Ahmedabad News : અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ EVMની હેરફેરને લઈને ગંભીર વિવાદ ઉભો થયો છે. હડાળા બેઠક હેઠળના વખતપર ગામમાં મતદાન પૂર્ણ થયા પછી EVMને લઈ જવાની પ્રક્રિયામાં ગડબડ થયાના આક્ષેપ સાથે કોંગ્રેસે તંત્ર પર સવાલો ઊભા કર્યા છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.
કોંગ્રેસના જણાવ્યા મુજબ, મતદાન પૂર્ણ થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર નિયમોના ભંગ સાથે સરકારી વાહનને બદલે પોતાની ખાનગી કારમાં ઈવીએમ લઈ જતા જોવા મળ્યા હતા. આ ઘટનાના વીડિયો અને ફોટા પણ સામે આવ્યા છે, જેમાં કારમાં ઈવીએમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસે પારદર્શિતા અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.

આ મામલે કોંગ્રેસે વધુ એક ગંભીર આક્ષેપ કર્યો છે કે, સંબંધિત પ્રિસાઇડિંગ ઓફિસર હડાળા જિલ્લા પંચાયત બેઠકના ભાજપ ઉમેદવાર સુરજીતસિંહના સગા ભાઈ છે. નિયમો મુજબ EVMની હેરફેર માટે માત્ર અધિકૃત સરકારી વાહનોનો જ ઉપયોગ કરવો ફરજિયાત હોય છે, ત્યારે ખાનગી વાહનનો ઉપયોગ નિયમભંગ ગણાય છે.
કોંગ્રેસના ઉમેદવાર વનરાજસિંહ ચાવડાએ આ અંગે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. કોંગ્રેસના દાવા પ્રમાણે તાલુકા વિકાસ અધિકારી અને ઝોનલ અધિકારીએ પણ સ્વીકાર્યું છે કે EVMને ખાનગી વાહનમાં લઈ જવા અંગે કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી નહોતી.
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલે આક્ષેપ કર્યો છે કે તંત્ર સત્તાધારી પક્ષના પક્ષપાતી રીતે કામ કરી રહ્યું છે અને નિયમોના ભંગ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
હાલ સુધી જિલ્લા કલેક્ટર અથવા મુખ્ય ચૂંટણી અધિકારી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. સમગ્ર ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. હવે ચૂંટણી પંચ દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવે છે કે કેમ અને સત્ય શું છે તે અંગે સૌની નજર ટકી છે.
