહેતો નથી.
અમદાવાદ-સુરત બાદ હવે વડોદરામાં એન્ટ્રી
દેશભરમાં 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ સક્રિય ડ્રાઇવરોના વિશાળ નેટવર્ક સાથે આ પ્લેટફોર્મ રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. એકલા ગુજરાતમાં જ 1 લાખથી વધુ ડ્રાઈવરો આ સહકારી ક્રાંતિનો હિસ્સો બન્યા છે. અમદાવાદ અને સુરતમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ હવે ભારત ટેક્સી ટૂંક સમયમાં વડોદરા શહેરમાં પોતાના ઓપરેશન શરૂ કરવા જઈ રહી છે. આ માટે આઈટી પાર્ક, એરપોર્ટ અને મોટી હાઉસીંગ સોસાયટીઓ જેવા હાઈ-ટ્રાફિક વિસ્તારોમાં ગ્રાહકો સાથે સીધા જોડાવા માટે વિશેષ પ્રચાર વ્યૂહરચના પણ અપનાવવામાં આવી રહી છે.
ગુજરાત પોલીસનું ‘સુરક્ષા કવચ’ અને ડિજિટલ સાક્ષરતા
માત્ર સસ્તી સવારી જ નહીં, પણ મુસાફરો અને ડ્રાઈવરોની સુરક્ષા માટે ભારત ટેક્સી એપ્લિકેશનમાં ગુજરાત પોલીસની લિંક સાથે સીધું SOS ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે, જે કોઈ પણ કટોકટીની સ્થિતિમાં રક્ષણ પૂરું પાડે છે. આ ઉપરાંત સેવાની ગુણવત્તા સુધારવા માટે 10,000થી વધુ ડ્રાઇવરોને સોફ્ટ સ્કિલ્સ, વ્યાવસાયિક વર્તન અને ડિજિટલ હેન્ડલિંગની ખાસ તાલીમ આપવામાં આવી છે. મેટ્રો રેલ, એરપોર્ટ ઓથોરિટી અને GSRTC (એસ.ટી. બસ) સાથે સંકલિત કરીને ‘ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ પણ વિકસાવવામાં આવી છે. એટલું જ નહીં, શ્રદ્ધાળુઓની સુવિધા માટે સોમનાથ અને દ્વારકા જેવા પવિત્ર ધામો માટે સ્પેશિયલ કનેક્ટિવિટી રૂટ શરૂ કરીને આ સંસ્થા જન-જનનો સાચો સારથિ બની રહી છે.
આ પણ વાંચો:CNG ભાવ વધારો: અમદાવાદમાં ₹83 પાર, રિક્ષાચાલકોનો ફાટી નીકળ્યો ગુસ્સો
આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇંધણ બચાવવા ડિજિટલ મીટિંગ કરશે
આ પણ વાંચો:અમદાવાદમાં નશાના કારોબાર પર પોલીસનો પ્રહાર, 317 કફ સીરપ બોટલ સાથે આરોપી ઝડપાયો
