Gujarat Local Body Election 2026:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EVM મશીનમાં અચાનક સર્જાયેલી તકનીકી ખામીને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામમાં આજે પુનઃમતદાન યોજાઈ રહ્યું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ માટેના મતદાન મથક નંબર 4 અને 5માં આ ખામી સર્જાતા ચૂંટણી પંચે તાત્કાલિક પુનઃમતદાનનો આદેશ આપ્યો છે.

સુરેન્દ્રનગરના ચુડાના જેપરમાં EVM ખોટવાતા પુન:મતદાન
મતદાનની પ્રક્રિયા આજે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જેપર પ્રાથમિક શાળામાં આવેલા આ મતદાન મથકો પર કુલ 643 મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરવાના છે.ગઈકાલે (26 એપ્રિલ, રવિવાર) ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. જેપર ગામના મતદાન મથક નંબર 4 અને ૫માં કંટ્રોલ યુનિટ તેમજ બેલેટ યુનિટમાં તકનીકી ખામી સર્જાઈ હતી.

EVMમાં આ ખામી 136 મત પડ્યા બાદ જોવા મળી હતી. ત્યારબાદ મતદાન અટકાવવું પડ્યું હતું અને ચૂંટણી પંચે આજે પુનઃમતદાનની જાહેરાત કરી છે.આ બેઠક જિલ્લા પંચાયત તેમજ ચુડા તાલુકા પંચાયત માટે છે. પુનઃમતદાન માત્ર આ બે મતદાન મથકો પર જ થશે, જ્યારે અન્ય મતદાન મથકો પરનું મતદાન સામાન્ય રીતે પૂર્ણ થઈ ચૂક્યું છે.
