મુંબઈ
બોલીવુડના ફેમસ એકટર અનુપમ ખેરે FTII એટલે કે ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે એક ઇન્ટરનેશનલ શોના લીધે તેમનું શેડ્યુલ વ્યસ્ત છે જેને લઈને તેમણે રાજીનામું આપી દીધું છે.
આ પહેલા અનુપમ ખેરને ગજેન્દ્ર ચૌહાણની જગ્યાએ ઓક્ટોબર, ૨૦૧૭માં FTIIના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.
અનુપમ ખેરે પોતાના પત્રમાં લખ્યું છે કે ઇન્ટરનેશનલ ટીવી શોના કારણે તેમને ૬ મહિના માટે અમેરિકા રહેવાનું થશે. ત્યારબાદ આ શોને ૪ મહિનાનું એક્સટેન્સન પણ આપી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનુપમ ખેર અમેરિકી મેડિકલ ડ્રામા સિરીઝમાં ન્યુ એમ્સ્ટરડમમાં ડો. અનિલ કપૂરની ભૂમિકા નિભાવી રહ્યા છે.
અનુપમ ખેરે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પોસ્ટ પણ કરી છે.
આ રાજીનામું તેમણે રાજ્યવર્ધન સિંહ રાઠોડને સંબોધીને લખ્યો છે. અનુપમ ખેરને વર્ષ ૨૦૧૮થી ૨૦૧૯ દરમ્યાન ૯ મહિના માટે અમેરિકામાં રહેવું પડશે જેના કારણે તેઓ ચેરમેન પદ પરથી રાજીનામું આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ અનુપમ ખેરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર બની રહેલી ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું શુટિંગ પૂરું કર્યું છે.
અનુપમને મળ્યું છે પદ્મશ્રી તેમજ પદ્મભૂષણ સન્માન
મહત્વનું છે કે, અનુપમ ખેરે ૫૦૦થી વધુ ફિલ્મો તેમજ થીએટર પ્લેમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેઓ ઘણા આંતરરાષ્ટ્રીય શો સાથે પણ જોડાયેલા છે. ફિલ્મક્ષેત્રના આ મહત્વના યોગદાનને લઈ તેઓને ૨૦૦૪માં પદ્મશ્રી તેમજ ૨૦૧૬માં પદ્મભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા છે.
આ લોકો પણ રહી ચુક્યા છે FTIIના ચેરમેન
વાત કરવામાં આવે FTIIના ચેરમેનની તો અનુપમ ખેર પહેલા બોલીવુડની ઘણી હસ્તીઓ આ પદ પર રહી ચુકી છે. આ નામોમાં શ્યામ બેનેગલ, અદૂર ગોપાલકૃષ્ણ, સઈદ મિર્ઝા, મહેશ ભટ્ટ, મૃણાલ સેન, વિનોદ ખન્ના અને ગિરીશ કર્નાડનું નામ શામેલ છે.