સુરત/ બોગસ કંપની કરી ઉભી, લાખો રૂપિયાનું રોકાણ કરાવડાવી કરી છેતરપિંડી, ફાયરના કર્મચારી સહિત ત્રણ ઝડપાયા

સુરત શહેરમાં સાયબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સાયબર ક્રાઇમની વધતી જતી ઘટનાઓને લઈને સાઇબર સેલ દ્વારા લોકજાગૃતિ માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.

Top Stories Gujarat Surat
surat fraud case

@અમિત રૂપાપરા

PLCU અલ્ટીમા કંપનીમાં રોકાણ કરીને એક વર્ષમાં ત્રણ ગણા રૂપિયા અપાવવાની લાલચ આપી અને અન્ય વ્યક્તિઓને પણ રોકાણ કરાવવા બદલ સારું બોનસ અને કમિશન આપવાની લોભામણી વાતો કરી લોકો સાથે છેતરપિંડી કરનારા સરકારી કર્મચારી સહિત ત્રણ લોકોની સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સુરત શહેરમાં સાયબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સાયબર ક્રાઇમની વધતી જતી ઘટનાઓને લઈને સાઇબર સેલ દ્વારા લોકજાગૃતિ માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે PLCU અલ્ટીમાં કંપનીમાં રોકાણ કરવાથી એક વર્ષમાં ત્રણ ગણા રૂપિયા મળશે અને અન્ય લોકોને પણ રોકાણ કરાવવાથી સારું કમિશન અને બોનસ આપવાની લોભામણી લાલચો આપી લોકો સાથે છેતરપિંડીની એક ઘટના સામે આવી હતી. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ દરમિયાન ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણ આરોપીમાં એક મહિલા અને એક ફાયર સ્ટેશનના કર્મચારીનો સમાવેશ થાય છે.

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જે ત્રણ આરોપીને પકડવામાં આવ્યા છે તેમાં વિનોદ નિશાદ, મહેન્દ્ર સિસોદિયા કે જે ફાયર સ્ટેશનમાં ફરજ બજાવે છે અને પંપા દાસ નામની મહિલાનો સમાવેશ થાય છે. આ મહિલા મૂળ પશ્ચિમ બંગાળની રહેવાથી છે અને ઈચ્છાપોર પોલીસ સ્ટેશન બાજુમાં આવેલા રૂચી ટાઉનશિપમાં પરિવાર સાથે રહે છે.

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ ગુનામાં સંડોવાયેલ આરોપી વિનોદ નિશાદ અને તેની સાથે અમર વાઘવા, અમરજીત નિશાદ સુનિલ મોર્યા અને પંપાદાસે પૂર્વ આયોજિત કાવતરું રચી તારીખ 1 માર્ચ 2022થી RBIની મંજૂરી વગર અને લોકો પાસેથી નાણા ઉઘરાવવાની કોઈપણ પ્રકારની મંજૂરી ન હોવા છતાં PLCU અલટીમાં નામની એક કંપની ઉભી કરી હતી. આ કંપનીની એક એપ્લિકેશન બનાવી કંપનીનો PLCU કોઈન લોન્ચ કર્યો હતો.

આ ઇસમોએ પોલીસ વિભાગ અને ફાયર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી તેમજ અન્ય લોકોને પણ આ કોઈનમાં રોકાણ કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત એવી લોભામણી લાલચ આપી હતી કે, આ કોઈનમાં રોકાણ કરવાથી એક વર્ષમાં ત્રણ ગણા રૂપિયા થઈ જશે અને લોકોએ કરેલું રોકાણ તેમને ત્રણ મહિનામાં જ પરત મળી જશે. આ ઉપરાંત જો લોકો કોઈ અન્ય વ્યક્તિને પણ આ કોઈનમાં રોકાણ કરાવશે તો સારું બોનસ અને કમિશન પણ મળશે. આ રીતે ફરિયાદી તેમજ તેમના મિત્રો ઉપરાંત અન્ય લોકોએ આ કંપનીમાં 59,50,500 રૂપિયાનું રોકાણ કર્યું હતું.

તમામ લોકોને રોકાણ કર્યાના એક વર્ષમાં કોઈપણ પ્રકારનો નફો મળ્યો ન હોવાના કારણે તેમને સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો હતો. મહત્વની વાત છે કંપનીમાં રોકાણ કરી એક વર્ષમાં ત્રણ ગણા પૈસા કમાવાની લાલચમાં પોલીસ કર્મીઓ તેમજ ફાયરના જવાનો પણ ભોગ બન્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા એક ફાયરકર્મી સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસની પૂછપરછમાં આગામી દિવસોમાં નવા ખુલાસા થાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો:food poisoning/સુરેન્દ્રનગરમાં 30 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

આ પણ વાંચો:ahmedabad fire/અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલી બિલ્ડિંગમાં આગ લાગતા ભયનો માહોલ

આ પણ વાંચો:Gujarat Rain Forecast/આજે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી