Sanand Circle to Iscon Bridge : અમદાવાદના સૌથી વ્યસ્ત અને મહત્વના ગણાતા એસ.જી. હાઈવે (SG Highway) પરથી પસાર થતા લાખો વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સાણંદ સર્કલથી ઇસ્કોન ચાર રસ્તા સુધીનો અંદાજે 4 કિમી લાંબો ભવ્ય એલિવેટેડ કોરિડોર હવે તૈયાર થઈ ગયો છે. આ પ્રોજેક્ટ કાર્યરત થવાથી એસ.જી. હાઈવે પર ગાડીઓ સડસડાટ દોડશે અને ટ્રાફિકની કડાકૂટમાંથી મુક્તિ મળશે.
Sanand: 2 લાખ લોકોને સીધો ફાયદો
રાજ્ય સરકાર દ્વારા અંદાજે 500 કરોડ રૂપિયાના જંગી ખર્ચે આ 4 કિમી લાંબો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ, આ માર્ગ પરથી દરરોજ 2 લાખથી વધુ વાહનચાલકો પસાર થાય છે. અત્યાર સુધી સાણંદ સર્કલથી ઇસ્કોન પહોંચવામાં ટ્રાફિકને કારણે 15 થી 20 મિનિટનો સમય વેડફાતો હતો, પરંતુ હવે આ અંતર માત્ર 3 થી 5 મિનિટમાં કાપી શકાશે.

પ્રહલાદનગર અને કર્ણાવતીના ટ્રાફિકનો આવશે અંત
એસ.જી. હાઈવે પર પીક અવર્સ દરમિયાન પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તા અને કર્ણાવતી ક્લબ પાસે વાહનોની લાંબી કતારો જોવા મળતી હતી. આ નવો એલિવેટેડ કોરિડોર શરૂ થતા ઓફિસ જનારા લોકોના સમય અને ઈંધણ (Fuel) ની મોટી બચત થશે. આ બ્રિજ સીધો ઉપરથી પસાર થતો હોવાથી નીચેના જંક્શન પરનો ટ્રાફિક પણ હળવો થશે અને પ્રદૂષણમાં ઘટાડો જોવા મળશે.
ક્યારે થશે લોકાર્પણ?
તંત્ર દ્વારા મળેલી વિગતો મુજબ, બ્રિજનું કામ હવે તેના અંતિમ તબક્કામાં છે, જેમાં 1 જૂનના રોજ સાણંદ સર્કલ પાસેનું ડાયવર્ઝન દૂર કરી નીચેનો રસ્તો વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારબાદ, જુલાઈના પ્રથમ સપ્તાહમાં એટલે કે 1 જુલાઈની આસપાસ આ ભવ્ય કોરિડોર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારના વિકાસમાં આ કોરિડોર એક નવું સીમાચિહ્ન (Landmark) સાબિત થશે અને શહેરની કનેક્ટિવિટીમાં મોટો વધારો કરશે.
આ પણ વાંચો: અમદાવાદ હાટકેશ્વર બ્રિજ તોડતી વખતે સર્જાઈ દુર્ઘટના, રેતી-કોંક્રિટના કોથળા પડતા મહિલા દબાઈ
આ પણ વાંચો: અમદાવાદમાં સુભાષબ્રિજનું રીડેવલોપમેન્ટ, રૂ.236 કરોડના પ્રોજેક્ટને મંજૂરી
આ પણ વાંચો: અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ સમારકામ માટે લાંબા સમય માટે બંધ, વાહનચાલકોને અસર
