Ahmedabad News : અમદાવાદના રાણીપ વિસ્તારમાં D-Mart નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો. BRTS બસ અને બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં બાઈક પર સવાર બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, વાડજ તરફથી આવી રહેલી BRTS બસ દરમિયાન રાણીપ તરફથી બે યુવકો બાઈક લઈને BRTS ટ્રેકમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે આવતી બસ સાથે અથડામણ થતા બાઈક બસની નીચે સુધી ખેંચાઈ ગયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્તોમાંથી બાઈક ચલાવતા યુવકને માથા અને ચહેરાના ભાગે વધુ ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક યુવક બેભાન હાલતમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
બનાવની માહિતી મળતાં અમદાવાદ ટ્રાફિક પોલીસની બી ડિવિઝન ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સ્થળ આસપાસના CCTV ફૂટેજ એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. બીજી તરફ અકસ્માત બાદ બસ ચાલક સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
