Surat News : પતિ દ્વારા પત્ની ઉપર વ્યભીચારના આક્ષેપો કરવામાં આવ્યા હોવા છતાં, પુરાવાની અછતને કારણે સુરતની ફેમીલી કોર્ટે પત્ની (Wife) તથા બે નાબાલિક સંતાનોના હિતમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ફેમીલી કોર્ટે પતિ (Husband)ને પત્નીને રૂ 5,000 તથા બે સંતાનોને રૂ8,000 + રૂ8,000 એમ કુલ માસિક રૂ 21,000 ખોરાકી પોષાકી ચૂકવવાનો હુકમ કર્યો છે.
સુરતમાં પતિ-પત્ની (Wife-Husband) વચ્ચે અણબનાવ બાદ પત્ની અને બે સંતાનોને યોગ્ય હક અને સહારો ન મળતાં, પત્નીએ પોતાના વકીલ એડવોકેટ શમીમ મલેક મારફતે ફેમીલી કોર્ટમાં ખોરાકી પોષાકી માટે અરજી કરી હતી. ફેમીલી કોર્ટે કેસના તમામ તથ્યો અને દલીલો પર વિચારણા કરીને આ ચુકાદો આપ્યો હતો.
કેસની ટૂંકી હકીકત એવી છે કે, રક્ષાબેન (નામ બદલેલ છે)એ પોતાના પતિ પરેશભાઈ (નામ બદલેલ છે) વિરુદ્ધ ખોરાકી પોષાકી મેળવવા અરજી કરી હતી. રક્ષાબેનના બે નાબાલિક સંતાન છે, જેમાં એકની ઉંમર 8 વર્ષ અને બીજાની ઉંમર 6વર્ષ છે.
અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે પતિ માસિક અંદાજે રૂ 70,000 જેટલી આવક ધરાવે છે અને પત્ની તથા બાળકો સિવાય તેની ઉપર અન્ય કોઈ જવાબદારી નથી. જ્યારે અરજદાર પત્ની હાલ પોતાના માતા ઉપર નિર્ભર છે. બંને સંતાનો અભ્યાસ કરે છે, જેમાં ભણતર પાછળ માસિક રૂ 10,000 જેટલો ખર્ચ થાય છે. ઉપરાંત સંતાનોમાંથી એક પુત્રની સારવાર પણ ચાલુ હોવાનું અરજદારે રજૂ કર્યું હતું. આ તમામ ખર્ચ વહન કરવાની જવાબદારી પતિની હોવાનું કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
જાણો પતિ (Husband)એ શું કર્યો હતો દાવો?
પતિ (Husband) તરફથી પત્ની ઉપર વ્યભીચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પતિએ દાવો કર્યો હતો કે લોકડાઉનના એક વર્ષ અગાઉ પત્નીના મોબાઈલમાં એક પુરુષ સાથે અશ્લીલ હાલતમાં સેલ્ફી ફોટા હતા, જોકે તપાસમાં તે પુરુષ પત્નીનો નજીકનો સંબંધી હોવાનું બહાર આવ્યું હતું. મહત્વની વાત એ છે કે પતિ પોતાના આક્ષેપોના સમર્થનમાં કોઈ મજબૂત પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરી શક્યો નહોતો.
ફેમીલી કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર આક્ષેપો આધારે પત્ની અને નાબાલિક સંતાનોને ખોરાકી પોષાકીથી વંચિત રાખી શકાય નહીં. પરિણામે, Suratની ફેમીલી કોર્ટના જજે પતિ વિરુદ્ધ હુકમ પસાર કરી, પત્ની અને બંને સંતાનોને કુલ માસિક રૂ 21,000 ખોરાકી પોષાકી ચૂકવવાનો આદેશ આપ્યો છે.
