Surat News : સુરત શહેરના Dindoli વિસ્તારમાં બનેલી હુમલાની (Attack)એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. સીટી બસમાંથી ઉતરવા જેવી નજીવી બાબતે બે વ્યક્તિઓ વચ્ચે ભયાનક મારામારી થઈ હતી, જેમાં બંને એકબીજાને પથ્થર અને ઈંટ વડે મારતા વીડિયોમાં કેદ થયા હતા.
આ ઘટનામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે સ્થળ પર હાજર આશરે 25થી 39 લોકો ઝઘડો રોકવા કે બચાવ કરવા આગળ આવ્યા નહોતા; બદલે તેઓ મોબાઇલમાં વીડિયો ઉતારવામાં વ્યસ્ત રહ્યા હતા.
કેવી રીતે શરૂ થયો વિવાદ?
ડીંડોલીની પ્રિયંકા સોસાયટીમાં રહેતા 43 વર્ષીય રાકેશ શાંતારામ આહીર (કલર કામના વ્યવસાય સાથે સંકળાયેલા) 17 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 8 વાગ્યે પાંડેસરાથી સીટી બસમાં ઘરે પરત ફરી રહ્યા હતા.
બસ ડીંડોલી માનસી રેસીડેન્સી નજીક પહોંચતા પાછળ ઉભેલા જગદન ગોંડલ ગુપ્તાએ ઉતાવળ દર્શાવી “ચાલ ભાઈ સાઈડમાં હટ, મારે ઉતાવળ છે” કહી રાકેશ સાથે બોલાચાલી શરૂ કરી. રાકેશે જવાબ આપ્યો કે “બસ ઊભી રહે એટલે બે મિનિટમાં ઉતરી જઈશ.”
બસ ઉભી રહેતાં જ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ.
રસ્તા પર પથ્થરમારો અને ઝપાઝપી
બસમાંથી નીચે ઉતર્યા બાદ જગદને રાકેશને ગાળો આપવાનું શરૂ કર્યું. વિરોધ કરતાં બંને વચ્ચે મારામારી શરૂ થઈ. બંને એકબીજાના કોલર પકડી રસ્તા પર પટકાયા.
આરોપી દ્વારા રાકેશના ચહેરા પર નખ મારી ઈજાઓ પહોંચાડવામાં આવી અને નજીકમાં પડેલા પથ્થર તથા ઈંટ જેવા બોથડ પદાર્થોથી હુમલો(Attack) કરવામાં આવ્યો. રાકેશે પણ બચાવમાં પ્રતિહુમલો કર્યો.
મારામારી એટલી હિંસક બની કે બંને વ્યક્તિઓ લોહીલુહાણ થઈ ગયા અને રસ્તા પર લોહીના ડાઘા જોવા મળ્યા.
માનવતા શરમાઈ – લોકો વીડિયો બનાવવામાં વ્યસ્ત
આ સમગ્ર ઘટનામાં માનવતાને શરમાવે તેવા દ્રશ્યો જોવા મળ્યા. મોટી સંખ્યામાં લોકો હાજર હોવા છતાં કોઈએ ઝઘડો રોકવાનો પ્રયત્ન કર્યો નહોતો. લોકો મોબાઇલમાં વીડિયો બનાવવામાં અને સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ એકત્ર કરવામાં વ્યસ્ત રહ્યા.
આ ઘટના ડિજિટલ યુગમાં ઘટતી નૈતિકતાની ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.
ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ
અંતે કોઈ વ્યક્તિએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા રાકેશભાઈને સારવાર માટે SMIMER Hospital ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ઈ-વોર્ડમાં સારવાર હેઠળ છે.
તેમના માથા અને આંખની આસપાસ ગંભીર ઈજાઓ પહોંચી છે. હોસ્પિટલમાંથી રાકેશભાઈએ જણાવ્યું કે નાની બાબતે તેમની પર જીવલેણ હુમલો(Attack) કરવામાં આવ્યો.
હુમલા(Attack) બાદ પોલીસ ફરિયાદ અને ધમકી
આ મામલે રાકેશે ડીંડોલી પોલીસ મથકમાં જગદન ગોંડલ ગુપ્તા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. રાકેશના જણાવ્યા મુજબ, આરોપીએ હોસ્પિટલમાં પણ ધમકી આપી હતી:
“આજે તો તું બચી ગયો છે, પણ જો ફરી સામે આવીશ તો જાનથી મારી નાખીશ.”
પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
