Bhavnagar Police Mission Arogyam: રાત-દિવસ જોયા વિના તહેવારોમાં પણ પ્રજાની સુરક્ષા માટે ખડેપગે રહેતા પોલીસ જવાનો અને અધિકારીઓ ઘણીવાર પોતાના અને પરિવારના સ્વાસ્થ્યની અવગણના કરતા હોય છે. સતત દોડધામ અને માનસિક તણાવભરી નોકરી વચ્ચે જવાનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી ભાવનગર પોલીસે સમગ્ર રાજ્ય અને દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભાવનગર પોલીસ દ્વારા જવાનો અને તેમના પરિવારજનો માટે એક નવતર અભિગમ સાથે ‘મિશન આરોગ્યમ’ (Mission Arogyam) પ્રોજેક્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મિશનનો પ્રારંભ
આ શાનદાર પ્રોજેક્ટ ભાવનગર રેન્જ IG આઈ. વી. અસારીની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક (SP) નિતેશ પાંડેય સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક (ASP) ઘનશ્યામ ગૌતમ દ્વારા આ મિશનને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે.
આ મિશનનો મુખ્ય હેતુ માત્ર બીમારી થઈ ગયા પછી તેની સારવાર કરવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ ‘પ્રોએક્ટિવ પ્રિવેન્શન’ (બીમારી થતાં પહેલાં જ અટકાવવી) અને જવાનોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે.
ત્રણ તબક્કામાં ચાલશે ‘Mission Arogyam‘
નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલો આ પ્રોજેક્ટ મુખ્યત્વે ત્રણ તબક્કામાં કામ કરશે. પ્રથમ તબક્કા (શારીરિક સ્વાસ્થ્ય મેપિંગ) માં તમામ પોલીસ જવાનોનું સઘન ફિઝિકલ ચેકઅપ કરવામાં આવશે, જેમાં તેમના બ્લડ ટેસ્ટ, કિડની અને લીવરની તપાસ, તેમજ આંખની ઝીણવટભરી તપાસ સામેલ છે, જેથી ભવિષ્યમાં થનારી કોઈ મોટી બીમારીનું વહેલું નિદાન થઈ શકે. પોલીસની નોકરીમાં માનસિક તણાવ (Stress) ખૂબ હોય છે, તેથી બીજા તબક્કા (માનસિક સુખાકારી અને તણાવ મુક્તિ) માં જવાનોના મેન્ટલ હેલ્થ પર ધ્યાન કેન્દ્રિત કરાશે, જેમાં જવાનોને તણાવમુક્ત રાખવા માટે નિષ્ણાતો દ્વારા યોગા, ધ્યાન (મેડિટેશન) અને એન્ગર મેનેજમેન્ટ (ગુસ્સા પર કાબૂ) ના ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, માંદગી સમયે પરિવાર પર મોટો આર્થિક બોજ ન પડે તે માટે ત્રીજા તબક્કા (સંસ્થાકીય અને આર્થિક સુરક્ષા) માં તમામ પોલીસ પરિવારોની ‘આયુષ્માન ભારત યોજના’ (PMJAY) હેઠળ 100 ટકા નોંધણી સુનિશ્ચિત કરવામાં આવશે.
દેશવ્યાપી મિશન માટે ચીંધી રાહ
પોલીસ જવાનો શારીરિક રીતે ફિટ અને માનસિક રીતે શાંત હશે તો તેઓ પ્રજાની વધુ સારી રીતે સેવા કરી શકશે. ભાવનગર પોલીસનો આ સંકલ્પ અને નવતર અભિગમ અન્ય જિલ્લાઓ અને રાજ્યોની પોલીસ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.
આ પણ વાંચો: IPL ટિકિટ મુદ્દે ભાવનગર ભાજપમાં વિવાદ: કાર્યકરોમાં રોષ, વિધાનસભા સુધી ગાજ્યો મામલો
આ પણ વાંચો: ભાવનગરમાં SOGની મોટી કાર્યવાહી, 5 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ
આ પણ વાંચો: ભાવનગર સિવિલના સેવાભાવી ડૉ. ગણેશ બારૈયાનું ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પાનશેરીયા દ્વારા સન્માન
