ગુજરાત/ મુખ્યમંત્રીએ ડાંગ અકસ્માતમાં મૃતકોનાં પરીવારને પાઠવી સાંત્વના

ડાંગના સાપુતારા રાજ્યના માર્ગ મકાન મંત્રી પુરણેશભાઈ મોદીને આ ગોઝારી ઘટનાની જાણ થતા જ તેમણે તાત્કાલિક મદદ માટે હુકમ કરેલા

Gujarat Others
ભુપેન્દ્ર પટેલને

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના સાપુતારા નજીક સુરતની પ્રવાસી બસને શનિવારે રાત્રે નડેલા અકસ્માતમાં તત્કાલ બચાવ અને રાહત કાર્યો માટે જિલ્લા કલેક્ટરને સ્થળ પર પહોંચી જરૂરી વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી અને મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે.

ભૂપેન્દ્ર પટેલે રવિવારે વહેલી સવારે પણ ડાંગ કેલેકટર સાથે વાતચીત કરીને ઇજાગ્રસ્તોની સ્થિતિની વિગતવાર જાણકારી મેળવી છે. ગઇ કાલે રાતે આ અકસ્માતની ઘટના થઇ ત્યારથી જ મુખ્યમંત્રીએ આ અકસ્માત સંદર્ભમાં જિલ્લા તંત્રના સતત સંપર્કમાં હતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ,પોલીસ,આરોગ્ય,108 અને ડાંગના સેવાભાવી યુવાનોએ  ઘાયલ થયેલા લોકોને  સારવાર માટે આરોગ્ય કેન્દ્ર અને સાપુતારા, આહવા હોસ્પિટલમાં  પહોંચાડવાની કામગીરી કરી હતી તેનું માર્ગદર્શન  મોડી રાત સુધી કરતા રહ્યા હતા. તેમણે આ અકસ્માતના ઇજાગ્રસ્તોને  સારવાર અને મળવાપાત્ર જરૂરી  તમામ મદદ  કરવા માટે પણ જિલ્લા કલેકટરને સુચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ આ અકસ્માતમાં જે બે મહિલા પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના માર્ગ મકાન મંત્રી  પુરણેશભાઈ મોદીને આ ગોઝારી ઘટનાની જાણ થતા જ, તેમણે તાત્કાલિક બીજેપીના વઘઇ, સાપુતારા સહિત ડાંગના કાર્યકરો, સ્વયંસેવકોને તુરંત ઘટના સ્થળે પહોંચી, જરૂરી મદદ પુરી પાડવાની સૂચના આપતા કર્મઠ કાર્યકરી ઘટના સ્થળે ધસી ગયા હતા. જ્યા જિલ્લા વહીવટી તંત્રની સાથે ખભેખભા મિલાવી, ઘાયલોને સાપુતારા તથા શામગહાન આરોગ્ય કેન્દ્રો ખાતે સારવાર્થે ખસેડવામા આવ્યા હતા. આ લખાય છે ત્યારે આ ગોઝારા અકસ્માતમા બે વ્યક્તિઓના મૃત્યુ સાથે પચ્ચીસેક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે.

આ પણ વાંચો : ભ્રષ્ટાચાર : કાંકરિયામાં તુટી પડેલી રાઈડનો કોન્ટ્રકટ એ જ કંપનીને પધારાવાયો