Gujarat News/ ભાવનગર સિવિલના સેવાભાવી ડૉ. ગણેશ બારૈયાનું ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પાનશેરીયા દ્વારા સન્માન

જીવનમાં કોઈપણ નિષ્ફળતાથી ડરશો નહીં, ડૉ. ગણેશ બારૈયા (Dr. Ganesh Baraiya ) જેવા લડવૈયા બનો: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો યુવાપેઢીને પ્રેરણાદાયી સંદેશ

Gujarat Gandhinagar Top Stories
Dr. Ganesh Baraiya

Gujarat News: શારીરિક અક્ષમતાને મજબૂત મનોબળથી પરાસ્ત કરનાર ભાવનગર સિવિલ હોસ્પિટલના સેવાભાવી તબીબ ડૉ. ગણેશ બારૈયા (Dr. Ganesh Baraiya) નું આજે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ભાવસભાર સન્માન કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ યુવાપેઢીને પ્રેરણાદાયી સંદેશ આપતા કહ્યું હતું કે, જીવનમાં કોઈપણ નિષ્ફળતાથી ડરશો નહીં, ડૉ. ગણેશ જેવા લડવૈયા બનો. તેમણે ડૉ. ગણેશ શૈક્ષણિક સંઘર્ષગાથાને અભ્યાસ કરતાં ગુજરાતના યુવાનો માટે દીવાદાંડી સમાન ગણાવી હતી.

આરોગ્ય મંત્રી પાનશેરીયાએ વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના પ્રમાણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક દીકરી કે દીકરો આત્મહત્યા કરે ત્યારે મમ્મી-પપ્પાના સપના રોળાય છે. જેથી નિષ્ફળતામાં હતાશ થયા વિના અથાગ મહેનત કરીને ફરી બેઠા થવું એ જ સાચું જીવન છે. તેમણે કહ્યું કે, મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નિષ્ફળતા કે એટીકેટીથી ગભરાવાની જરૂર નથી. હતાશામાં વિદ્યાર્થીઓએ આત્મહત્યાનો વિચાર કરતા પહેલા તમારા માતા-પિતાની હાલત શું થશે અને તેમના હૃદય પર શું વીતશે તેનો વિચાર ચોક્કસ કરવો જોઈએ.

Dr. Ganesh Baraiya

જ્યારે હોસ્ટેલ કે બહાર રહીને ભણતા યુવાનો ઘરે જાય ત્યારે મોબાઈલને બદલે માતા-પિતા, ભાઈ અને બહેન સાથે સમય વિતાવે તે ખૂબ જરૂરી છે. માત્ર ડૉક્ટર કે એન્જિનિયર બનવું એ જ સફળતા નથી, પણ તમારામાં રહેલો માનવીય અભિગમ જ તમને શ્રેષ્ઠ બનાવે છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે મંત્રીનો આભાર વ્યક્ત કરતાં ડૉ. ગણેશ બારૈયાએ જણાવ્યું હતું કે, મને MCI જેવી સંસ્થાએ રિજેક્ટ કર્યો હતો, પરંતુ હતાશ થયા વિના મેં સુપ્રીમ કોર્ટ સુધી લડત આપીને ડૉક્ટરની પદવી મેળવી છે. ડૉ. ગણેશે પોતાની સફળતાનો શ્રેય તેમના શિક્ષક ડૉ. દલપત કાતરિયાને આપ્યો હતો, જેમણે સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડતમાં તેમનો સાથ આપ્યો હતો.

મંત્રીએ આ ગુરુ-શિષ્યના અતૂટ સંબંધને બિરદાવ્યો હતો અને મેડિકલ કોલેજના ડીન તેમજ સુપરિન્ટેન્ડેન્ટના સકારાત્મક સહયોગની પણ પ્રશંસા કરી હતી.


આ પણ વાંચો: રાજકોટમાં રેપિડો રિક્ષાચાલકોનો હલ્લાબોલ, ભાડું 15 થી ઘટાડી 12 કરાતા હડતાળની ચીમકી

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી 30 કરોડનું હેરોઈન ઝડપાયું, એકની ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર 96 લાખનું સોનું જપ્ત, અન્ડરવેરમાં પેસ્ટ બનાવી છુપાવ્યું